“આ કાયદા હેઠળ અથવા એ હેઠળ બનાવવામાં આવેલા કોઈપણ નિયમ અથવા હુકમ અનુસાર સારા હેતુથી કરેલ અથવા કરવા ધારેલ કોઈ પણ કામ માટે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર, અથવા કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારના કોઈપણ અધિકારી અથવા અન્ય કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ કોઈ દાવો, મુકદ્દમો અથવા અન્ય કાનૂની કાર્યવાહી કરી શકાશે નહિ.
કૃષિ ઉત્પાદ વેપાર અને વાણિજ્ય (પ્રસાર અને સરળતા) અધિનિયમ, 2020 ની (એપીએમસી તરીકે જાણીતી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને ખતમ કરવાના હેતુસર પ્રસ્તાવિત કરાયેલ) કલમ 13 માં આપનું સ્વાગત છે.
અને તમે કહો છો કે નવા કાયદાઓ માત્ર ખેડુતો વિશે જ છે, ખરું? અલબત્ત, એવા અન્ય કાયદાઓ પણ છે જે પોતાની કાયદાકીય ફરજો નિભાવતા સરકારી કર્મચારીઓને કાર્યવાહીથી સુરક્ષિત રાખે છે. પરંતુ આ કાયદાએ તો હદ કરી છે. ‘સારા હેતુથી’ કંઈ પણ કરવા સંબંધે તે બધાને આપેલ પ્રતિરક્ષા કંઈક વધારે પડતી જ નથી? તેમણે ‘સારા હેતુથી’ કરેલા ગુના માટે તેમની વિરુદ્ધ અદાલતમાં કાર્યવાહી કરી શકાશે નહિ એટલું જ નહિ - પણ હજી સુધી કર્યા નથી પણ ભવિષ્યમાં કરવાના છે તેવા ગુનાઓ (અલબત્ત 'સારા હેતુથી' જ તો) માટે પણ કાયદાકીય કાર્યવાહી સામે તેઓ સુરક્ષિત છે.
જો કદાચ તમે આ મુદ્દો ચૂકી ગયા હો તો ધ્યાન રહે - તમારે માટે અદાલતોમાં કોઈ કાનૂની ઉપાય ઉપલબ્ધ નથી - કલમ 15 જણાવે છે:
"કોઈ પણ દીવાની અદાલતને, આ કાયદા દ્વારા અથવા તે હેઠળ અથવા તે હેઠળ પછીથી બનાવેલા નિયમો દ્વારા અધિકૃત કોઈ પણ અધિકારી દ્વારા જેની નોંધ લેવાઈ શકે છે અને જેનો નિકાલ થઈ શકે તેના સંદર્ભેની કોઈપણ બાબતે કોઈ દાવા અથવા કાર્યવાહી અંગે વિચારણા કરવાનો અધિકાર રહેશે નહિ."
તો કાયદાકીય રીતે પડકારી ન શકાય તેવી ‘સારા હેતુથી’ કામ કરનાર 'કોઈ અન્ય વ્યક્તિ' છે કોણ? સંકેત: વિરોધ કરી રહેલા ખેડુતો સતત જેમના નામ લઈ રહયા છે તે કોર્પોરેટ જાયન્ટ્સના નામ સાંભળવાનો પ્રયાસ કરો. આ વ્યાપારની સરળતા માટે છે - ખૂબ, ખૂબ મોટા વ્યાપારની.
"દાવો, મુકદ્દમો અથવા અન્ય કાનૂની કાર્યવાહી કરી શકાશે નહિ …." અને માત્ર ખેડૂતો જ દાવો નહિ કરી શકે એમ નહિ, બીજું કોઈ પણ નહિ કરી શકે. આ જાહેર હિતની અરજી પર પણ લાગુ પડે છે. નફાના હેતુ વિના કામ કરતા જૂથો, અથવા ખેડૂત સંગઠનો, અથવા કોઈ પણ નાગરિક (સારા કે ખરાબ હેતુથી) દરમિયાનગીરી કરી શકશે નહીં.
