હેમંત કાવળે તેમના નામની આગળ વધુ એક વિશેષણ ઉમેરવાનો આગ્રહ રાખે છે.
30 વર્ષના આ યુવાન પોતાની અપરિણીત સ્થિતિનો ઉલ્લેખ કરતા કહે છે,"હું શિક્ષિત છું, બેરોજગાર છું અને...કુંવારો છું." આમ કહી તેઓ પોતાની અને પોતાના જેવા યુવા ખેડૂતોની મજાક ઉડાવે છે.
“સુ-શિક્ષિત. બેરોજગાર. અવિવાહિત.” તેઓ એકેએક શબ્દ ભારપૂર્વક બોલે છે, અને તેમના પાનના નાનાસરખા ગલ્લા પર તેમની આસપાસ ઊભેલા 34-35 વર્ષના તેમના મિત્રો પોતાને નાછૂટકે કુંવારા રહેવું પડ્યું છે એ અંગેના પોતાના ગુસ્સા અને અકળામણને ઢાંકતું એક શરમિંદગીભર્યુ હાસ્ય કરે છે, જાણે આ તેમની પણ મજાક ન હોય!
અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની પદવી ધરાવનાર કાવળે કહે છે, "આ અમારી મુખ્ય સમસ્યાછે."
અમે કપાસના કટોરા તરીકે જાણીતા વિદર્ભના યવતમાળ-દરવ્હા રોડ પર આવેલા એક ગામ શેલોડીમાં છીએ, ખેડૂતોની આત્મહત્યાની ઘટનાઓથી ઘેરાયેલો મહારાષ્ટ્રનો આ પૂર્વીય પ્રદેશ (વિદર્ભ) લાંબા સમયથી કૃષિ સંકટના અને સામુહિક સ્થળાંતરના ઓછાયામાં છે. ગામના મુખ્ય ચોકમાં કાવળેના ગલ્લાની છાયામાં યુવાનોનું આ જૂથ સમય પસાર કરી રહ્યું છે. તેઓ બધા સ્નાતક અથવા અનુસ્નાતક છે; તેમના બધાના નામે ખેતીની જમીન છે; તેઓ બધા બેરોજગાર છે. તેમાંથી એકેય પરિણીત નથી.
તેમાંથી મોટાભાગના યુવાનોએ પુણે, મુંબઈ, નાગપુર કે અમરાવતી જેવા દૂર-દૂરના શહેરોમાં નસીબ અજમાવી જોયું છે; થોડા સમય માટે સાવ નજીવા પગારે કામ કર્યું છે; સ્ટેટ અથવા યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (રાજ્ય અથવા કેન્દ્રીય લોક સેવા આયોગની) અથવા નોકરી મેળવવા માટેની બીજી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી છે, અને તેમાં નિષ્ફળ ગયા છે.
આ ભાગના અને કદાચ આખા દેશના મોટાભાગના યુવાનોની જેમ, કાવળે પણ એવું વિચારીને મોટા થયા હતા કે નોકરી મેળવવા માટે વધુ સારું શિક્ષણ જરૂરી છે.
હવે તેમને ખ્યાલ આવી રહ્યો છે કે છોકરી (કન્યા) મેળવવા માટે કાયમી સરકારી નોકરી જરૂરી છે.
નોકરીઓ ખૂબ ઓછી હોવાને કારણે કાવળેએ ગામમાં તેમના કુટુંબના ખેતરનો સહારો લીધો છે અને વધારાની આવક ઊભી કરવા, ખેતીના મુખ્ય વ્યવસાય ઉપરાંત ગામમાં એક ગલ્લો ઊભો કર્યો છે.
વિચક્ષણ બુદ્ધિવાળા કવળે કહે છે, "મેં પાનનો ગલ્લો શરુ કરવાનું નક્કી કર્યું, એક મિત્રને રસવંતી [શેરડીના રસનો સ્ટોલ] ચલાવવાનું કહ્યું, અને બીજા એક મિત્રને અહીં નાસ્તાનો સ્ટોલ ઊભો કરવાનું કહ્યું, જેથી અમે થોડો ધંધો કરી શકીએ." તેઓ કહે છે, "પુણેમાં એક આખી ચપાતી ખાવાને બદલે મારા ગામમાં અડધી ચપાતી ખાવી એ હંમેશ વધારે સારું છે."
વર્ષો સુધી આર્થિક તકલીફ અને સંકટમાં રહ્યા પછી ગ્રામીણ મહારાષ્ટ્રના યુવાનો દૂરગામી પરિણામો સાથેની નવી સામાજિક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે: તેમના લગ્નો મોડા થાય છે અથવા તેમણે નાછૂટકે કુંવારા રહેવું પડે છે અને કુંવારા રહેવું અનિવાર્ય બનતું જાય છે.
કાવળેના ખાસ મિત્ર 31 વર્ષના અંકુશ કાનકિરડ પાસે 2.5 એકર જમીન છે અને તેઓ કૃષિ વિષય સાથે બીએસસીની પદવી ધરાવે છે, તેઓ કહે છે, "મારી માતા સતત મારા લગ્નની ચિંતા કરતી રહે છે. તેને થાય છે કે મારી ઉંમર વધતી જાય છે અને હું હજી સુધી કુંવારો છું." અને તેઓ ઉમેરે છે કે લગ્ન કરવાની ઈચ્છા હશે તો પણ પોતાની નજીવી આવક જોતાં તેઓ લગ્ન નહીં કરે.
દરેક જણ પારીને અલગ અલગ રીતે કહે છે કે આ ભાગોમાં લગ્ન એ એક મહત્વપૂર્ણ સામાજિક ધોરણ છે. અને ગોંડિયાના આ આર્થિક રીતે પછાત પૂર્વ છેડેથી માંડીને પશ્ચિમ મહારાષ્ટ્રના પ્રમાણમાં સમૃદ્ધ એવા ખાંડના પટ્ટા સુધી તમને એવા યુવાનો - પુરુષો અને સ્ત્રીઓ - મળશે, જેઓ અહીં લગ્નની સામાન્ય ઉંમર વટાવી ચૂક્યા છે.
મહાનગરોમાં અથવા ઔદ્યોગિક કેન્દ્રોમાં સ્થિત તેમના વધુ સારી રીતે શિક્ષિત સાથીઓ જેવા સામાજિક અને ભાષાકીય કૌશલ્યના અભાવને કારણે આ ગ્રામીણ યુવકો આગળ વધી શકતા નથી.
એપ્રિલ 2024 ની શરૂઆતથી લઈને એક મહિનાના ગાળામાં પારીએ સમગ્ર ગ્રામીણ મહારાષ્ટ્રમાં પોતાને માટે યોગ્ય જીવનસાથી શોધી ન શકનાર, હતાશ, ચિંતિત અને પોતાના ભવિષ્ય વિશે અનિશ્ચિતતાથી ઘેરાયેલા શિક્ષિત અને મહત્વાકાંક્ષી યુવક-યુવતીઓને મળીને તેમના ઇન્ટરવ્યુ લીધા.
ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (આઈએલઓ) અને ઈન્સ્ટિટ્યૂટ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ (આઈએચડી) દ્વારા સંયુક્ત રીતે પ્રકાશિત ઈન્ડિયા એમ્પ્લોયમેન્ટ રિપોર્ટ 2024 મુજબ ભારતમાં લગભગ 83 ટકા બેરોજગાર વસ્તી શિક્ષિત યુવાનોની છે. આ અહેવાલ આગળ જણાવે છે કે કુલ બેરોજગાર યુવાનોમાં ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ ધરાવતા શિક્ષિત યુવાનોનું પ્રમાણ 2000 માં 35.2 ટકાથી વધીને લગભગ બમણું થઈને 2022 માં 65.7 ટકા થઈ ગયું છે.
