આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શન નો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
ટુ માર્કેટ, ટુ માર્કેટ...
આ વાંસ તેમને અહીં લાવનાર મહિલાઓની ઊંચાઈ કરતાં લગભગ ત્રણ ગણા લાંબા છે. ઝારખંડના ગોડ્ડામાં આ સાપ્તાહિક હાટ (ગ્રામીણ બજાર) માં દરેક મહિલા એક અથવા વધુ વાંસ લઈને આવી છે. અહીં સુધી પહોંચવા માટે કેટલીક મહિલાઓ માથા પર કે ખભા પર વાંસને સંતુલિત કરીને 12 કિલોમીટર ચાલ્યા છે. અલબત્ત તે પહેલા જંગલમાં જઈને વાંસ કાપવામાં પણ તેમણે કલાકો ગાળ્યા છે.
આ બધી મહેનત પછી જો તેઓ નસીબદાર હશે તો દિવસના અંત સુધીમાં 20 રુપિયાય કમાઈ શકશે. ગોડ્ડામાં જ બીજા હાટ તરફ જઈ રહેલ કેટલીક મહિલોઆ એવી પણ છે જેઓ તેનાથી પણ ઓછું કમાશે. પોતાના માથા પર પાંદડાના ઊંચા ગંજ લઈને આવતી મહિલાઓએ જ એ પાંદડા એકઠા કર્યા છે અને એકબીજા સાથે જોડીને સીવ્યા પણ છે. આ પાંદડાંમાંથી તેઓ ખાવાની સરસ ‘પ્લેટો’ બનાવે છે, જે એકવાર ઉપયોગ કર્યા પછી ફેંકી દેવામાં આવે છે. ચાની દુકાનો, હોટેલો અને કેન્ટીનો સેંકડોની સંખ્યામાં આ પ્લેટો ખરીદશે. મહિલાઓ કદાચ 15-20 રુપિયા કમાશે. હવે જ્યારે રેલ્વે સ્ટેશન પર તમે આ પ્લેટોમાંથી ખાશો ત્યારે તમને ખબર હશે કે આ પ્લેટો ત્યાં શી રીતે પહોંચી.