1975-77 ની કટોકટી (જ્યારે આપણા તમામ મૂળભૂત અધિકાર છીનવાઈ ગયા હતા) ને બાદ કરતા કોઈ પણ કાયદામાં નાગરિકોનો કાનૂની ઉપાયનો અધિકાર આટલો વ્યાપકપણે છીનવાયો ન હતો.
આની અસર દરેક ભારતીય નાગરિકને થઈ રહી છે. સરળ શબ્દોમાં કહીએ તો, આ કાયદાઓની કાનૂની પરિભાષા (નીચલા દરજ્જાના) વહીવટી અધિકારીને ન્યાયતંત્રમાં - વાસ્તવમાં ન્યાયાધીશ, જ્યુરી અને જલ્લાદમાં - પરિવર્તિત કરશે. આ જોગવાઈઓ ખેડૂતો અને ખેડૂતોને જેમની સાથે વહેવાર કરવાનો રહેશે એ વિશાળ કોર્પોરેશનો વચ્ચે વર્ચસ્વના પહેલેથી જ ખૂબ અન્યાયી અસંતુલનને વધારે છે.
આ જોગવાઈઓ અંગે ચિંતિત દિલ્હીની બાર કાઉન્સિલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં પૂછે છે: "દીવાની પરિણામો આવી શકે તેવા કોઈ પણ દાવાનો નિર્ણય કરવાનું કામ વહીવટી સત્તાધિકારીઓ દ્વારા નિયંત્રિત અને સંચાલિત વહીવટી કચેરીઓ સાથે જોડાયેલ તંત્રને શી રીતે સોંપી શકાય?"
(આ વહીવટી અધિકારીઓ એટલે સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ્સ અને વધારાના જિલ્લા મેજિસ્ટ્રેટ્સ - બધા તેમની સ્વતંત્રતા માટે કેટલા જાણીતા છે અને સારા હેતુઓ અને સારા ઉદ્દેશ્યોથી કેટલા ભારોભાર ભરેલા છે તે દરેક ભારતીય સારી પેઠે જાણે છે). વહીવટી અધિકારીને ન્યાયિક સત્તાનું સ્થાનાંતરણ એ દિલ્હી બાર કાઉન્સિલના મતે "ખતરનાક અને મૂર્ખામીભરેલી" છે. અને કાનૂની વ્યવસાય પર તેની અસરની નોંધ લેતા કહે છે: "તે ખાસ કરીને જિલ્લા અદાલતોને નોંધપાત્ર નુકસાન પહોંચાડશે અને વકીલોને નેસ્તનાબૂદ કરી દેશે."
છતાં તમે હજી પણ કહો છો કે આ કાયદાઓ ફક્ત ખેડૂતો માટે જ છે?
વહીવટી અધિકારીને ન્યાયિક સત્તાના આવા વધુ સ્થાનાંતરણ કરાર વિશેના કાયદા - ખેડુતો (સશક્તિકરણ અને સંરક્ષણ) ભાવ બાંયધરી અને કૃષિ સુવિધાઓ અધિનિયમ, 2020 - માં સમાવિષ્ટ છે.
કલમ 18, “સારા હેતુથી” વાળી દલીલને ફરીથી આગળ ધરે છે.
કલમ 19 માં જણાવાયું છે: “કોઈ પણ દીવાની અદાલતને, સબ-ડિવિઝનલ ઓથોરિટી અથવા એપેલેટ ઓથોરિટીને આ કાયદા દ્વારા અથવા તે હેઠળ જે કોઈ વિવાદ અંગે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે તેના સંદર્ભેની કોઈપણ બાબતે કોઈ દાવા અથવા કાર્યવાહી અંગે વિચારણા કરવાની સત્તા રહેશે નહિ અને આ કાયદા દ્વારા અથવા તે હેઠળ અથવા તે હેઠળ પછીથી બનાવેલા નિયમો દ્વારા આપવામાં આવેલ કોઈ પણ અધિકારનું પાલન કરતા લેવામાં આવેલા અથવા લેવામાં આવનાર કોઈ પણ પગલાં સંદર્ભે કોઈ પણ અદાલત અથવા અન્ય સત્તાધિકારી દ્વારા મનાઈહુકમ જારી કરી શકાશે નહિ.[આ મુદ્દા પર ખાસ ભાર મૂકાયો છે/ આ ભારપૂર્વક કહેવાયું છે] "
અને ભારતીય બંધારણની કલમ 19 ? એ તો વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્ણ સંમેલનની સ્વતંત્રતા, મુક્તપણે ફરવાની સ્વતંત્રતા, સંગઠનો અથવા સંઘોની રચના કરવાના અધિકાર વિષે છે.
