રાજેશ કહે છે, "એક નાનીઅમથી ભૂલ થાય તો સત્તૂરની જગ્યાએ કોયતા બની જાય!" રાજેશ ચાફેકર કસાઈની છરી અને દાતરડા વચ્ચેનો તફાવત બરોબર જાણતા જ હોય. રાજેશ એક નિષ્ણાત લોહાર (લુહાર) છે, અને મહારાષ્ટ્રના આક્ટણ ગામમાં આવેલી પોતાની વર્કશોપમાં અત્યાર સુધીમાં લોખંડના 10000 થી વધુ ઓજારો બનાવી ચૂક્યા છે.
52 વર્ષના રાજેશ આ કામ તેમના પિતા દત્તાત્રેય ચાફેકર પાસેથી શીખ્યા હતા, અને તેઓ પંચાલ લોહાર સમુદાયમાંથી આવે છે, તેમના ઘણા ગ્રાહકો મહારાષ્ટ્રના ખેડૂત સમુદાયમાંથી છે અને એ ગ્રાહકોને તેમના પર ખૂબ વિશ્વાસ છે, તેઓ હંમેશ તેમની પાસેથી જ ઓજારો ખરીદતા આવ્યા છે. ખેતીના અલગ-અલગ 25 થી વધુ પ્રકારના ઓજારો બનાવી જાણતા વસઈ તાલુકાના આ સાતમી પેઢીના લુહાર કહે છે, “લોકો કહેશે, ‘આક્ટણ સે હી હત્યાર લેકે આઓ’ [ઓજારો તો આક્ટણથી જ લઈ આવો]."
તાસણી માટેનો જથ્થાબંધ ઓર્ડર આપવા માટે, છેક નવી મુંબઈના ઉરણથી - આશરે 90 કિલોમીટર દૂરથી - ગ્રાહકો આવતા. તાસણી એ હોડી બનાવવા માટે જરૂરી ખૂબ મહત્ત્વનું સાધન હતું. તેઓ યાદ કરે છે, "ગિર્હાઈક [ગ્રાહકો] અમારે ઘેર ચાર દિવસ રોકાતા અને અમે ઓજાર શી રીતે તૈયાર કરીએ છીએ એની શરૂઆતથી માંડીને ઓજાર તૈયાર થાય ત્યાં સુધીની આખી પ્રક્રિયા જોતા."
આક્ટણ ગામની સાંકડી ગલીઓ પરંપરાગત રીતે જાતિ આધારિત વ્યવસાયો પરથી સીમાંકિત કરવામાં આવી છે: સોનાર (સોની), લોહાર (લુહાર), સુતાર (સુથાર), ચાંભાર (મોચી) અને કુંભાર. ગામલોકો કહે છે કે તેઓ હંમેશા કારીગરોના સમુદાયના લોકપ્રિય દેવતા વિશ્વકર્માના ઉપાસક રહ્યા છે. પાંચાલ લોહારો 2008 થી વિચરતી જાતિઓ હેઠળ સૂચિબદ્ધ છે, એ પહેલા તેઓને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ - અન્ય પછાત વર્ગો) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા.
રાજેશ કહે છે કે તેઓ 19 વર્ષના થયા ત્યાં સુધી પરિવારની લુહારીકામની પરંપરા ચાલુ રાખવાનો તેમનો કોઈ ઈરાદો નહોતો. તેમણે ઈલેક્ટ્રોનિક્સની એક દુકાનમાં સ્ટોરકીપર તરીકે કામ કરવાનું પસંદ કર્યું હતું, અને એ નોકરીમાં તેઓ મહિને 1200 રુપિયા કમાતા હતા. મોટા સંયુક્ત કુટુંબમાં વિખવાદ થતા, કુટુંબ તૂટતાં તેમના પિતાને મદદ કરનાર કોઈ ન રહ્યું, પરિણામે તેમને - સૌથી મોટા દીકરા તરીકે - પારિવારિક ધંધામાં જોડાવાની ફરજ પડી.
























