ખેતરમાં કામ કરતા ખેતમજૂરો હોય કે મીઠું પકવતા અગરિયાઓનું જૂથ, કે પછી થોડા ખાણિયાઓ, કે તેમની હોડી પર સવાર માછીમારો -- સૌ મજૂરીએ લાગ્યા હોય ત્યારે પણ એકાએક ગીત ગાવા લાગે એ કોઈ આશ્ચર્યજનક દૃશ્ય નથી. પરંપરાગત સંસ્કૃતિઓમાં, સખત શારીરિક શ્રમ અવારનવાર ચોક્કસ વ્યવસાયો અથવા શ્રમના સ્વરૂપો વિશેના ગીતો સાથે લઈને આવતો હોય છે. વ્યવસાયિક લોકગીતો દુનિયાની તમામ સંસ્કૃતિમાં અસ્તિત્વ ધરાવે છે.
170-મીટર લાંબો કચ્છના આખાતનો કિનારો, ખાડીઓ, નદીમુખો અને કાદવના સમથળ પ્રદેશો સાથે, સતત ભરતી ઓટવાળી એક વિશાળ ઇકોસિસ્ટમ ધરાવે છે જે ઘણા દરિયાઇ જીવો માટે સંવર્ધનનો પ્રદેશ છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વસતા ઘણાંખરાં લોકો માટે માછીમારી એ પરંપરાગત વ્યવસાય છે. અહીં પ્રસ્તુત ગીત માછીમારોના સમુદાયો દ્વારા ઝીલવામાં આવતા પડકારોની વાત કરે છે જેમની આજીવિકા દરિયાકાંઠાના વિકાસની પ્રવૃત્તિઓના મોજાથી દિવસે દિવસે ખલાસ થઇ રહી છે.
કચ્છમાં માછીમારોના સંઘો, શિક્ષણવિદો અને બીજાં ઘણાં લોકોએ આ કહેવાતા કાંઠાના વિકાસની પ્રવૃત્તિઓની પ્રતિકૂળ અસરો વિષે લખ્યું છે. તેઓએ મુન્દ્રા થર્મલ પ્લાન્ટ (TATA), અને મુન્દ્રા પાવર પ્રોજેક્ટ (અદાણી જૂથ) ને દરિયાઈ વિવિધતાના ઝડપી નાશ માટે જવાબદાર ઠેરવ્યા છે, જેની તાત્કાલિક અસરો આ વિસ્તારના માછીમારી સમુદાયો પર પણ જોવા મળે છે. અહીં પ્રસ્તુત એકદમ સરળ ભાષામાં ગવાયેલું ગીત માછીમારોના આ પડકારોનો સંકેત આપે છે.
આ કામ-ગીત મુન્દ્રા તાલુકાના જુમા વાઘેરે સુંદર રીતે રજૂ કર્યું છે, જેઓ પોતે પણ માછીમાર છે. તેઓ મુખ્ય ગાયક છે, એમના સાથીઓ ટેક - હો જમાલો (માછીમાર લોકોના સમૂહ માટે વપરાયેલો શબ્દ) ના નારા લગાવે છે. ગીતની મનમોહક ધૂન આપણને કચ્છના ઝડપથી બદલાતા, દૂરના કિનારા સુધી પહોંચાડે છે.