આ કૃષિ કાયદાની કલમ 19 નો સાર ભારતના બંધારણની કલમ 32 ની જોગવાઇઓનું પણ ઉલ્લંઘન કરે છે, જે બંધારણીય ઉપાય (કાનૂની કાર્યવાહી) ના અધિકારની બાંયધરી આપે છે. કલમ 32 ને બંધારણની મૂળભૂત રચનાનો ભાગ માનવામાં આવે છે.
‘મુખ્ય પ્રવાહ’ ગણાતા પ્રસાર માધ્યમો (હકીકતે એ પ્રસાર માધ્યમો જે દેશની 70 ટકા વસ્તી સંબંધિત સામગ્રીને આવરી લેતા નથી તેમને માટે વપરાતો એક વિચિત્ર શબ્દ) ભારતીય લોકશાહી ઉપર નવા કૃષિ કાયદાની આ અસરોથી અજાણ હોય એ અશક્ય છે. પરંતુ લોક હિત અથવા લોકશાહીના મૂલ્યોને બદલે નફો રળવાનો પ્રયત્ન જ આ પ્રસાર માધ્યમોનું ચાલાક બળ છે.
સામેલ હિતોના (બહુવચન) સંઘર્ષ વિશે કોઈ પણ ભ્રમણાઓ હોય તો કાઢી નાખો. આ પ્રસાર માધ્યમો પણ કોર્પોરેશનો છે. સૌથી મોટા ભારતીય નિગમના સર્વેસર્વા દેશના સૌથી ધનિક અને સૌથી મોટા પ્રસાર માધ્યમ સમૂહની માલિકી પણ ધરાવે છે. ‘અંબાણી’ એ નામોમાંનું એક છે જે દિલ્હીના દરવાજા પર ઉપસ્થિત ખેડૂતોએ તેમના સૂત્રોચ્ચારમાં ઉચ્ચાર્યા છે. બીજે ક્યાંક, નાના સ્તરે પણ, આપણે લાંબા સમયથી ફોર્થ એસ્ટેટ (પ્રેસ) અને રીઅલ એસ્ટેટ (સ્થાવર મિલકત) વચ્ચેનો તફાવત પારખી શક્યા નથી. ‘મુખ્ય પ્રવાહ’ માધ્યમો તેમની એ દુનિયામાં એવા તો ખૂંપેલા છે કે (ખેડુતોની તો વાત જ જવા દો) સામાન્ય નાગરિકોના હિતોને પણ કોર્પોરેશનોના હિતોથી ઉપર મૂકી શકતા નથી.
તેમના અખબારોમાં અને ચેનલો પર, રાજકીય અહેવાલોમાં - ફક્ત પંજાબના શ્રીમંત ખેડુતો, ખાલિસ્તાનીઓ, દંભીઓ, કોંગ્રેસી કાવતરાખોરો વગેરે - ના (કેટલાક અદભૂત - અને સામાન્ય - અપવાદો સાથે), ખેડૂતોને એકધારી રીતે લગાતાર દુષ્ટ અને ભયજનક ચીતરવામાં આવ્યા છે.
