3 જી જાન્યુઆરી, 2023 ની સવારની એ વિનાશક ઘટનાઓને યાદ કરીને ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના જોશીમઠ નગરના રહેવાસી અજીત રાઘવ કહે છે, "શરૂઆત રસોડાથી થઈ હતી."
37 વર્ષના આ જીપ ટેક્સી ચાલકનું કહેવું છે કે સૌથી પહેલા રસોડામાં મોટી તિરાડો દેખાઈ હતી અને પછીથી તે ઝડપથી તેમના ઘરના બીજા ભાગોમાં ફેલાઈ ગઈ હતી. તેમના બે માળના સાધારણ ઘરમાં સૌથી ઓછી તિરાડોવાળો ઓરડો ઝડપથી કામચલાઉ રસોડામાં ફેરવી દેવામાં આવ્યો હતો. આઠ જણનો આ પરિવાર અચાનક જ બેઘર થઈ ગયો હતો.
રાઘવ કહે છે, “મેં અમારી બે મોટી દીકરીઓ ઐશ્વર્યા [12] અને સૃષ્ટિ [9] ને મારી મોટી બહેન સાથે રહેવા મોકલી દીધી હતી. બાકીનો પરિવાર - રાઘવ, તેમની પત્ની ગૌરી દેવી, છ વર્ષની દીકરી આયશા (6) અને તેમના બે વૃદ્ધ કાકી - અહીં જમે છે. પરંતુ સાંજ સુધીમાં તેઓ હિમાલયના આ નગરમાં કામચલાઉ આશ્રય તરીકે નિયુક્ત કરવામાં આવેલ નજીકની સંસ્કૃત મહાવિદ્યાલય શાળામાં સૂવા માટે જતા રહે છે. આશરે 25-30 વિસ્થાપિત પરિવારોને અહીં ખસેડવામાં આવ્યા છે.
ચમોલી જિલ્લા સત્તાવાળાઓ દ્વારા 21 મી જાન્યુઆરી, 2023ના રોજ બહાર પાડવામાં આવેલા સત્તાવાર અહેવાલ મુજબ જોશીમઠના નવ વોર્ડમાં 181 ઈમારતોને અસુરક્ષિત ઈમારતો તરીકે ચિહ્નિત કરવામાં આવી છે, અને 863 મકાનોમાં દેખીતી રીતે નજરે પડે એવી તિરાડો પડી ગઈ છે. રાઘવ પારી (PARI) ને તેની પડોશના ઘરોમાં પડેલી તિરાડો બતાવે છે. આ પરિસ્થિતિ તરફ દોરી જનાર નિરંકુશ વિકાસનો ઉલ્લેખ કરતા તેઓ કહે છે, "અહીંનું એકેએક ઘર જોશીમઠની વાર્તા છે."
રાઘવ કહે છે કે, જોશીમઠમાં ઈમારતોની દિવાલો, છત અને મકાનોના ભોંયતળિયામાં તિરાડો પડવાની શરૂઆત 3 જી જાન્યુઆરી, 2023ના રોજ થઈ હતી. થોડા જ દિવસોમાં તે ગંભીર સંકટમાં પરિણમી હતી. લગભગ તે જ અરસામાં ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) ના નેશનલ રિમોટ સેન્સિંગ સેન્ટર (એનઆરએસસી) એ જોશીમઠમાં જમીન કેટલી હદે ધસી પડી છે એ દર્શાવતા ફોટા મૂક્યા હતા: ડિસેમ્બર 2022 ના અંત અને જાન્યુઆરી 2023 ની શરૂઆત વચ્ચે જોષીમઠમાં 5.4 સે.મી. જમીન ધસી પડી છે. આ ફોટા હવે એનઆરએસસીની વેબસાઈટ પર જોવા મળતા નથી.
રાઘવ રહે છે તે સિંહધાર વોર્ડમાં 151 ઈમારતોને દેખીતી તિરાડોવાળી ઈમારતો તરીકે ઓળખાવવામાં આવી છે; 98 ઈમારતો અસુરક્ષિત ઝોનમાં છે. આ ઈમારતો રહેઠાણ માટે તો અયોગ્ય અને અસુરક્ષિત છે જ પણ એ ઈમારતોની નજીક જવું પણ અયોગ્ય અને અસુરક્ષિત છે એમ દર્શાવવા જિલ્લા સત્તાવાળાઓ દ્વારા એ બધી ઈમારતોને લાલ ચોકડીથી ચિહ્નિત કરવામાં આવી છે.
















