આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શનનો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
આંધ્રપ્રદેશના વિઝિયાનગરમમાં આ વૃદ્ધ મહિલા પોતાનું ઘર અને તેની આસપાસની જગ્યા એકદમ સ્વચ્છ રાખે છે. એ ઘરેલુ કામ છે - અને 'મહિલાઓનું કામ.' પરંતુ ઘેર હોય કે પછી સાર્વજનિક સ્થળોએ, ‘સાફસફાઈ’નું મોટાભાગનું ગંદું કામ મહિલાઓ જ કરે છે. અને આ કામમાં તેઓ પૈસા ઓછા કમાય છે અને લોકોનો ગુસ્સો વધુ સહન કરે છે. રાજસ્થાનની આ મહિલા જેવા લોકો માટે પરિસ્થિતિ વધુ ખરાબ છે. તેઓ દલિત છે. તેઓ હાથેથી મેલું ઉપાડનાર કામદાર છે. લોકોના ઘરોમાં જઈ ફ્લશ વિનાના ડ્રાય ટોયલેટમાંથી (શુષ્ક શૌચાલય) તેઓ હાથેથી ગંદકી સાફ કરે છે. રાજસ્થાનના સિકરમાં લગભગ 25 ઘરોમાં દરરોજ તેઓ આ કામ કરે છે.
આ કામ માટે ચૂકવણી પેટે તેમને દરેક ઘરમાંથી દરરોજ માંડ એક રોટલી મળે છે. મહિને એકાદ વાર જો કોઈ (ઘરમાલિક) ને દયા ઊપજે તો તેઓ આ મહિલાને થોડાઘણા રુપિયા પણ આપે. ઘરદીઠ કદાચ 10 રુપિયા. વહીવટી તંત્ર તેમને 'ભંગી' કહે છે, પરંતુ તેઓ પોતાને 'મહેતર' તરીકે ઓળખાવે છે. સમય જતા હવે આ કામ કરનારા આવા જૂથોમાંથી કેટલાક પોતાને 'વાલ્મિકી' તરીકે ઓળખાવે છે.
તેઓ પોતાના માથા પરના તાગારામાં માનવ મળ ઉપાડીને લઈ જઈ રહ્યા છે. સભ્ય સમાજ તેને ‘મેલું’ કહે છે. તેઓ ભારતના સૌથી અસુરક્ષિત અને શોષિત નાગરિકોમાંના એક છે. અને માત્ર રાજસ્થાનના સિકરમાં જ તેમના જેવા સેંકડો છે.
ભારતમાં હાથેથી મેલું ઉપાડનારા કેટલા છે? હકીકતમાં આપણે જાણતા નથી. 1971ની વસ્તી ગણતરી સુધી તો તેમનું કામ અલગ વ્યવસાય તરીકે પણ સૂચિબદ્ધ નહોતું. કેટલીક રાજ્ય સરકારો 'મેલું ઉપાડનાર' કામદારોના અસ્તિત્વનો જ ઈન્કાર કરે છે. તેમ છતાં જે ખામીયુક્ત માહિતી ઉપલબ્ધ છે તે સૂચવે છે કે લગભગ દસ લાખ દલિતો હાથેથી મેલું ઉપાડનાર કામદારો તરીકે કામ કરે છે. વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધારે હોઈ શકે છે. 'મેલું ઉપાડવાનું' કામ મોટાભાગે મહિલાઓ કરે છે.




