શ્રમિક વર્ગના લોકો ઘસાઈ ગયેલા પગરખાં પણ સાચવીને રાખે છે. માલ ચડાવનારાના સેન્ડલમાં ગોબા પડેલા હોય છે અને તેના અંદરના તળિયા અંદરની તરફ વળી ગયેલા હોય છે, તો લાકડા કાપનારાના ચપ્પલ કાંટાથી ભરેલા હોય છે. મારા પોતાના ચપ્પલને અકબંધ રાખવા માટે મેં ઘણી વખત સેફ્ટી પિન લગાડીને તેની મરામત કરી છે.
સમગ્ર ભારતમાં મારી સફર દરમિયાન મેં સતત પગરખાંની છબીઓ લીધી છે, અને મેં મારા ફોટાઓમાં આ વાર્તાઓ શોધવાનું શરૂ કર્યું છે. આવા પગરખાંની વાર્તાઓ મારફત મારી પોતાની સફર પણ છતી થાય છે.
કામના સંદર્ભમાં ખેડેલી ઓડિશાના જાજપુરની તાજેતરની સફર દરમિયાન મને બારાબંકી અને પુરણમંતિરા ગામની શાળાઓની મુલાકાત લેવાની તક મળી હતી. અમે ત્યાં પહોંચીએ ત્યારે આદિવાસી સમુદાયના લોકો જ્યાં ભેગા થયા હોય એ ઓરડાની બહાર ચોકસાઈપૂર્વક વ્યવસ્થિત ગોઠવીને કાઢેલા પગરખાં જોઈ મને હંમેશ નવાઈ લાગતી.
શરૂઆતમાં મેં બહુ ધ્યાન આપ્યું ન હતું, પરંતુ આ સફરના ત્રણ દિવસ પછી ઘસાઈ ગયેલા સેન્ડલ તરફ મારું ધ્યાન જવા લાગ્યું, તેમાંના કેટલાકમાં કાણાં પણ હતા.
પગરખા સાથેનો મારો પોતાનો સંબંધ મારા મનમાં કોતરાયેલો છે. મારા ગામમાં બધાએ વી-સ્ટ્રેપ સ્લીપર ખરીદ્યા હતા. હું લગભગ 12 વર્ષનો હતો ત્યારે મદુરાઈમાં તેની કિંમત માત્ર 20 રુપિયા હતી તેમ છતાં અમારા પરિવારોએ તેઓ એ ખરીદી શકે એ માટે સખત મહેનત કરી હતી કારણ કે પગરખાંની અમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા હતી.
જ્યારે પણ સેન્ડલનું નવું મોડલ બજારમાં આવે ત્યારે અમારા ગામનો કોઈ એક છોકરો એ ખરીદી લેતો અને અમે બાકીના બીજા બધા લોકો તહેવારોમાં, ખાસ પ્રસંગોએ કે બહારગામની સફરમાં પહેરવા તેમની પાસેથી એ ઉછીના લેતા.
જાજપુરની મારી સફર પછી હું મારી આસપાસના પગરખાં વધુ ધ્યાનથી જોતો થયો છું. સેન્ડલની અમુક જોડી મારા ભૂતકાળની ઘટનાઓ સાથે સંકળાયેલી છે. મારા સહાધ્યાયીને અને મને અમારા શારીરિક શિક્ષણના શિક્ષકે જૂતા ન પહેરવા બદલ ઠપકો આપ્યો હોય એવા કિસ્સા મને સાંભરે છે.
પગરખાંએ મારી ફોટોગ્રાફીને પણ પ્રભાવિત કરી છે, એ ફોટોગ્રાફ્સ એક મહત્વપૂર્ણ ફેરફાર દર્શાવે છે. લાંબા સમય સુધી દલિત સમુદાયોને પગરખાંની પહોંચ નકારવામાં આવી હતી. આ વાત પર વિચાર કરતા પગરખાંના મહત્વ બાબતે મારા પુનઃમૂલ્યાંકનને વેગ મળ્યો. આ વિચારે મારા કામનું બીજ રોપ્યું, દિવસ-રાત પરિશ્રમ કરતા શ્રમિક વર્ગના લોકોના અને તેમના પગરખાંના સંઘર્ષને રજૂ કરવાના મારા ધ્યેયને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક