ચોમાસાનું જોર ઓછું થઈ ગયું હતું. બિહારના બારાગાંવ ખર્દ ગામની મહિલાઓ તેમના કાચા મકાનોની બહારની દીવાલો લીંપવા ખેતરોમાંથી ભીની માટી લઈ આવતી હતી. તેઓ અવારનવાર, ખાસ કરીને તહેવારો પહેલા, તેમના ઘરની બહારની દીવાલોને મજબૂતી આપવા અને શણગારવા લીંપણ કરે છે.
22 વર્ષના લીલાવતી દેવીને બીજી મહિલાઓ સાથે ભીની માટી ભેગી કરવા જવું હતું. પરંતુ તેમનો ત્રણ મહિનાનો દીકરો રડારોળ કરતો હતો અને કેમેય કર્યો ઊંઘતો નહોતો. તેમના પતિ 24 વર્ષના અજય ઓરાઓન નજીકમાં જ તેમની કરિયાણાની દુકાને હતા. બાળક તેમના (લીલાવતી દેવીના) હાથમાં આરામથી સૂતું હતું અને તેને તાવ છે કે નહિ તે તપાસતા હોય તેમ થોડી થોડી વારે લીલાવતી પોતાની હથેળી તેના કપાળ પર મૂકતા હતા. તેમણે કહ્યું, "મને તો લાગે છે એને સારું છે."
2018 માં લીલાવતીની 14 મહિનાની દીકરીને તાવ આવ્યો હતો અને તે મૃત્યુ પામી હતી. લીલાવતીએ કહ્યું, "તેને બે જ દિવસ તાવ આવ્યો હતો, અને તે પણ સાધારણ." મૃત્યુનું કારણ શું હતું એ અંગે માબાપને આથી વધારે કંઈ ખબર નથી. અહીં કોઈ હોસ્પિટલ રેકોર્ડ્સ નથી, કોઈ પ્રિસ્ક્રિપ્શનો નથી, કોઈ દવાઓ નથી. જો બીજા થોડા દિવસ સુધી તાવ ન ઊતરે તો દંપતીએ તેને તેમના ગામથી નવ કિલોમીટર દૂર કૈમૂર જિલ્લાના અધૌરા બ્લોકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) માં લઈ જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેઓને તેમ કરવાનો વારો જ ન આવ્યો/તે પહેલા તો દીકરી.
કૈમૂર વન્યપ્રાણી અભયારણ્યના જંગલ વિસ્તારની નજીક આવેલા પીએચસીની હદ દર્શાવતી કોઈ દીવાલ નથી. બારાગાંવ ખર્દ ગામના અને નજીકના બડગાંવ કલાનના રહેવાસીઓ - મકાનમાં (બંને ગામ વચ્ચે એક સામાન્ય પીએચસી છે) આમતેમ રખડતા જંગલી પ્રાણીઓ - સુસ્ત રીંછ, દીપડા અને નીલગાય - ની વાતો વિગતે કહે છે. આ જંગલી પ્રાણીઓ દર્દીઓ અને તેમના સંબંધીઓની સાથોસાથ આરોગ્ય કર્મચારીઓ, જે અહીં સેવા આપવા ઉત્સુક નથી, તેમને પણ ડરાવી દે છે.
2014 થી મુશ્કેલીઓ છતાં તેમના પોતાના ધોરણો પ્રમાણે મર્યાદિત સફળતા સાથે - નોકરીમાં ટકી રહેલા માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર (આશા-એક્રેડિટેડ સોશિઅલ હેલ્થ એક્ટીવિસ્ટ) ફૂલવાસી દેવી કહે છે, “અહીં [બારાગાંવ ખર્દમાં] એક પેટા-કેન્દ્ર પણ છે, પરંતુ મકાન વપરાશમાં નથી. તે બકરા અને અન્ય પ્રાણીઓ માટે આરામ કરવાની જગ્યા બનીને રહી ગયું છે."





