પૂરને કારણે મોહેશ્વર સમુઆહને સૌથી પહેલી વખત સ્થળાંતર કરવું પડ્યું હતું એ તેમને બરોબર યાદ છે. તેઓ માત્ર પાંચ વર્ષના હતા. હાલ ઉંમરના સાઠના દાયકામાં પહોંચેલા સમુઆહ કહે છે, “પહેલાં પાણી અમારું એક ઘર તાણી ગયું. અમે અમારી બોટમાં બેસીને આશ્રય શોધવા ત્યાંથી ભાગી છૂટ્યા; અને ટાપુની સૌથી નજીકની જમીન પર સ્થાનાંતરિત થયા."
વારંવાર આવતા પૂર અને જમીનના ધોવાણને કારણે સમુઆહની જેમ, આસામના નદી-ટાપુ - માજુલીના 1.6 લાખ રહેવાસીઓના જીવનને અસર પહોંચી છે. ડિસ્ટ્રિક્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના આ અહેવાલમાં જણાવાયું છે કે આ ટાપુની જમીનનો વિસ્તાર, 1956 માં આશરે 1245 ચોરસ કિલોમીટરથી ઘટીને, 2017 માં 703 ચોરસ કિલોમીટર થઈ ગયો છે.
સમુઆહ કહે છે, "આ ખરેખર સાલમોરા નથી." અને ઉમેરે છે, "લગભગ 43 વર્ષ પહેલાં બ્રહ્મપુત્રા [નદી] ને કારણે સાલમોરા ધોવાઈ ગયું હતું." ત્યારબાદ બ્રહ્મપુત્રા અને તેની ઉપનદી સુબાનસિરી દ્વારા નવું સાલમોરા રચાયું હતું, સમુઆહ તેમની પત્ની, દીકરી અને તેમના દીકરાના પરિવાર સાથે છેલ્લા 10 વર્ષથી ત્યાં રહે છે.
સિમેન્ટ અને માટીથી બનેલું અર્ધ-કાયમી માળખું એ તેમનું નવું ઘર છે. ઘરની બહાર બાંધવામાં આવેલા શૌચાલયમાં ફક્ત સીડીની મદદથી જ જઈ શકાય છે. તેઓ કહે છે, "દર વર્ષે બ્રહ્મપુત્રાને કારણે અમારી જમીનનું ધોવાણ થાય છે."








