લક્ષ્મીબાઈ કાળે દર વર્ષે તેમના પાકનો કેટલોક હિસ્સો ગુમાવી રહયા છે. તે અતિવૃષ્ટિ કે દુષ્કાળ કે નબળી કૃષિ તકનિકોને કારણે નથી. 60 વર્ષના લક્ષ્મીબાઈએ કહ્યું, "અમારા પાક બરબાદ થાય છે, કારણ કે પંચાયત અમારી જમીન પર પ્રાણીઓને ચરાવવા દે છે. અમને એટલું બધું નુકસાન થયું છે કે હવે તો કેટલું નુકસાન થયું છે તેની મને કોઈ ગણતરી ય રહી નથી."
લક્ષ્મીબાઈ અને તેમના પતિ વામન ત્રણ દાયકાથી જેના પર ખેતી કરી રહ્યા છે તે નાસિક જિલ્લાના મોહાડી ગામનો પાંચ એકરનો પ્લોટ ગૈરાનનો - સરકારના અધિકાર ક્ષેત્ર હેઠળની સાર્વજનિક જમીન જેનો ઉપયોગ ગોચર જમીન તરીકે થાય છે તેનો - ભાગ છે . તેઓ ત્યાં તુવેર, બાજરા, જુવાર અને ડાંગર ઉગાડે છે. તેમણે (લક્ષ્મીબાઈએ) કહ્યું, "પંચાયતના સભ્યો કહે છે કે જો અમે અમારી જમીન પર ગામલોકોને તેમના પશુઓ ચરાવવા નહીં દઈએ તો તેઓ અમારી સામે કેસ દાખલ કરશે."
લક્ષ્મીબાઈ અને ડિંડોરી તાલુકાના તેમના ગામના બીજા ખેડૂતો 1992 થી પોતાના જમીનના હક માટે સંઘર્ષ કરી રહ્યા છે. "આ જમીન ખેડનાર હું [કુટુંબની] ત્રીજી પેઢી છું, પણ તેમ છતાં હજી ય આ જમીન અમારા નામે નથી. 2002 માં અમે અમારા જમીનના હક માટે સત્યાગ્રહ અને જેલ ભરો આંદોલન કર્યું હતું." તેઓ યાદ કરે છે કે તે સમયે લગભગ 1500 ખેડૂતોએ, જેમાંની મોટાભાગની મહિલાઓ હતી, 17 દિવસ નાસિક સેન્ટ્રલ જેલમાં ગાળ્યા હતા.
મહારાષ્ટ્રમાં અન્ય પછાત વર્ગ તરીકે સૂચિબદ્ધ - લુહાર જ્ઞાતિના લક્ષ્મીબાઈને જમીન પોતાને નામે ન હોવાને કારણે પાકના નુકસાનને પહોંચી વળવા કોઈ મદદ મળી નથી. તેમણે જણાવ્યું, "જમીન અમારા નામે નથી એટલે અમને [પાક] લોન અથવા વીમો મળતા નથી." તેને બદલે તેઓ ખેત મજૂર તરીકે કામ કરીને નુકસાની ભરપાઈ કરે છે, ક્યારેક વધારે કમાણી કરવા તેઓ દિવસમાં આઠ-આઠ કલાકની બે પાળી કરે છે.
ભીલ આદિવાસી ખેડૂત અને વિધવા 55 વર્ષના વિજાબાઈ ગાંગુર્ડેની પણ આ જ હાલત છે. મોહડીમાંની પોતાની જમીનમાંથી થતી આવકને સહારે નભવું શક્ય નથી. વિજાબાઈએ કહ્યું, “મારી બે એકર જમીનમાં આઠ કલાક કામ કર્યા પછી હું પછી બીજા આઠ કલાક [કોઈ બીજાની જમીન પર] ખેતમજૂર તરીકે કામ કરું છું.” વહેલી સવારે 7 વાગ્યે શરૂ થતા તેમના દિવસો આ રીતે બે પાળીમાં વહેંચાય છે.
તેમણે ઉમેર્યું, "પરંતુ હું ક્યારેય શાહુકાર પાસેથી લોન લેતી નથી. શાહુકાર તેણે ધીરેલા દર 100 રુપિયા પર 10 રુપિયા (10 ટકાના દરે) વ્યાજ લે છે, જે મહિનાના અંત સુધીમાં ચૂકવવું પડે છે." લક્ષ્મીબાઈ પણ ખાનગી લેણદારોથી દસ ગાઉ દૂર જ રહે છે. તેમણે કહ્યું, "આસપાસના ગામોમાં શાહુકારોએ વિધવા મહિલાઓને ખૂબ હેરાન કરી છે."