જો કે, મોટા માધ્યમોના તંત્રીલેખો એક અલગ અભિગમ લે છે. મગરના આંસુ સારવાનો. ખરું પૂછો તો, સરકારે આ પરિસ્થિતિને વધુ સારી રીતે નિયંત્રિત કરવી જોઈતી હતી. હકીકતમાં આ એવા મુઠ્ઠીભર અણઘડ લોકો છે જે કંઈ જોઈ શકતા નથી, પરંતુ તેમને સરકારના અર્થશાસ્ત્રીઓ અને વડા પ્રધાનની અસાધારણ પ્રતિભાથી વાકેફ કરવા જોઈએ - જેમણે માત્ર ખેડૂતો માટે જ નહિ પણ વિશાળ અર્થવ્યવસ્થા માટે પણ મહત્ત્વપૂર્ણ છે એવા આવા સારા અને કાળજી રાખનારા કાયદા બનાવ્યા છે. આટલું કહ્યા પછી, તેઓ ભારપૂર્વક કહે છે: આ કાયદા મહત્ત્વપૂર્ણ અને આવશ્યક છે અને તેનો અમલ થવો જોઈએ.
ઈન્ડિયન એક્સપ્રેસના એક તંત્રીલેખ પ્રમાણે "આ સમગ્ર ઘટનામાં દોષ સુધારાઓનો નથી [એ ભારપૂર્વક કહેવાયું છે] પરંતુ કૃષિ કાયદાઓ જે રીતે પસાર કરાયા તે રીતનો અને સરકારની માહિતી આપવાની નીતિ, અથવા તેના અભાવનો છે." એક્સપ્રેસને એ પણ ચિંતા છે કે જો પરિસ્થતિને યોગ્ય રીતે નિયંત્રિત કરવામાં નહીં આવે તો "ત્રણ કૃષિ કાયદાઓ જેવા" જ "ભારતીય કૃષિની સાચી ક્ષમતાનો લાભ મેળવવા માટે જરૂરી સુધારાઓ" અમલી બનાવવાની અન્ય ઉમદા યોજનાઓને નુકસાન થશે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના તંત્રીલેખ પ્રમાણે, તમામ સરકારો સામેનું પ્રાથમિક કાર્ય "ખેડૂતોમાં પ્રવર્તતી ગેરસમજ - નજીકના ભવિષ્યમાં એમએસપી ખતમ થઈ જશે - ને દૂર કરવાની છે ..." આખરે કેન્દ્રનું સુધારણા પેકેજ કૃષિ વેપારમાં ખાનગી ભાગીદારીમાં સુધારો લાવવાનો એક સંનિષ્ઠ પ્રયાસ છે. કૃષિ આવક બમણી કરવાની આશાઓ આ નવીન સુધારણાઓની સફળતા પર નિર્ભર છે… "અને આના જેવા સુધારા "ભારતના ખાદ્ય બજારની નુકસાનકારક વિકૃતિઓને પણ સુધારશે."હિન્દુસ્તાન ટાઈમ્સના એક તંત્રીલેખ પ્રમાણે, "આ પગલા [નવા કાયદા] આગળ વધારવા તાર્કિક કારણો છે." અને "ખેડૂતોએ સમજવું જ પડશે કે કાયદાની વાસ્તવિકતા બદલાશે નહીં." જે ખેડૂતો વિશે એ માને છે કે તેઓ "આત્યંતિક-ઓળખના મુદ્દાઓ સાથે રમી રહ્યા છે" અને ઉગ્રવાદી વિચારસરણી અને પગલાની હિમાયત કરે છે તે જ ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ દાખવવાની જરૂરિયાત વિશેના અવાજો પણ એ કરે છે.
સરકારને કદાચ એ પ્રશ્નો મૂંઝવે છે કે ખેડૂતો જાણ્યે-અજાણ્યે કાવતરાખોરોના કયા જૂથનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને કોના ઇશારે કાર્યવાહી કરી રહ્યા છે. તંત્રીલેખ લખનારાને ખૂબ સ્પષ્ટ ખ્યાલ છે કે તેઓ કોનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેઓ પોતે જે થાળીમાં ખાય છે તે જ થાળીમાં છેદ કરવા માંગતા નથી.
ઉદારવાદી અને પ્રમાણમાં ઓછામાં ઓછી પૂર્વગ્રહયુક્ત/પક્ષપાતી ટેલિવિઝન ચેનલો પર પણ, જે પ્રશ્નોની ચર્ચા થાય છે તે હંમેશાં સ્થાપિત માળખાની અંદર હોય છે, અને ચર્ચાઓ તેમના જૂથના નિષ્ણાતો અને વિચારકોથી આગળ વધતી નથી.
