આ પેનલ ગ્રામીણ મહિલાઓ દ્વારા કરવામાં આવતા વિવિધ કામોની વિશાળ શ્રેણી દર્શાવતા વિઝિબલ વર્ક, ઈનવિઝિબલ વુમન, ફોટો પ્રદર્શનનો એક ભાગ છે. આ તમામ ફોટોગ્રાફ્સ પી. સાંઈનાથ દ્વારા 1993 અને 2002 ની વચ્ચે ભારતના 10 રાજ્યોમાંથી લેવામાં આવ્યા હતા. ઘણા વર્ષો સુધી દેશના વિવિધ ભાગોમાં ફરી ચૂકેલ આ મૂળ પ્રદર્શનનું પારી (PARI) એ અહીં સર્જનાત્મક રીતે ડિજિટાઈઝેશન કરેલ છે.
ગાયો ઘેર પાછી ફરે ત્યાં સુધી
બિહારમાં ઈંધણના (ગાયના છાણના) ગોળા વાળતી આ મહિલા રાષ્ટ્રીય અર્થતંત્રમાં અદ્દભૂત યોગદાન આપી રહી છે. અલબત્ત એક એવું યોગદાન જે જેની આપણા જીડીપીમાં ક્યાંય નોંધ સરખીય નહિ લેવાય. ગાયના છાણનો બળતણ તરીકે ઉપયોગ કરતા લાખો પરિવારો જો અશ્મિભૂત ઈંધણ તરફ વળે/નો ઉપયોગ કરવાનું શરૂ કરી દે તો ભારે આપત્તિ સર્જાય. ભારત પેટ્રોલિયમ અને તેના ઉત્પાદનોની આયાત પર બીજી કોઈપણ વસ્તુઓ કરતાં વધુ વિદેશી હૂંડિયામણ ખર્ચે છે. 1999-2000માં એ રકમ 47421 કરોડ રુપિયા હતી.
આ રકમ ખોરાક, ખાદ્ય તેલ, દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો, રસાયણો, આયર્ન અને સ્ટીલની આયાત પર બધું મળીને આપણે જે કુલ વિદેશી હૂંડિયામણ ખર્ચ કરીએ છીએ તેના ત્રણ ગણા કરતાંય વધુ છે. પેટ્રોલિયમ અને તેના ઉત્પાદનો પર આપણે જે ખર્ચ કરીએ છીએ તે આપણા કુલ આયાત બિલનો લગભગ ચોથો ભાગ છે.
એ રકમ આપણે ખાતરની આયાત પર જે વિદેશી હૂંડિયામણ ખર્ચ કરીએ છીએ - $1.4 બિલિયન - તેના કરતાં પણ લગભગ આઠ ગણી છે. છાણ એ એક મહત્વનું કુદરતી ખાતર છે જેનો ઉપયોગ લાખો લોકો દ્વારા પાક ઉછેરવા માટે કરવામાં આવે છે. તેથી આ મોરચે પણ છાણ આપણા ઘણા પૈસા બચાવે છે. તે જીવજંતુઓને દૂર રાખવાનું કામ પણ કરે છે અને તેના બીજા પણ ઘણા ઉપયોગો છે. તમે ઈચ્છો તે રીતે તેનો ઉપયોગ કરી શકો છો. છાણ ભેગું કરવાનું કામ એ 'મહિલાઓનું કામ' છે - અને દેશમાં છાણ ભેગું કરતી આ મહિલાઓ દર વર્ષે ભારતના લાખો, કદાચ અબજો ડોલર બચાવે છે. પરંતુ છાણ સ્ટોક એક્સચેન્જમાં સૂચિબદ્ધ નથી, અને કદાચ મુખ્ય પ્રવાહના અર્થશાસ્ત્રીઓ છાણ ભેગું કરતી મહિલાઓની જિંદગી વિશે ઝાઝું જાણતા નથી અથવા તેઓને એની ખાસ પરવા નથી તેથી તેઓ આ આંકડાઓને ક્યારેય તેમના વિશ્લેષણમાં લેતા નથી. તેઓ આવા શ્રમને માન આપવાની વાત તો દૂર રહી તેઓ તેને ધ્યાનમાં પણ લેતા નથી કે માન આપતા નથી.




