આ વર્ષે જયારે ઉસ્માનાબાદ જિલ્લામાં કોવિડ-19 ની બીજી લહેર આવી ત્યારે તેણે ફક્ત દરવાજા જ ન ખટખટાવ્યા - દરવાજામાંથી સીધેસીધી અંદર પેઠી. તુળજાપુર તહેસીલમાં (કોવિડ) કટોકટીને વેગ આપવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા માટે તુળજા ભવાની મંદિરને કારણભૂત ઠેરવાયું.
કોવિડ -19 ના સંક્રમણથી લગભગ મરતા મરતા બચેલા જયસિંહ પાટીલે ખતરો ન ટળે = ત્યાં સુધી મંદિરથી દૂર રહેવાની પ્રતિજ્ઞા લીધી છે. તેઓ કહે છે, "હું ભક્ત છું. હું લોકોની શ્રદ્ધાનું સન્માન કરું છું. પરંતુ મહામારી દરમિયાન મંદિરો ખોલવામાં ડહાપણ નથી.”
45 વર્ષના પાટીલ તુળજા ભવાની મંદિર ટ્રસ્ટમાં કારકૂન તરીકે કામ કરે છે. તેઓ કહે છે, "આ વર્ષે ફેબ્રુઆરીમાં મને સેંકડો લોકોની કતારને નિયંત્રિત કરવાનું કહેવામાં આવ્યું." આ મંદિર મહારાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ યાત્રાધામોમાંનું એક છે, દરરોજ ભારતભરમાંથી હજારો લોકો આ મંદિરની મુલાકાત લે છે. “ભક્તો આક્રમક હોય છે. જો તેઓને મંદિરમાં પ્રવેશતા અટકાવવામાં આવે તો તેઓ તમારા પર તૂટી પડે છે. ભીડને નિયંત્રિત કરતી વખતે મને કોવિડ-19 નું સંક્રમણ થયું હોવું જોઈએ.”
તેમણે હોસ્પિટલના સઘન સંભાળ એકમ (ઈન્ટેન્સિવ કેર યુનિટ) માં ઓક્સિજન સપોર્ટ પર બે અઠવાડિયાથી વધુ સમય રહેવું પડ્યું હતું. તેમના લોહીમાં ઓક્સિજનનું સ્તર 75-80 ટકા વચ્ચે વધઘટ થતું હતું - ડોકટરોનું કહેવું છે કે (ઓક્સિજનનું સ્તર) 92 ટકા કરતાં ઓછું હોય તો તે ચિંતાનું કારણ છે. જયસિંહ કહે છે, "કોઈક રીતે હું બચી તો ગયો. પણ આટલા મહિનાઓ પછી પણ મને ખૂબ થાક લાગે છે."