342-પાનાનો આ અહેવાલ નોંધે છે કે "2019 પછી, (કોવિડ-19) મહામારીને કારણે, કૃષિથી દૂર અને બિન-કૃષિ ક્ષેત્રો તરફ કાર્યબળના ધીમા સંક્રમણનું વલણ પલટાયું છે, કૃષિક્ષેત્રમાં રોજગારના હિસ્સામાં વધારો થયો છે સાથે સાથે કૃષિક્ષેત્રને સ્વતંત્ર રીતે જોઈએ તો પણ કૃષિ સાથે સંકળાયેલા કાર્યબળમાં વધારો થયો છે."
આઈએલઓ રિપોર્ટ ઉમેરે છે કે ભારતમાં રોજગાર એ મુખ્યત્વે સ્વ-રોજગાર અને કરાર આધારિત/અસ્થાયી રોજગાર છે. અહેવાલ કહે છે, "લગભગ 82 ટકા કાર્યબળ અનૌપચારિક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે, અને લગભગ 90 ટકા અનૌપચારિક રીતે કાર્યરત છે." પાનનો ગલ્લો, રસવંતી અને ચા-નાસ્તાની દુકાન ચલાવતા શેલોડીના યુવાનોની જેમ.
"2019 થી જે પ્રકારે રોજગાર વૃદ્ધિ થઈ તેને કારણે અનૌપચારિક ક્ષેત્રમાં અને/અથવા અનૌપચારિક રોજગારમાં કુલ રોજગારનો હિસ્સો વધ્યો છે." 2012-22 દરમિયાન કરાર આધારિત શ્રમિકોના વેતનમાં સાધારણ વધારાનું વલણ જળવાઈ રહ્યું હતું, જ્યારે નિયમિત કામદારોનું વાસ્તવિક વેતન કાં તો સ્થિર રહ્યું હતું અથવા ઘટ્યું હતું. 2019 પછી સ્વ-રોજગારીની વાસ્તવિક કમાણી પણ ઘટી છે. એકંદરે, વેતન ઓછા રહ્યાં છે. કરાર આધારિત અકુશળ કૃષિ કામદારોમાંથી 62 ટકા શ્રમિકોને અને અખિલ ભારતીય સ્તરે બાંધકામ ક્ષેત્રમાં આવા 70 ટકા શ્રમિકોને 2022 માં નિર્ધારિત દૈનિક લઘુત્તમ વેતન પણ મળ્યું ન હતું.
*****
હકીકતમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે.
એક તરફ યુવાનો માટે કન્યા શોધવી એ એક પડકાર છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારની યુવાન શિક્ષિત મહિલાઓને સ્થિર નોકરી ધરાવતા યોગ્ય મુરતિયા શોધવાનું પણ એટલું જ પડકારજનક લાગે છે.
શેલોડીમાં બી.એ. ની પદવી ધરાવતી એક યુવતી (જે પોતાનું નામ જણાવવા માગતી નહોતી અને યોગ્ય જીવનસાથી માટે પોતાની પસંદગી સમજાવતા શરમાતી હતી તે) કહે છે: “હું શહેરમાં રહેવાનું પસંદ કરીશ અને ખેતીના ચક્કરમાં અટવાઈ રહેવા કરતા જેની પાસે સ્થિર નોકરી હોય એવા માણસ સાથે લગ્ન કરવાનું પસંદ કરીશ.”
તેઓ કહે છે કે તેમના ગામની બીજી છોકરીઓના અનુભવ જોતાં શહેરોમાં સ્થિર સરકારી નોકરીઓ ધરાવતા તેમના સમુદાયના મુરતિયા શોધવાનું સરળ નથી.
આ વાત બધા જ પ્રદેશોમાં તમામ જાતિઓ અને વર્ગો માટે, ખાસ કરીને પુષ્કળ જમીન ધરાવતા ઉચ્ચ જાતિના ઓબીસી અથવા મરાઠા જેવા વર્ચસ્વ ધરાવતા સમુદાયો માટે, સાચી લાગે છે.
પીઢ ખેડૂતો કહે છે કે બેરોજગારીએ કોઈ નવી વાત નથી, રોજગારી મેળવવા જરૂરી કૌશલ્ય કે ક્ષમતાનો અભાવ હોવો એ પણ કોઈ નવી વાત નથી, લગ્ન થવામાં મોડું થવું એ પણ કોઈ નવી વાત નથી, પરંતુ આજે આ સામાજિક સમસ્યાનું પ્રમાણ જે હદે વધ્યું છે એ ખૂબ જ ચિંતાજનક છે.
શેલોડીના પીઢ ખેડૂત ભગવંતા કાનકિરડ કહે છે, "જેઓ મેચ-મેકરની (લગ્ન નક્કી કરવામાં મધ્યસ્થીની) ભૂમિકા ભજવતા હતા તેઓ પણ હવે એ ભૂમિકા ભજવતા અચકાય છે." યોગ્ય જીવનસાથી ન શોધી શકવાને કારણે ભગવંતાના બે ભત્રીજાઓ અને એક ભત્રીજી અપરિણીત છે . ભગવંતાએ વર્ષોથી પોતાના સમુદાયમાં મેચમેકરની ભૂમિકા ભજવી છે, પરણવા લાયક યુવાઓ માટે કન્યાઓ અને મુરતિયા શોધ્યા છે. તેઓ કહે છે કે આજે તેઓ આ કામ કરતા ખમચાય છે.
યોગેશ રાઉત, જેઓ 10 એકરની પિયત ખેતીની જમીન ધરાવે છે અને અનુસ્નાતક છે તેઓ કહે છે, “મેં પારિવારિક લગ્નોમાં જવાનું બંધ કરી દીધું છે. કારણ કે જ્યારે પણ હું લગ્નોમાં જાઉં છું ત્યારે લોકો મને પૂછે છે કે હું ક્યારે લગ્ન કરું છું. એ ખૂબ શરમજનક અને નિરાશાજનક છે."
વતનમાં તેમના માતાપિતા ચિંતિત છે. પરંતુ રાઉત કહે છે કે, જો તેમને કન્યા મળી જશે તો પણ તેઓ લગ્ન નહીં કરે કારણ કે આવી સાવ ઓછી આવકમાં બાળકોને ઉછેરવાનું મુશ્કેલ છે.
તેઓ કહે છે, "ખેતની આવક પર કોઈ રીતે નભી શકાય એમ નથી." આ જ કારણસર આ ગામના મોટાભાગના પરિવારો તેમની છોકરીઓ, માત્ર ખેતીની આવક પર આધાર રાખતા અથવા ગામડાઓમાં રહેતા છોકરાઓ સાથે લગ્ન કરે એવું ઈચ્છતા નથી. સ્થિર સરકારી નોકરીઓવાળા, અથવા ખાનગી રોજગારવાળા અથવા શહેરોમાં સ્વ-રોજગાર ધરાવતા પુરુષોને લગ્નની બાબતે પ્રાધાન્ય અપાય છે.
સમસ્યા એ છે કે સ્થિર નોકરીઓ ખૂબ ઓછી છે અને એ શોધવાનું ખરેખર મુશ્કેલ છે.
પારીને ઘણી મુલાકાતોમાં જાણવા મળ્યું કે લાંબા સમયથી પાણીની સમસ્યાથી પીડિત પ્રદેશ મરાઠવાડામાં અછતગ્રસ્ત વિસ્તારોના પુરુષોએ કાં તો કન્યા શોધવાનું છોડી દીધું છે અથવા તો જો તેઓ લગ્ન કરવા માંગતા હોય તો નોકરી અથવા પાણી અથવા બંને મળી શકે એવા શહેરોમાં સ્થળાંતરિત થઈ ગયા છે.
સ્થિર આવક મેળવવી મુશ્કેલ છે, અને ઉનાળા જેવી ખેતી સિવાયની મોસમમાં કામ લાગે એવી કોઈ સારી તકો નથી.
ગામમાં 10 એકરની વરસાદ આધારિત ખેતીની જમીન ધરાવતા કાવળે કહે છે, "ઉનાળામાં ખેતરમાં કોઈ કામ હોતું નથી." જો કે, તેમના કેટલાક મિત્રો કૂવા અથવા બોરવેલની મદદથી પોતાના ખેતરમાં ભીંડા જેવા મોસમી શાકભાજીનું વાવેતર કરે છે. પરંતુ એ ખાસ લાભકારી નથી.
