બજેટ પરના મારા વારંવારના પ્રશ્નોના જવાબ આપવાનો ધરાર ઈન્કાર કરતા બાબાસાહેબ પવાર કહે છે, "આ બધું અમે જાણતા નથી."
તેમની પત્ની મંદા જાણવા માગે છે, "સરકારે ક્યારેય અમને પૂછ્યું છે ખરું કે અમારે શું જોઈએ છે? તે જાણ્યા વિના તેઓ અમારે માટે નિર્ણય લઈ કેવી રીતે શકે? અમારે તો મહિનાના ત્રીસેત્રીસ દિવસ કામ જોઈએ છે."
પુણે જિલ્લાના શિરુર તાલુકાના કુરુલી ગામની સીમમાં આવેલું તેમના એક રૂમના પતરાના ઘરમાં આજે સવારે રોજ કરતાં કંઈ વધારે ધાંધલ-ધમાલ છે. બાબાસાહેબ કહે છે, "અમે 2004 માં જાલનાથી અહીં સ્થળાંતર કર્યું હતું. અમારે અમારું પોતાનું કોઈ ગામ ક્યારેય હતું જ નહીં. અમારા લોકો હંમેશા ગામની બહાર રહેતા આવ્યા છે કારણ કે અમે સ્થળાંતર કરતા રહીએ છીએ."
તેમણે જે સ્પષ્ટ કર્યું નથી તે એ છે કે ભીલ પારધીઓ, જેમની પર બ્રિટિશ રાજ દ્વારા એક સમયે 'ગુનેગાર' જાતિ તરીકેનો છાપો ઠોકી બેસાડવામાં આવ્યો હતો, તેમને એ છાપામાંથી મુક્ત કરાયાના 70 વર્ષ પછી અને મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ થયા પછી પણ તેઓને સામાજિક કલંક અને વંચિતતાનો સામનો કરવો પડે છે. ઘણીવાર તેમની પર થતા અસહ્ય જુલમને કારણે તેઓને સ્થળાંતર કરવું પડે છે.
દેખીતી રીતે જ તેઓએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામનને તેમના બજેટ ભાષણમાં સ્થળાંતરના મુદ્દા પર બોલતા સાંભળ્યા નથી. જો તેઓએ સાંભળ્યા હોત તો પણ તેનાથી તેમના પર કોઈ અસર થઈ ન હોત. સીતારામને તેમના 2025-26 ના બજેટ ભાષણમાં જણાવ્યું હતું, "અમારું ધ્યેય ગ્રામીણ વિસ્તારોમાં (રોજગારીની) પૂરતી તકો ઊભી કરવાનું છે જેથી સ્થળાંતર માત્ર એક વિકલ્પ બને નહીં કે જરૂરિયાત."



