સૈયદ ખુર્શીદે બજેટ પર બહુ ઓછું ધ્યાન આપ્યું. આ 72 વર્ષીય આ વ્યક્તિ કહે છે, “હું કોઈ પણ ન્યૂઝ ચેનલ જોતો જ નથી. તેમાં ખબર નથી કે કેટલું સાચું છે અને કેટલો દુષ્પ્રચાર.”
તેમણે વર્તમાન બજેટમાં કરવેરાના સ્લેબમાં થયેલા ફેરફારો વિશે સાંભળ્યું છે કારણ કે વાતવાતમાં કોઈએ તેનો ઉલ્લેખ કર્યો હતો. તેઓ હસતાં હસતાં કહે છે, “પણ હું મારા મોહલ્લામાં એવી એક પણ વ્યક્તિને નથી જાણતો કે જેને તેનાથી ફાયદો થશે. હમ અપના કમાતે હૈ ઔર ખાતે હૈ [અમે કામ કરીને બે ટંક જમી શકીએ તેટલી આજીવિકા મેળવીએ છીએ].”
સૈયદ 60 વર્ષથી વધુ સમયથી મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના ગંગાખેડ શહેરમાં દરજી છે. તેઓ માત્ર આઠ વર્ષના હતા ત્યારે તેમણે તેમના પિતા પાસેથી આ કળા શીખી હતી. જોકે, તેમનો વ્યવસાય પહેલાં જેટલો નફાકારક નથી. તેઓ સમજાવે છે, “યુવા પેઢીઓને તૈયાર કપડાં વધારે પસંદ છે.”