કેટલાક પ્રશ્નો ક્યારેય ગંભીરતાથી લેવામાં આવ્યા નથી. અત્યારે જ કેમ? અને આવી જ ઉતાવળમાં પસાર કરાયેલા મજૂર કાયદાઓનું શું? વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગત ચૂંટણીઓ જંગી બહુમતીથી જીતી લીધી છે. ઓછામાં ઓછા આગામી 2-3 વર્ષ સુધી તેમની પાસે આ બહુમતી હશે. ભારતીય જનતા પાર્ટીની સરકારને એવું શા માટે લાગ્યું કે કોવિડ -19 ની મહામારી તેની પરાકાષ્ઠા એ હોય ત્યારે આ કાયદાઓ પસાર કરાવવા માટે સારો સમય હતો? - જ્યારે મહામારી દરમિયાન હકીકતમાં બીજી હજારો બાબતો પર તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર હતી?
ગણતરી એ હતી કે આ એ સમય હતો જ્યારે કોવિડ -19ને કારણે ગભરાયેલા, મહામારીને કારણે અસહાય બનેલા, ખેડૂતો અને કામદારો સંગઠિત થઈને કોઈ અર્થપૂર્ણ પદ્ધતિથી વિરોધ કરી શકશે નહીં. ટૂંકમાં, આ માત્ર સારો સમય જ નહોતો, આ તો સારામાં સારો - શ્રેષ્ઠ સમય હતો. આમાં તેમને ચઢાવ્યા તેમના નિષ્ણાતોએ, જેમાંના કેટલાકને આ પરિસ્થિતિમાં હતાશા, સંકટ અને મૂંઝવણનો ફાયદો ઉઠાવી, આમૂલ સુધારા કરવાની, "1991 ના પુનરાવર્તન" માટેની તક દેખાઈ .અને અગ્રણી તંત્રીઓએ, જેમણે સરકારને વિનંતી કરી કે "આટલા સારા સંકટને બરબાદ ન કરો." અને નીતિ આયોગના વડાએ, જેમણે ભારત "વધારે પડતું જ લોકતાંત્રિક" હોવાને કારણે પોતે નારાજ હોવાનું જણાવ્યું.
અને આ કાયદાઓ ગેરબંધારણીય હોવાના અત્યંત મહત્વના પ્રશ્ને અછડતા, ઉપરછલ્લા અને દંભી ઉલ્લેખોથી વધારે બીજું કંઈ જ નહીં. રાજ્યના અધિકારક્ષેત્ર હેઠળ આવતી બાબતો પર કાયદો ઘડવાનો કેન્દ્રને અધિકાર જ નથી ત્યારે કેન્દ્ર આવા વિષય પર કાયદાઓ ઘડે છે.આ મુદ્દાને હલ કરવા માટે સમિતિની રચના કરવાના સરકારના પ્રસ્તાવને ખેડુતોએ શા માટે તિરસ્કારથી નકારી કાઢ્યો એ અંગે તંત્રીલેખોમાં ખાસ ચર્ચા થઈ નથી. જો કોઈ એક સમિતિનો અહેવાલ હોય કે જે દેશનો દરેક ખેડૂત જાણતો હોય અને જેની ભલામણોના અમલીકરણની માંગ કરતો હોય તો તે છે ખેડૂતો અંગેનો રાષ્ટ્રીય આયોગનો અહેવાલ - જેને તેઓ 'સ્વામિનાથન અહેવાલ' કહે છે. કોંગ્રેસ 2004 થી અને બીજેપી 2014 થી આ અહેવાલનો અમલ કરવાનું વચન આપવા છતાં એને દફનાવવા માટે એકબીજા સાથે જાણે હોડમાં ઊતર્યા છે.
