અશોક ભાટ તેમની કઠપૂતળીઓ, લાકડાના નાના નાના રમકડાના હાથી, ઘોડા, વગેરે ઝડપથી સમેટી રહ્યા છે. એ બધું સમેટવા માટે તેઓ એ બધું જેના પર સજાવ્યું હતું એ સફેદ ચાદર જ વાપરે છે. તેમણે ઝડપ કરવી પડશે - પોલીસે દક્ષિણ દિલ્હીના સરકારી બજાર, દિલ્હી હાટની બહાર અચાનક દરોડા પાડ્યા છે, પરિણામે અશોક જેવા પાથરણાંવાળા ફેરિયાઓ હવે શું કરવું તેની મૂંઝવણમાં છે.
દિલ્લી હાટ એ સ્થાનિક નગરપાલિકા દ્વારા કારીગરોને તેમનો સામાન પ્રદર્શિત કરવા માટે આપવામાં આવતી એક અધ-ખુલ્લી જગ્યા છે. અશોક કહે છે કે ક્લબ દરેક કારીગરને થોડા સમય માટે દિલ્લી હાટની અંદર એક ટપરી આપે છે, પરંતુ આજે અશોકે પોતાનો સામાન કતારમાં ઊભા રહી પોતાના વારાની રાહ જોતા બીજા કારીગરોની સાથે નિર્ધારિત વિસ્તારની બહાર મૂક્યો છે. સ્થાનિક પોલીસ આવા લોકોને જ ગેરકાયદેસર' વેચનારા તરીકે નિશાન બનાવે છે.
40 વર્ષના અશોક કહે છે, "દિલ્લી હાટની બહાર આ બહુ સામાન્ય છે. [થોડુંઘણું કમાવું હોય તો] મારે અહીં વેચ્યા વગર છૂટકો નથી." એકવાર પોલીસ ત્યાંથી જતી રહે પછી અશોક બજારના દરવાજા પાસેની તેમની જગ્યા પર પાછા ફરે છે. તેઓ ફરી એક વાર સફેદ કપડું ફૂટપાથ પર પાથરે છે અને તેમની પત્ની (જેઓ પોતાનું નામ જાહેર કરવા માગતા ન હતા) ની મદદથી સામાન ગોઠવવાનું શરૂ કરે છે. તેઓ ઉઠાવદાર લાલ અને કેસરી બાંધણી પ્રિન્ટમાં સજ્જ કઠપૂતળીઓને સરસ રીતે વ્યવસ્થિત ગોઠવે છે, અને અશોક તેમનો દિવસ ફરી શરૂ કરવા માટે તૈયાર છે.
*****
"કઠપૂતળી કોલોની દુનિયાભરના પ્રવાસીઓથી ભરેલી રહેતી."
20-22 વર્ષના કઠપૂતળી કારીગર સની (નામ બદલ્યું છે) કહે છે, "ત્યાં અમને ક્યારેય કામની અછત નહોતી રહેતી." તેઓ યાદ કરે છે કે રાજધાનીમાં પોતે જ્યાં ઉછર્યા હતા તેની પડોશના વિસ્તારોમાં હંમેશા કોઈ ને કોઈ કઠપૂતળીનો ખેલ ચાલતો જ હોય. આ વિસ્તારના જીવંત વાતાવરણે જ તેમને આ હસ્તકલા શીખવાની પ્રેરણા આપી. તેઓ કહે છે, "દૂર-દૂરથી લોકો જોવા આવતા અને તરત જ અમને પૈસા ચૂકવી દેતા."
60-62 વર્ષના કારીગર ચમનલાલ ભાટ 1970 ના દાયકાની શરૂઆતમાં તેમના પરિવાર સાથે પશ્ચિમ દિલ્હીની કઠપૂતળી કોલોનીમાં સ્થાયી થયા હતા. તેઓ યાદ કરે છે કે શાદીપુરનો આ વિસ્તાર શી રીતે ધીમે ધીમે કઠપૂતળી બનાવનારાઓ અને કઠપૂતળીના ખેલ કરનાર કલાકારોના કેન્દ્ર તરીકે જાણીતો બન્યો હતો. તેમના જેવા અનેક કલાકારો રાજસ્થાનમાંથી સ્થળાંતર કરીને ત્યાં આવ્યા હતા.
અશોક કઠપૂતળીઓ બનાવવાની અને કઠપૂતળીના ખેલ કરવાની કળા પોતાના પિતા પાસેથી શીખ્યા હતા અને તેઓ કહે છે કે તેમના પરિવારમાં પેઢીઓથી આ કળા ચાલી આવે છે. તેઓ રાજસ્થાની લોકકથાઓ પર આધારિત કઠપૂતળીના ખેલ તૈયાર કરે છે અને કેટલીક વાર્તાઓ ગ્રાહકની માગણીને આધારે પણ કરે છે. કઠપૂતળીઓ બનાવવી, ખેલ માટે વાર્તાઓ લખવી અને ખેલ રજૂ કરવા એ તેમના કહેવા પ્રમાણે, "માત્ર શારીરિક શ્રમનું કામ નથી, એને માટે વિચાર પણ કરવો પડે છે."
આ હસ્તકલા સમજાવતા તેઓ કહે છે, “કઠપૂતળી બનાવવામાં ઘણો સમય લાગે છે. સૌથી પહેલા લાકડાની ફ્રેમ બનાવવી પડે, તેને દિવસો સુધી તડકામાં સૂકવવી પડે, તેને લીસી કરવી પડે અને પછી તેને રંગવી પડે.”
તેઓ કહે છે, “લાકડાની કઠપૂતળીની ફ્રેમ પર રંગ બરોબર ચડે એ માટે પેઈન્ટના ચારથી પાંચ કોટ કરવા પડે. પછી પેઈન્ટ બ્રશ બાજુએ મૂકી સોય-દોરો હાથમાં ઝાલવો પડે." કઠપૂતળીના જુદા જુદા પાસા પર કામ કરવા માટે અલગ-અલગ સાધનોની મદદથી કામ કરવા વર્ષોના મહાવરાની જરૂર પડે: “અમે કપડાની સિલાઈ કરીએ અને કઠપૂતળીને કપડાં પહેરાવીએ. પછી અમે તેમના કપડાં પર જરી કામ કરીએ, તેની સાથે તાર જોડીએ અને તેમને નાચતી કઠપૂતળી બનાવીએ."
અશોક યાદ કરે છે, "અગાઉ વર્ષના આ મહિનાઓમાં હું મેળાઓ, લગ્નો અને બીજા કાર્યક્રમોમાં કામ કરતો હતો." તેઓ ઉમેરે છે, "હજી આજે પણ એવા લોકો છે જેમને અમારું કામ ગમે છે અને જેઓ અમને બોલાવે છે, પરંતુ તેવા હવે થોડાક જ છે. "
તેઓ કહે છે કે કુટુંબનું ભરણપોષણ કરવા અને તેમના શાળાએ જતા બે બાળકોને ભણાવવા માટે તેમની પાસે આ કઠપૂતળીઓ વેચવા સિવાય આવકનો બીજો કોઈ સ્ત્રોત નથી. તેઓ હસતાં હસતાં ઉમેરે છે, “તેમ છતાં અમારી કઠપૂતળી સદાબહાર છે. મારા પિતાએ જેમ મને શીખવ્યું તેમ હું મારા બાળકોને શીખવી રહ્યો છું.
*****
આનંદ પરબત ઈન્ડસ્ટ્રિયલ એરિયા ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પોતાના ઘરની બહાર બેઠેલા 20-22 વર્ષના કલાકાર સની માને છે કે કઠપૂતળી બનાવનારાઓનું તેમની કોલોનીમાંથી કરાવાયેલું સ્થળાંતર જ તેમના નસીબની પડતી માટે જવાબદાર છે.
તેમનું કહેવું છે કે અગાઉ તેમનો કઠપૂતળી વિસ્તાર પશ્ચિમ દિલ્હીમાં શાદીપુરમાં હતો. 2017માં ત્યાંના રહેવાસીઓને દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી (ડીડીએ)ના પહેલા 'ઈન-સીટુ સ્લમ રિહેબિલિટેશન પ્રોજેક્ટ' ના ભાગ રૂપે ત્યાંથી આ કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા. ડીડીએ એ તેમના મકાનો ફરીથી બનાવવાની અને તેમને મૂળ પ્લોટ પર 'સુધારેલ આવાસ' માં પાછા ખસેડવાની યોજના બનાવી હતી. એ વાતને આજે છ વર્ષ થઈ ગયા છે અને કઠપૂતળી બનાવનારાઓ હજી 'ટ્રાન્ઝિટ' માં જ છે.
તેઓ હજી આજે પણ જ્યાં રહે છે તે ટ્રાન્ઝિટ કેમ્પ પાંચ કિલોમીટર દૂર છે, પરંતુ તેઓ માને છે કે આ પગલાથી કઠપૂતળીઓ બનાવનારા અને ખેલ કરનારા કલાકારોના જીવન અને આજીવિકાને ભારે અસર પહોંચી છે.
તેઓ કહે છે, "પહેલાં અમારી વસાહત મુખ્ય માર્ગ પર હતી અને ત્યાં સરળતાથી પહોંચી શકાય તેમ હતું. અત્યારે ટ્રાન્ઝિટ કેમ્પ વિશે કોઈને ખબર નથી, કોઈ અહીં આવવા માગતું નથી, અને ટેક્સી ડ્રાઈવરો પણ આનંદ પરબત વિસ્તારનું નામ સાંભળીને સવારી રદ કરે છે."
સની ઉમેરે છે, “કેમ્પ વિસ્તારની બહાર કોઈ સારા રસ્તા નથી, ત્યાં ચાલવું પણ મુશ્કેલ છે. ક્યાંય પણ સમયસર પહોંચવા માટે અમારે બે કલાક વહેલા નીકળવું પડે છે."
આ કામચલાઉ વસાહતમાં પતરાની છતવાળા ફાઇબર ગ્લાસની દિવાલોથી બનેલા મકાનોમાં 2800 પરિવારો રહે છે. ચમનલાલ કહે છે કે ડીડીએ એ દરેક ગલીના નાકે સામાન્ય સ્નાનગૃહ અને શૌચાલયની વ્યવસ્થા કરી છે પરંતુ તેની યોગ્ય જાળવણી થતી નથી અને નાળમાં પાણી ભાગ્યે જ આવતું હોય છે. તેઓ કહે છે, “કેમ્પમાં આરોગ્ય અને સ્વચ્છતા માટે કોઈ જોગવાઈઓ નથી. ખરાબ પાણીને કારણે બધા માંદા પડે છે. અમે અમારા મોટાભાગના કારીગરોને માંદગીમાં ગુમાવ્યા છે."
ઘણા કઠપૂતળીઓ બનાવનારાઓ અને કારીગરો બીજા ધંધાઓ અને કલાસ્વરૂપો તરફ વળી રહ્યા છે. ચમનલાલ કહે છે, “અત્યારે ઢોલ વગાડવાનું વધુ લોકપ્રિય છે. બીજા એક કારીગર, 29 વર્ષના અજય ભાટ કહે છે કે ઢોલ વગાડીને તમે રોજના 20000 રુપિયા સહેલાઈથી કમાઈ શકો છો. તેઓ કહે છે, "એવું નથી કે અમારે કઠપૂતળીના ખેલ નથી કરવા પણ અમારે અમારા પરિવાર માટે પૈસા પણ કમાવવાના હોય ને."
દિલ્હીના શિયાળાના આછા તડકામાં પોતાના ઘરની બહાર બેસીને ચમનલાલ રાજધાનીમાં રહેવા આવ્યા તે પહેલાના તેમના જીવનને યાદ કરે છે. તેમણે તેમનું બાળપણ તેમના પરિવાર સાથે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ગામડાઓમાં કઠપૂતળીના ખેલ કરવામાં વિતાવ્યું હતું.
તેઓ કહે છે, "સરપંચ [ગામના વડા] અમને ખેલ કરવા માટે જગ્યા આપતા. બધા અમને જોવા આવતા અને અમને હોંશે-હોંશે આવકારતા."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક