ચિત્રાને મળ્યાના ત્રણ વર્ષ પહેલા મુતુરાજાએ તેમની બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. એ તારીખ અને સમય તેમના મગજમાં બરોબર કોતરાઈ ગયેલ છે - 13 મી જાન્યુઆરી, 2013 ના રોજ સાંજના 7 વાગ્યાનો એ સમય હતો. પોંગલના તહેવારની આગલી રાત. તેમને જ્યારે ખ્યાલ આવ્યો કે તેમને હવે કશું જ દેખાતું નહોતું ત્યારે તેમનો સતત વધતો જતો ગભરાટ તેમને આજેય યાદ છે.
પછીના થોડા વર્ષો તેમને માટે ખૂબ દુઃખદ અને સ્તબ્ધ કરી મૂકનારા હતા. તેઓ મોટે ભાગે ઘરની અંદર જ રહેતા - ગુસ્સે થઈ જતા, વિચલિત થઈ જતા અને રડતા - અને આત્મહત્યાના વિચારો તેમને ઘેરી વળતા. પણ જેમતેમ કરીને એ સમય પસાર થઈ ગયો અને તેઓ બચી ગયા. ચિત્રાને મળ્યા ત્યારે તેઓ 23 વર્ષના હતા અને અંધ હતા, અને તેઓ જાણે "એક જીવતી લાશ માત્ર હોય તેવું તેમને લાગતું". તેઓ હળવેથી કહે છે એ ચિત્રા જ હતી જેણે તેમના જીવનને એક નવો આયામ આપ્યો.
મુતુરાજા સંપૂર્ણપણે અંધ થઈ ગયા તે પહેલા જ એક પછી એક કમનસીબ અકસ્માતોની હારમાળાને કારણે તેમની દ્રષ્ટિ ખૂબ નબળી પડી ગઈ હતી. જ્યારે તેઓ સાત વર્ષના હતા ત્યારે તેઓ અને તેમની બહેન મદુરાઈમાં તેમના ખેતરમાં ગુલાબના છોડ રોપતા હતા, જ્યાં તેઓ વેચવા માટે ફૂલો ઉગાડતા હતા. બસ માત્ર એક નાનકડી ભૂલ પૂરતી હતી - તેમના હાથમાંનો એક ઉખડી ગયેલો છોડ તેમની બહેને બરાબર પકડ્યો નહીં - અને દાંડી તેમના ચહેરા પર અથડાઈ અને કાંટાઓ તેમની આંખોમાં ભોંકાઈ ગયા.
છ શસ્ત્રક્રિયા બાદ તેમની ડાબી આંખમાં થોડી દ્રષ્ટિ આવી. તેમના પરિવારે તેમની ત્રણ સેન્ટ (0.03 એકર) જમીન વેચી દીધી અને પરિવાર દેવામાં ડૂબી ગયો. થોડા વખત પછી તેઓ મોટરસાઈકલ અકસ્માતનો ભોગ બન્યા ત્યારે તેમની સારી આંખમાં ઈજા થઈ. પછી મુતુરાજા માટે શાળા અને અભ્યાસ પડકારરરૂપ બન્યા - તેઓ કાળું પાટિયું કે તેના પરના સફેદ અક્ષરો બરોબર જોઈ શકતા ન હતા. પરંતુ કોઈક રીતે તેમના શિક્ષકોની મદદથી તેઓ 10 મા ધોરણ સુધીનો અભ્યાસ પૂરો કરી શક્યા.
2013 માં જાન્યુઆરીના એ દિવસે જ્યારે ઘરની સામેની શેરીમાં લોખંડના સળિયા સાથે મુતુરાજાનું માથું અથડાયું ત્યારે તેમની દુનિયા સંપૂર્ણપણે અંધકારમય બની ગઈ હતી. તેઓ ચિત્રાને મળ્યા એ પછી જ તેમના જીવનમાં પ્રકાશ - અને પ્રેમ - પાછા ફર્યા.