આ ૧૯૯૮ની હીટ ફિલ્મ, અ બગ્સ લાઈફ ની સિક્વલ જેવું છે. હોલિવૂડની મૂળ ફિલ્મમાં ફ્લીક નામની કીડી પોતાના ટાપુની અન્ય હજારો કીડીઓને દુશ્મન તીડથી બચાવવા માટે બહાદુર યોદ્ધાઓની સેના તૈયાર કરવાનો પ્રયત્ન કરે છે.
ભારતમાં હકીકતમાં ઘટી રહેલી આ સિક્વલમાં અભિનેતાઓની સંખ્યા ખર્વોમાં છે, જેમાંથી ૧૩૦ કરોડ માણસો છે. ટૂંકા શિંગડાવાળા તીડના ટોળા આ વર્ષે મે મહિનામાં તૂટી પડ્યા અને દરેક ટોળામાં લાખો તીડ હતા. ભારતના કૃષિ કમિશનરના કહેવા પ્રમાણે આ ટોળાએ બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં લગભગ બે થી ત્રણ લાખ એકર જમીનમાં ઊભો પાક નષ્ટ કરી દીધો હતી.
આ હવાઈ આક્રમણ રાજ્યની સીમાઓને મામૂલી બનાવી દે છે. સંયુક્ત રાષ્ટ્રના ખાદ્ય અને કૃષિ સંગઠન (એફ.એ.ઓ.) મુજબ, પશ્ચિમ આફ્રિકાથી ભારત સુધીમાં ૧ કરોડ ૬૦ લાખ ચોરસ કિલોમીટર વિસ્તારમાં લગભગ ૩૦ દેશોમાં તીડ રહે છે. અને આ તીડનું એક નાનું ઝુંડ – ૧ ચોરસ કિલોમીટરમાં લગભગ ૪ કરોડ તીડ સમાઈ જાય – એક દિવસમાં ૩૫,૦૦૦ માણસો, ૨૦ ઊંટ કે પછી છ હાથી જેટલું ભોજન આરોગી જાય છે.
આ કારણે આ કોઈ આશ્ચર્યની વાત નથી કે રાષ્ટ્રીય તીડ ચેતવણી સંગઠનના સદસ્યોમાં રક્ષા, કૃષિ, ગૃહ મંત્રાલય, વિજ્ઞાન અને ટેકનોલોજી, નાગરિક ઉડ્ડયન અને સંચાર મંત્રાલયનો સમાવેશ થાય છે.
જો કે આ ઉભરતી સ્ક્રિપ્ટમાં તીડ એકમાત્ર વિલન નથી, કેમ કે લાખો જંતુઓ વચ્ચેનું સંતુલન ખતરામાં પડી ગયું છે. ભારતમાં જંતુવિજ્ઞાની અને આદિવાસી તથા અન્ય ખેડૂતો ઘણીવાર વિદેશી પ્રજાતિના આ દુશ્મન જંતુઓને સૂચિબદ્ધ વર્ગીકૃત કરી રહ્યા છે. ખાદ્ય ઉત્પાદન માટે અનુકૂળ ‘લાભદાયી જંતુઓ’ પણ અમુકવાર નુકસાનદાયી બની શકે છે, જ્યારે જળવાયું પરિવર્તન એમના નિવાસસ્થાન નષ્ટ કરી રહ્યું હોય.










