મેં તેમને 2011 માં કહ્યું હતું, આમ જુઓ તો તમારી યુનિવર્સીટીનો એક હિસ્સો એવા ગામની જમીન પર સ્થિત છે કે જેના રહેવાસીઓ વખતોવખત વિસ્થાપિત થયા હતા. જો કે એ કોઈપણ રીતે તમારી ભૂલ અથવા જવાબદારી નથી. પરંતુ તમારે એ વાત સ્વીકારવી રહી.
તેમણે વાત સ્વીકારી તો ખરી - જો કે મને આતુરતાથી અને ધ્યાનથી સાંભળતા ઓડિશાની સેન્ટ્રલ યુનિવર્સિટી, કોરાપુટના વિદ્યાર્થીઓ માટે તે વાત થોડી આઘાતજનક હતી - તે વિદ્યાર્થીઓ મુખ્યત્વે જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન વિભાગના હતા. અને ચીકાપરની વાતે તેમને વિક્ષુબ્ધ કરી મૂક્યા હતા. એક ગામ જે નિયમહીન રીતે ત્રણ ત્રણ વખત વિસ્થાપિત થયું હતું. દરેક વખતે ‘વિકાસ’ના નામે.
અને મારું મન સરી પડ્યું 1993 ના અંતમાં - 1994 ની શરૂઆતના સમયમાં. જ્યારે ગડબા આદિવાસી (તેના પૌત્ર સાથે સૌથી ઉપર મુખ્ય ફોટામાં) મુક્તા કદમે મને કહ્યું હતું કે 1960 ના દાયકામાં ચોમાસાની તોફાની રાત્રે કેવી રીતે તેઓને બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. ઘોર અંધારામાં અને વરસતા વરસાદમાં તેઓ માથા પર પોતાનો સરસામાન ઉપાડી તેમના પાંચ બાળકોને પોતાની આગળ ધકેલી જંગલમાં દોરી ગયા હતા. “અમને સમઝાતું નોહ્તું કે જવું ક્યાં. બસ સા’બ લોકોએ અમને જતા રહેવાનું કહ્યું એટલે અમે ત્યાંથી નીકળી ગયા. સમય ડરાવી મૂકે એવો હતો.”
તેઓ [એમને ખદેડી મૂકનારા] હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) MIG ફાઈટર પ્રોજેક્ટ માટે રસ્તો બનાવી રહ્યા હતા. એક એવો પ્રોજેક્ટ જે ઓડિશામાં ક્યારેય પૂરેપૂરો આવવાનો ન હતો અથવા થવાનો ન હતો. પરંતુ તેમને એ જમીન ક્યારેય પાછી આપવામાં ન આવી. વળતર? દાયકાઓથી ચીકાપરના વિસ્થાપિતોના ન્યાય માટે સંઘર્ષ ચાલુ રાખાનાર એક દલિત અને કાર્યકર જ્યોતિર્મય ખોરા કહે છે, "મારા પરિવાર પાસે 60 એકર જમીન હતી. અને ઘણા વર્ષો પછી અમને મળ્યા માત્ર 15000 રુપિયા [કુલ] વળતર તરીકે - 60 એકર માટે.” વિસ્થાપિતઓ ફરી એક વાર તેમનું ગામ ફરીથી બનાવ્યું, સરકારની નહીં પણ તેમની પોતાની માલિકીની જમીન પર. ભૂતકાળની સુખદ યાદોને ને સંભારતા આ ગામને પણ તેઓ 'ચીકાપર' કહે છે.




