“20 વર્ષ પહેલા જ્યારે નાળા સાફ હતા, ત્યારે પાણી કાચની જેવું સાફ હતું. [નદીના તળિયે] પડેલા સિક્કાઓ પણ ઉપરથી જોઈ શકાય તેવું હતું. અમે સીધા યમુનામાંથી પાણી પી શકતા,” માછીમાર રમણ હલ્દર કહે છે અને પોતાની વાત પર ભાર મુકવા પોતાની હથેળી ભરીને ગંદુ પાણી પોતાના મોઢા પાસે લાવે છે. અમારા મોઢા પર ગમગીન ભાવ જોઈ, તેઓ ઉત્કંઠિત હાસ્ય સાથે પોતાની આંગળીઓ વચ્ચેથી પાણીને સરકી જવા દે છે.
આજની યમુનાની અંદર વહેતા, પ્લાસ્ટિક, વરખ આવરણો, છાણ, છાપાઓ, મૃત વનસ્પતિ, કોંક્રિટની કાટમાળ, કપડાના કટકા, કાદવ, સડેલો ખોરાક, વહેતા નારિયેળ, રાસાયણિક ફીણ અને જળકુંભી રાજધાનીના આ શહેરની સામગ્રી અને પૌરાણિક વપરાશનું કાળું પ્રતિબિંબ છે.
યમુનાના માત્ર 22 કિલોમીટર (અથવા માંડ 1.6 ટકા) રાષ્ટ્રીય રાજધાની પ્રદેશમાંથી વહે છે. પરંતુ જે કચરો અને ઝેરીલાં પદાર્થો તે નાના પટ્ટામાં તેનામાં ઠલવાય છે તે 1,376 કિલોમીટર લાંબી આ નદીના 80 ટકા પ્રદુષણ માટે જવાબદાર છે. આ વાત સ્વીકારતા, 2018 માં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (NGT)ના મોનિટરિંગ કમિટીના રિપોર્ટમાં દિલ્હીની નદીને 'સિવર લાઇન' (ગટર લાઈન) જાહેર કરી હતી. પાણીમાં ઓક્સિજનની માત્રામાં તીવ્ર ઘટાડો થવાથી માછલીઓના મોટા પાયે મૃત્યુ થાય છે.
ગયા વર્ષે, દિલ્હીમાં નદીના દક્ષિણ પટ પર કાલિંદી કુંજ ઘાટ પર હજારો મૃત માછલીઓ અને અન્ય જળચર જીવ મળી આવ્યા હતા અને આ એક વાર્ષિક ઘટના બની ગઈ છે.
“નદીની જીવસૃષ્ટિને ટકી રહેવા માટે ઓગળેલા ઓક્સિજનનું (પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ) સ્તર 6 અથવા તેનાથી ઉપરનું હોય તે જરૂરી છે. માછલીઓને ઓછામાં ઓછા 4-5ના ઓગળેલા ઓક્સિજન સ્તરની જરૂર હોય છે. યમુનાના દિલ્હી વાળા ભાગમાં, ઓગળેલા ઑક્સિજનનું સ્તર 0 થી 0.4 ની વચ્ચે છે, ”શિકાગો યુનિવર્સિટીમાં ટાટા સેન્ટર ફોર ડેવલપમેન્ટના વોટર-ટુ-ક્લાઉડ પ્રોજેક્ટના ડિરેક્ટર પ્રિયંક હિરાણી કહે છે. આ પ્રોજેક્ટ નદીઓમાં વાસ્તવિક સમયમાં થતા પ્રદૂષણનો નકશો બનાવે છે.











