“પશ્મિના શૉલને રેશમ જેવો દેખાવ અમે જ આપીએ છીએ.”
શ્રીનગરમાં અબ્દુલ મજીદ લુનનું ઘર દોરાની ગૂંચથી ભરેલું છે. તેઓ ભોંયતળિયે બેસીને હાથમાં વુચ (લોખંડનું એક ધારદાર ઓજાર) લઈને કુશળતાપૂર્વક છૂટાછવાયા દોરા ખેંચે છે અને તાજી વણેલી પશ્મિના શૉલમાંથી ગાંઠો દૂર કરે છે. તેઓ કહે છે, “અમે જે હસ્તકલા કરીએ છીએ તેના વિષે ખૂબ ઓછા લોકો જાણે છે.”
42 વર્ષીય આ કારીગર શ્રીનગર જિલ્લાના નવા કદલ વોર્ડમાં રહે છે. તેઓ ઊંચા મૂલ્યની પશ્મિના શૉલમાંથી વુચની મદદથી પોતાના હાથે પુર્ઝ (ગાંઠો અથવા દોરા) કાઢે છે. આ કામને પુર્ઝગરી કહેવાય છે, અને એકલા શ્રીનગરમાં જ 200થી વધુ કારીગરો આ કામ કરે છે. અબ્દુલ બે દાયકાથી પુર્ઝગર કારીગર છે, જેમને લગભગ આઠ કલાકના કામ માટે 200 રૂપિયા મળે છે.
પશ્મિના શૉલ વણેલી હોય, રંગેલી હોય, કે નકશીકામવાળી હોય, તે દરેકમાં પુર્ઝગરી હાથોથી જ કરવામાં આવે છે. તેનું કાપડ એટલું નાજુક હોય છે કે તેના પર ફક્ત કોઈ કારીગરની કુશળતા જ કામ લાગી શકે છે, મશીન નહીં.
પુર્ઝગરી માટે વુચ આવશ્યક છે. તેમની સામે લાકડાના લૂમ પર તાણપૂર્વક લંબાયેલી શૉલ તરફ ધ્યાનપૂર્વક જોતા અબ્દુલ કહે છે, “અમારી બધી કમાણી વુચ અને તેની ગુણવત્તા પર નિર્ભર છે. અમારા માટે વુચ વિના પશ્મિના શૉલને તૈયાર કરવી મુશ્કેલ છે.”