અકળાયેલા અજિત ગાવંડે કહે છે, “હું રાત્રે 2 વાગ્યાથી ઊઠી ગયો છું; વહેલી સવારે મારા ખેતરમાંથી ભીંડા ચૂંટીને 150 રૂપિયામાં 20 કિલોગ્રામની ક્રેટ વેચવા માટે દરવ્હા ગયો." તેઓ આઠ એકરના ખેતરના માલિક છે, આર્ટ્સમાં સ્નાતક છે અને અપરિણીત છે. તેઓ કહે છે, "ચૂંટવાના 200 રુપિયા થાય, એટલે આજે મેં મજૂરીની જેટલી ચૂકવણી કરી એટલી કમાણી પણ કરી નથી."
તેવામાં ખેતરમાં પ્રાણીઓના હુમલા થાય તો એ વળી એક અલગ સમસ્યા. ગાવંડે કહે છે કે, શેલોડીમાં વાંદરાઓનું જોખમ છે, કારણ કે ખેતરો અને ઝાડીવાળા જંગલો વચ્ચે કોઈ આશ્રય નથી, જ્યાં જંગલી પ્રાણીઓને પાણી કે ખોરાક મળી રહે. "એક દિવસ તેઓ મારા ખેતર પર હુમલો કરશે, બીજે દિવસે કોઈ બીજાના ખેતર પર, શું કરીએ?"
વર્ચસ્વ ધરાવતી તિરળે-કુણબી જાતિ (એક ઓબીસી) સાથે સંકળાયેલ કવળેએ દરવ્હાની કોલેજમાં અભ્યાસ કર્યો હતો, નોકરીની શોધમાં પુણે ગયા હતા, 8000 રુપિયાના માસિક પગારે ખાનગી કંપનીમાં કામ કર્યું હતું પરંતુ એટલા પૈસા પૂરતા ન હોવાથી ઘેર પાછા ફર્યા હતા. ત્યારપછી તેણે વધારાના કૌશલ્ય તરીકે પશુચિકિત્સા સંબંધી સેવાઓમાં પ્રમાણપત્ર મેળવ્યું. તેનાથી તેમને કોઈ ફાયદો થયો નહીં. એ પછી, તેણે ટેકનિકલ કૌશલ્ય તરીકે ફિટરમાં ડિપ્લોમા લીધો, પરંતુ કોઈ ફાયદો થયો નહીં.
વચ્ચે, તેમણે બેંકની નોકરીઓ, રેલ્વેની નોકરીઓ, પોલીસની નોકરીઓ, સરકારી કારકુની હોદ્દા... માટેની ઘણી પરીક્ષાઓ માટે તૈયારી કરીને એ પરીક્ષાઓ આપી.
છેવટે હતાશ થઈને તેમણે પરીક્ષાઓ આપવાનું છોડી દીધું. બીજા મિત્રો સંમતિસૂચક માથું હલાવે છે. તેમની વાર્તા પણ કંઈક આવી જ છે.
પશ્ચિમ વિદર્ભમાં યવતમાળ-વાશિમ મતવિસ્તારમાં 26 મી એપ્રિલે સામાન્ય ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન થવાના માંડ ત્રણ દિવસ પહેલા તેઓ ભારપૂર્વક કહે છે કે તેઓ બધા આ વખતે પરિવર્તન માટે મતદાન કરી રહ્યા છે. સ્પર્ધા શિવસેનાના બે જૂથો વચ્ચે છે - સેના-ઉદ્ધવ ઠાકરેએ સંજય દેશમુખને મેદાનમાં ઉતાર્યા છે; જ્યારે એકનાથ શિંદેની સેનાએ રાજશ્રી પાટીલને.
સેના-યુબીટી, કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધનમાં હોવાથી યુવાનો દેશમુખની તરફેણ કરી રહ્યા છે. વિદર્ભ એ પરંપરાગત રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે.
અંકુશ કાનકિરડ ઉશ્કેરાયેલા અવાજે વચ્ચે પડતા કહે છે, "થ્યે નુસ્તાચ બાતા મારતે, કા કેલા જી ત્યાને [એ ખાલી વાતો કરે છે, પણ તેણે કર્યું છે શું]?" તેઓ એક લાક્ષણિક વર્હાડી બોલીમાં બોલે છે જે આ પ્રદેશની ખાસ ઘેરી રમૂજને રજૂ કરે છે.
કોણ? અમે પૂછીએ છીએ. એ કોણ છે જે માત્ર વાતો જ કરે છે ને કશું કામ કરતા નથી?
એ પુરુષો ફરીથી હસે છે. કાવળે કહે છે, "તમે જાણો છો." અને પછી ચૂપ થઈ જાય છે.
તેમની તીક્ષ્ણ રમૂજ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિષે છે, જેમને માટે તેમને લાગ્યું છે કે તેમણે આપેલા વચનોમાંથી કોઈ જ વચન પૂરું કર્યું નથી. 2014 માં લોકસભા સામાન્ય ચૂંટણીઓ માટેના પ્રચાર દરમિયાન મોદીએ નજીકના દરવ્હા ગામમાં ચાય-પે-ચર્ચા યોજી હતી, જ્યાં તેમણે અનૌપચારિક રીતે ખેડૂતોને માટે દેવામુક્ત જીવનનું વચન આપ્યું હતું. તેમણે કપાસ અને સોયાબીનના ઊંચા ભાવ અપાવવાનું અને આ પ્રદેશમાં નાના ઉદ્યોગો સ્થાપવાનું પણ વચન આપ્યું હતું.
2014 અને 2019 માં આ માણસોએ ભાજપની તરફેણમાં જબરજસ્ત મતદાન કર્યું હતું, તેમને વિશ્વાસ હતો કે મોદી તેમના વચનો પૂરા કરશે. 2014 માં તેઓએ પરિવર્તન માટે મત આપ્યો, કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારને ઉખાડીને ફેંકી દીધી. હવે તેઓ સમજી ગયા છે કે મોદીના વચનો ફુગ્ગા જેવા હતા - જેમાંની હવા હવે નીકળી ગઈ છે.
તેમાંના મોટા ભાગના એ વખતે પહેલી વખતના મતદારો હતા. તેઓને આશા હતી કે તેઓને નોકરીઓ મળશે, અર્થતંત્ર સુધરશે, ખેતી નફાકારક બનશે. મોદી એટલા તાકાતવાન અને આત્મવિશ્વાસથી એટલા ભરપૂર લાગતા હતા કે આ પ્રદેશમાં પ્રભાવિત (ભાજપની) લહેરમાં વહી જઈને સંકટગ્રસ્ત ખેડૂતોએ નિર્ણાયક રીતે તેમની તરફેણમાં મતદાન કર્યું.
આજે દસ વર્ષ પછી કપાસ અને સોયાબીનના ભાવો સ્થિર છે. ઉત્પાદન ખર્ચ બમણો-ત્રણગણો થયો છે. મોંઘવારી ઘરેલુ બજેટ ખોરવી રહી છે. અને ક્યાંય પણ નોકરી કે કોઈ પ્રકારની તકના અભાવને કારણે યુવાનોમાં ચિંતા અને માનસિક તણાવ પેદા કરી રહ્યો છે.
આ બધા પરિબળો ભેગા મળીને તેમને પાછા ખેતીમાં ધકેલે છે જેમાંથી તેઓ બચવા માગે છે. તેમની પોતાની ચિંતાઓમાંથી જ ઉદ્ભવતા તીક્ષ્ણ વિનોદની જેમ શેલોડીના યુવાનો અને ખરેખર તો ગ્રામીણ મહારાષ્ટ્ર, આપણને નવું સૂત્ર આપે છે: "નોકરી નહીં, તર છોકરી નહીં [નોકરી નહીં તો કન્યા નહીં!]."
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક