"વરસાદ ફરી બંધ થઈ ગયો છે," વાંસનાં ટેકા સાથે તેમના ખેતર તરફ ચાલતા-ચાલતા ધર્મા ગારેલે કહ્યું. “જૂન મહિનો હવે ખૂબ વિચિત્ર બની ગયો છે. પેહલા 2-3 કલાક માટે વરસાદ પડશે. ક્યારેક હળવો તો ક્યારેક ભારે વરસાદ પડશે. પરંતું તેના પછીના થોડા કલાકોમાં જ ફરી અસહ્ય ગરમી પડશે. તેના કારણે જમીનનો તમામ ભેજ શોષાઈ જાય. પછી માટી પણ ફરી સુકાઈ જાય. આવી સ્થિતિમાં રોપાઓ કેવી રીતે ઉગી શકે?”
થાણે જિલ્લાના શાહપુર તાલુકાના 15 વારલી પરિવારોના આદિવાસી ગામ ગારેલપાડામાં એંસી વર્ષના ગારેલ અને તેમનો પરિવાર તેમની એક એકર જમીન પર ડાંગરની ખેતી કરે છે. જૂન 2019 માં, તેઓએ વાવેલ ડાંગરનો પાક સંપૂર્ણપણે સુકાઈ ગયો. તે મહિને, 11 દિવસમાં માત્ર 393 mm વરસાદ પડ્યો હતો (421.9 mm ની સરેરાશ કરતા પણ ઓછો).
તેઓએ જે ડાંગર વાવ્યો હતો તેના બિયાં ફૂટ્યાં જ નહી અને તેઓને બિયારણ, ખાતર, ટ્રેક્ટર ભાડા અને અન્ય ખર્ચા સમેત લગભગ રૂ. 10,000નું નુકસાન થયું.
“એ તો છેક ઓગસ્ટ મહિનામાં નિયમિત વરસાદને કારણે જમીન ઠંડી થવા લાગી. મને ખાતરી હતી કે બીજી વાવણીનું જોખમ લઈને, અમે જે પાક મેળવીશું, તેમાં થોડો ફાયદો તો થશે જ., ” ધર્માના દીકરા 38 વર્ષના રાજુએ કહ્યું.
જૂન મહિનાના ખૂબ ઓછા વરસાદ પછી, જુલાઈ મહિનામાં, તાલુકામાં ખૂબ વરસાદ પડ્યો - 947.3 મીમીના સામાન્ય વરસાદની સરખામણીમાં 1586.8 મીમી વરસાદ પડ્યો. આના આધારે ગારેલ પરિવારે બીજી વાવણી સાથે તેમની આશા જોડી. પરંતુ ઓગસ્ટ સુધીમાં વરસાદ ખૂબ જ તીવ્ર બની ગયો - અને તે ઓક્ટોબર સુધી ચાલુ રહ્યો. થાણે જિલ્લાના તમામ સાત તાલુકાઓમાં 116 દિવસમાં આશરે 1,200 મીમી જેટલો વરસાદ પડ્યો.
“છોડના વિકાસ માટે સપ્ટેમ્બર સુધી થયો તે વરસાદ પૂરતો હતો. આપણે માણસો પણ પેટ ફાટે ત્યાં સુધી ખાતા નથી, તો એક નાનો છોડ આવું કઈ રીતે કરી શકે? " રાજુ પૂછે છે. ઓક્ટોબરના વરસાદમાં ગારેલ પરિવારના ખેતરમાં પાણી ભરાયા હતા. પોતે ખેડૂત અને રાજુની પત્ની , 35 વર્ષીય સવિતા, યાદ કરતા કહે છે, "અમે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહમાં ડાંગર કાપવાનું અને તેના પોટલાઓ બનાવાનું શરૂ કર્યું હતું. અમારે હજી બાકીનો પાક લણવાનો બાકી હતો. 5 ઓક્ટોબર પછી, અચાનક ભારે વરસાદ શરૂ થયો. અમે શક્ય હતો તેટલો પાક ઘરની અંદર લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ થોડીવારમાં જ અમારું ખેતર છલકાઈ ગયું ... "
ઓગસ્ટની બીજી વાવણીમાંથી, ગારેલ પરિવાર માત્ર 3 ક્વિન્ટલ ડાંગરને બચાવવામાં સફળ રહ્યો-જ્યારે ભૂતકાળમાં તેઓ એક જ વાવણીમાંથી લગભગ 8-9 ક્વિન્ટલ પાક લઈ લેતા હતા.












