રાનોને પ્રસુતિની પીડા શરૂ થતાં જ ૨૩ વર્ષના રાનો સિંહ, તેમના પતિ અને તેમના સાસુ ટેકરી પરના તેમના નાનકડા ઘરમાંથી ઝડપથી બહાર નીકળ્યા. પરોઢનો સમય હતો, સવારના લગભગ ૫ વાગ્યાનો. તેમણે મુખ્ય રસ્તા સુધી પહોંચાડતો ૧.૫ કિલોમીટર લાંબો ચડતા ઢોળાવવાળો રસ્તો પાર કરવાનો હતો. ભાડે કરેલ વાહન તેમને તેમના ગામ સિવલીથી લગભગ ૧૨ કિલોમીટર દૂર રાનીખેતની ખાનગી દવાખાને લઇ જવા મુખ્ય રસ્તા પર તેમની વાટ જોઈ રહ્યું હતું.
તેમણે ડોળીની વ્યવસ્થા કરવાની કોશિશ કરી હતી. અહીંના ઠાકુર સમુદાયની સગર્ભા સ્ત્રીઓને ડોળી (પાલખી)માં બેસાડીને પહાડી રસ્તાઓ પરથી લઇ જવામાં આવે છે, ચાર માણસો ચાર ખૂણેથી ડોળી ઊંચકે છે. આ ડોળી ગર્ભવતી સ્ત્રીઓને એ (મુખ્ય) રસ્તા સુધી લઇ જાય છે જ્યાં તેમને દવાખાને લઇ જવા માટે વાહન તેમની વાટ જોતું હોય છે. પણ એ દિવસે સવારે એકે ડોળી ન મળી અને તેમણે પગપાળા ચાલવાનું શરૂ કર્યું.
રાનો ફક્ત અડધા રસ્તા સુધી જ પહોંચી શક્યા. તેઓ કહે છે, “અમે માંડ અડધું અંતર કાપ્યું હશે ને મને લાગ્યું કે મારાથી હવે [પીડાના લીધે] વધારે આગળ નહીં ચલાય. ચાલવાનું બંધ કરીને જેવી હું રસ્તા પર બેસી ગઈ કે તરત જ મારા પતિ સમજી ગયા અને નજીકના એક પરિવાર પાસે દોડી ગયા. એ પરિવાર અમારો જાણીતો હતો, કાકી ૧૦ મિનિટમાં જ પાણી અને એક ચાદર લઈને આવી ગયા. મેં મારા સાસુ અને કાકીની મદદથી ત્યાં જ બાળકને જન્મ આપ્યો.” (રાનોના પતિ ૩૪ વર્ષના છે અને તેઓ રેશનની દુકાનમાં મદદનીશ તરીકે કામ કરીને મહિને ૮૦૦૦ રૂપિયા કમાય છે, ત્રણ વડીલો અને એક બાળકવાળા આ પરિવારમાં આ એક માત્ર આવક છે; રાનો તેમના પતિનું નામ જણાવવા ઇચ્છતા નહોતા.)
તેઓ વૃક્ષોથી ઘેરાયેલા સાંકડા પહાડી રસ્તામાં પોતાના પહેલા બાળકને જન્મ આપવાનો પીડાદાયક અનુભવ યાદ કરતા કહે છે, “અમે મુખ્ય રસ્તા સુધી પહોંચવા ચાલતા હતા ત્યારે મારો દીકરો [જગત] આ જ જંગલમાં જન્મ્યો હતો. મેં આવી પ્રસૂતિ સ્વપ્નેય વિચારી નહોતી. એનો વિચાર કરતા આજે પણ મારા રૂંવાડા ઊભા થઇ જાય છે. પણ પાડ માનો ઈશ્વરનો કે મારું બાળક સહીસલામત હતું. સૌથી વધારે મહત્ત્વની વાત એ જ છે.”
ફેબ્રુઆરી ૨૦૨૦ની એ સવારે જ્યારે જગતનો જન્મ થયો તેનાપછી થોડી વારમાં જ રાનો ચાલતા ઘેર પાછા ફર્યા હતા, તેમના ૫૮ વર્ષના સાસુ પ્રતિમા સિંહ નવજાત બાળકને ઊંચકીને (ઘેર) લઈ આવ્યા હતા.