અને હા, નવેમ્બર 2018 માં 100000 થી વધુ ખેડૂતો દિલ્હીમાં સંસદ નજીક તે tઅહેવાલની મુખ્ય ભલામણોના અમલની માંગ સાથે એકઠા થયા હતા. તેઓએ ઋણ માફી, ન્યુનત્તમ ટેકાના ભાવની બાંયધરી, અને કૃષિ સંકટ પર ચર્ચા કરવા સંસદનું વિશેષ સત્ર બોલાવવા સહિતની અન્ય અનેક માંગણીઓ કરી હતી. ટૂંકમાં હાલ દિલ્હી દરબારને પડકાર આપતા ખેડુતો આ જ માંગણીઓ કરી રહ્યા છે. અને તેઓ ફક્ત પંજાબના જ નહીં, પણ 22 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોના હતા.
સરકાર પાસેથી ચાનો કપ સરખો ય સ્વીકારવાનો ઇનકાર કરનારા આ ખેડુતોએ આપણને બતાવી આપ્યું છે કે સરકારની એ ગણતરીઓ ખોટી હતી કે ડર અને હતાશાને કારણે તેઓ એક નહિ થઈ શકે. તેઓ તેમના (અને આપણા) અધિકારો નું રક્ષણ કરવા અને પોતાના જીવન જોખમે પણ આ કાયદાઓનો વિરોધ કરવા તૈયાર હતા અને છે.
તેમણે વારંવાર એક બીજી વાત પણ કહી છે, જેને 'મુખ્ય પ્રવાહ' ના પ્રસાર માધ્યમો દ્વારા અવગણવામાં આવી રહી છે. તેઓ આપણને ચેતવણી આપી રહ્યા છે કે ખાદ્ય પદાર્થ પર કોર્પોરેટ નિયંત્રણની દેશ પર કેવી અસર પડશે. તાજેતરમાં આના પર એક પણ તંત્રીલેખ તમારા વાંચવામાં આવ્યો છે ખરો?
તેમાંથી ઘણા જાણે છે કે તેઓ માત્ર આ ત્રણ કાયદા પાછા ખેંચવા માટેની જ નહિ પણ તે કરતાં ઘણી વ્યાપક લડત પોતાના માટે અથવા પંજાબ માટે લડી રહ્યા છે. તે કાયદાઓ પાછા ખેંચવાથી ઝાઝું કંઈ વળશે નહિ, આપણે ઠેરના ઠેર આવી રહીશું - પ્રવર્તમાન ભયંકર કૃષિ સંકટ તરફ - જે ક્યારેય સારી સ્થિતિ નહોતી. પરંતુ તે કૃષિ સંકટમાં આ નવા ઉમેરાઓને અટકાવશે અથવા તેમની ગતિ ધીમી કરશે. અને હા, ‘મુખ્ય પ્રવાહના માધ્યમો’થી વિપરીત, નાગરિકના કાયદાકીય ઉપાયના અધિકારને નાબૂદ કરવામાં અને આપણા અધિકારોને ખતમ કરવામાં આ કાયદાઓનું મહત્ત્વ ખેડૂતો સમજે છે. અને ભલે કદાચ તેઓ તેને તે રીતે જોઈ ન શકે અથવા વ્યક્ત ન કરી શકે - પણ તેમનો આ વિરોધ બંધારણના મૂળભૂત માળખા અને ખરું પૂછો તો લોકશાહીને બચાવવા માટે જ છે એ વાત નક્કી છે.
મુખપૃષ્ઠ રેખાંકન: પ્રિયંકા બોરાર નવોદિત મીડિયા કલાકાર છે. તેઓ અર્થ અને અભિવ્યક્તિનાં નવાં સ્વરૂપો શોધવા માટે ટેકનૉલોજિનો ઉપયોગ કરીને પ્રયોગાત્મક કામ કરી રહ્યાં છે. તેઓ શિક્ષણ અને રમત માટે અનુભવોનું ડિઝાઇનિંગ કરે છે, પારસ્પરિક અસર કરનારા અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરે છે અને પરંપરાગત કાગળ અને કલમ સાથે પણ એટલાં જ સ્વાભાવિક છે.
આ લેખનું અંગ્રેજી સંસ્કરણ પ્રથમ વખત ડિસેમ્બર 09, 2020 ના રોજ ધ વાયરમાં પ્રકાશિત થયું હતું.
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક