તેઓ ભારતની આઝાદી માટે લડ્યાં હતાં અને આજે આઝાદીના ૭૦થી વધારે વર્ષો પછી પણ તેમની લડત ચાલુ છે - આ વખતે દેશના ખેડૂતો અને ખેત મજૂરોના ન્યાય માટે.
અત્યારે ૯૧ વર્ષના હૌસાબાઈ પાટિલ ,૧૯૪૩માં અંગ્રેજોથી આઝાદી જાહેર કરનાર મહારાષ્ટ્રના સતારા વિસ્તારની પ્રતિ સરકાર (કામચલાઉ અંડરગ્રાઉન્ડ સરકાર) ની સશસ્ત્ર તૂફાન સેનાના સદસ્ય હતા. ૧૯૪૩ અને ૧૯૪૬ વચ્ચે તેઓ અંગ્રેજ ટ્રેનો, શાહી ખજાનાઓ, અને ટપાલ કાર્યાલયો પર હુમલો કરનારા ક્રાંતિકારીઓના સમૂહના સાથીદાર હતા.
તૂફાન સેનાના ‘ફિલ્ડ માર્શલ’ રામચંદ્ર શ્રીપતિ લાડ હતા, જેઓ કેપ્ટન ભાઉ (મરાઠીમાં ભાઉ એટલે મોટા ભાઈ) ના નામે પ્રખ્યાત છે. ૭ જૂન, ૧૯૪૩ના રોજ, લાડે બ્રિટિશ રાજના અધિકારીઓનો પગાર લઇ જતી પુણે-મિરાજ ટ્રેન પર યાદગાર હુમલાની આગેવાની કરી હતી.
સપ્ટેમ્બર, ૨૦૧૬માં જ્યારે અમે તેમને મળ્યા , ત્યારે લાડની ઉંમર ૯૪ વર્ષની હતી. તેઓ અમને જણાવવા માગતા હતા કે, “પૈસા કોઈ એક વ્યક્તિના ખિસ્સામાં નહીં, પરંતુ પ્રતિ સરકાર હસ્તક હતા. અમે તે પૈસા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને આપી દીધા હતા.”
૨૯-૩૦ નવેમ્બર, ૨૦૧૮ ના રોજ દિલ્હીમાં યોજાનાર કિસાન મુક્તિ માર્ચ અગાઉ કેપ્ટન ભાઉ અને હૌસાબાઈ પાટિલ કૃષિ સંકટ પર ચર્ચા કરવા માટે સંસદમાં ૨૧ દિવસનું સત્ર ચલાવવાની ખેડૂતો અને મજૂરોની માંગનું સમર્થન કરે છે.
આ વિડીઓમાં, કેપ્ટન ભાઉ આપણને યાદ અપાવે છે કે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે તે કેટલું શરમજનક છે, અને હૌસાબાઈ આગ્રહ રાખે છે કે સરકાર ખેડૂતોને તેમના પાક માટે સારા ભાવ આપે, જાગરૂક થાય અને ગરીબો માટે કામ કરે.
અનુવાદક: ફૈઝ મોહંમદ