જ્યારે ભગત રામ યાદવ જાહેર માલિકીની હરિયાણા રોડવેઝમાંથી કારકુન તરીકે સેવાનિવૃત્ત થયા, ત્યારે તેઓ આરામથી નિવૃત્ત જીવન પસંદ કરી શક્યા હોત. પણ આ 73 વર્ષીય કહે છે, “પણ મને મારી અંદર એક જુનૂન [જુસ્સો] અનુભવાયો હતો.” તેઓ એક આદર્શરૂપ કર્મચારી હતા.
આ જુસ્સાએ તેમને બાળપણમાં તેમના પિતા ગુગન રામ યાદવ દ્વારા શીખવવામાં આવેલી હસ્તકલામાં આગળ વધવા માટે પ્રેરિત કર્યા. આ હસ્તકલા હતી: ચારપાઈ અને પિડ્ડા (દોરીથી બનાવેલી બેઠક) બનાવવી.
તેમની શીખવાની શરૂઆત અડધી સદી પહેલાં જ થઈ ગઈ હતી, જ્યારે માત્ર 15 વર્ષીય યુવાન ભગત તેમના ત્રણ ભાઈઓ સાથે બેસીને તેમના પિતાને તેમના ઘર માટે કુશળતાપૂર્વક ચારપાઈ બનાવતા નિહાળતા રહેતા હતા. તેમના પિતા પાસે 125 એકર જમીન હતી અને તેઓ ઘઉંની લણણી પછીના ઉનાળાના મહિનાઓ આ મજબૂત બેઠક બનાવવા માટે સમર્પિત કરતા હતા. તેઓ હાથથી બનાવેલા સૂન હેમ્પ (ક્રોટાલેરિયા જુનસિયા), સૂટ (કાથી) અને સાલ ((શોરિયા રોબસ્ટા) અને શીશમ (ઉત્તર ભારતીય રોઝવુડ)) વૃક્ષોના લાકડાનો ઉપયોગ કરતા હતા. તેમનું કાર્યસ્થળ તેમની બેઠક હતી, જે એક ખુલ્લા ઓરડામાં હતી જ્યાં લોકો અને ઢોર બંને દિવસનો મોટો ભાગ વિતાવતા હતા.
ભગત રામ તેમના પિતાને “એક નંબર કા આરી” — એક મહાન કારીગર — તરીકે યાદ કરે છે, જેઓ તેમના સાધનો વિશે ખૂબ જ ચોક્કસ હતા. ભગત રામ યાદ કરીને કહે છે, “મારા પિતાએ અમને ચારપાઈ બનાવવાની કુશળતા શીખવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.” તેઓ કહેતા, “આવો, આને શીખો; તે તમને પછીથી કામમાં આવશે.”
પરંતુ યુવાન છોકરાઓ તેના બદલે ફૂટબોલ, હૉકી અથવા કબડ્ડી રમવા માટે ભાગી જતા હતા, કારણ કે તેમને આ કામ કંટાળાજનક લાગતું હતું. તેઓ કહે છે, “અમારા પિતા અમને ઠપકો આપતા, થપ્પડ પણ મારતા, પણ અમને કોઈ ફરક નહોતો પડતો. અમને નોકરી મેળવવામાં વધુ રસ હતો. અમે ફક્ત અમારા પિતાના ડરથી આ કુશળતા શીખ્યા હતા, જેમને અમે જ્યારે જ્યારે અટવાઈ જતા ત્યારે ડિઝાઇન બનાવવા માટે દોરડું કેવી રીતે ખસેડવું તે પૂછીએ છીએ.”
જ્યારે આજીવિકા રળવાનો સમય આવ્યો, ત્યારે ભગત રામે પહેલાં રાજસ્થાનમાં એક ખાનગી બસ સેવામાં કંડક્ટર તરીકે અને પછી 1982માં હરિયાણા રોડવેઝમાં કારકુન તરીકે નોકરી મેળવી. તેઓ કહે છે કે તેમણે “ક્યારેય કોઈ ખોટા કામમાં સામેલ ન થવું” નો સિદ્ધાંત અપનાવ્યો હતો. તેનાથી તેમને ત્રણ પુરસ્કાર મળ્યા હતા, અને તેઓ ગર્વથી તે સમયે મળેલી વીંટીમાંથી એકને હજુય પહેરે છે. ડિસેમ્બર 2009માં તેઓ 58 વર્ષની વયે સેવાનિવૃત્ત થયા હતા. જોકે, તેમણે થોડા સમય માટે પોતાની 10 એકરની પારિવારિક જમીન પર કપાસની ખેતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમની ઉંમર પ્રમાણે આ કામ ખૂબ જ મુશ્કેલ હતું. 2012માં, તેઓ કિશોર વયે જે કળાને શીખ્યા હતા તેમાં ફરીથી આગળ વધ્યા.
આજે, ભગત રામ આહિર સમુદાય (રાજ્યમાં અન્ય પછાત વર્ગો તરીકે સૂચિબદ્ધ) ના છે, અને ગામમાં એકમાત્ર ચારપાઈ બનાવનાર છે.
*****
હરિયાણાના હિસાર જિલ્લાના ધના ખુર્દ ગામના રહેવાસી ભગત રામ એક ચોક્કસ દિનચર્યાનું પાલન કરે છે. તેઓ દરરોજ સવારે લગભગ 6 વાગ્યે ઊઠે છે અને બે થેલીઓ ભરે છે — એક બાજરાથી અને બીજી રોટલીથી. પછી તેઓ પોતાના ખેતરમાં જાય છે, કબૂતરો માટે અનાજ અને કીડીઓ, કૂતરાઓ અને બિલાડીઓ માટે રોટલીઓ ફેલાવે છે.
ભગત કહે છે, “તે પછી, હું મારો હુક્કો તૈયાર કરું છું અને સવારે 9 વાગ્યે કામ પર લાગી જાઉં છું.” તેઓ સામાન્યપણે બપોર સુધી કામ કરે છે, પણ જો તેમને તાત્કાલિક ચારપાઈ બનાવવાનો ઓર્ડર મળ્યો હોય તો તેઓ વધુ સમય સુધી પણ કામ કરે છે. “પછી હું સાંજે લગભગ 5 વાગ્યા સુધી ફરીથી કામ કરીશ.” તેમના ઓરડામાં તેમણે બનાવેલા દોરીના ચારપાઈ પર તેઓ બેસેલા છે અને બારીઓમાંથી પ્રકાશ આવે છે અને તેમનો હુક્કો તેમની બાજુમાં મૂકેલો છે; તેઓ આમાંથી ક્યારેક ક્યારેક આરામથી કશ લે છે.
જ્યારે પારી તેમને જુલાઈની ઠંડી અને પવન વાતી સવારે મળે છે, ત્યારે ભગત રામ તેમના ખોળા પર મૂકીને એક પિડ્ડા બનાવી રહ્યા હોય છે. તેઓ આત્મવિશ્વાસ સાથે કહે છે, “હું આને એક દિવસમાં પૂરું કરી શકું છું.” શીશમથી બનેલી લાકડાની ફ્રેમ પર વીંટાળેલા દોરડા (સીધા) અને વેફ્ટ (ત્રાંસા) સાથે સાવચેતીપૂર્વકની પેટર્નમાં દોરીઓને સંરેખિત કરીને, તેમના હાથ પ્રેક્ટિસ કરેલી ચોકસાઈ સાથે આગળ વધે છે.
તેઓ કહે છે કે તેઓ ઉંમર વધવા સાથે ધીમા પડતા જાય છે. “જ્યારે હું પહેલી વાર ચારપાઈની બનાવટમાં પાછો ફર્યો, ત્યારે મારા હાથ અને શરીર અસરકારક રીતે કામ કરતા હતા. હવે, હું એકસામટું બેથી ત્રણ કલાકથી વધુ કામ કરી શકતો નથી.”
એક બાજુ પૂરી કર્યા પછી, તેઓ પ્રક્રિયાને પુનરાવર્તિત કરવા માટે સ્ટૂલને ફેરવે છે, અને ખાતરી કરે છે કે ભાત બંને બાજુએ પ્રતિબિંબિત થાય છે. તેઓ સમજાવે છે, “પિડ્ડામાં, ભરાઈ બંને બાજુથી કરવામાં આવે છે. આનાથી જ તે મજબૂત બને છે અને લાંબા સમય સુધી ટકી રહે છે. પરંતુ મોટાભાગના કારીગરો આવું નથી કરતા.”
દરેક વખતે જ્યારે તેઓ એક બાજુએ વેફ્ટ પૂર્ણ કરે છે, ત્યારે ભગત દોરીને સંરેખિત કરવા માટે ખુંટી અથવા ઠોકનાનો ઉપયોગ કરે છે — જે હાથ જેવા આકારનું એક સાધન છે. ઠોકનાની લયબદ્ધ થક થક થક, ઘુંગરૂ (નાની ધાતુની ઘંટડીઓ) ના ચાન ચાન સાથે જોડાઈને, અવાજોની એક મધૂર રચના બનાવે છે.
તેમણે બે દાયકા પહેલાં તેમના ગામમાં એક કારીગર દ્વારા ઠોકના બનાવડાવ્યું હતું, અને પછી તેમાં તેમણે જાતે ફૂલો કોતર્યા હતા અને ઘુંગરૂ ઉમેર્યાં હતાં. તેઓ તેમના શાળાએ જતા બે પૌત્રોને અમને બતાવવા માટે વધુ સ્ટૂલ લાવવા માટે કહે છે અને તેનું રહસ્ય જાહેર કરવા માટે ઝુકે છેઃ તેઓ જે પણ પિડ્ડા બનાવે છે તેમાં તે ધ્યાનથી લગભગ પાંચ ઘુંગરૂ ઉમેરે કરે છે. તેમાંના મોટાભાગના ચાંદી અથવા પિત્તળના બનેલા હોય છે. ભગત રામ કહે છે, “મને બાળપણથી ઘુંગરૂનો અવાજ ગમે છે.”
દરેક સ્ટૂલમાં ઓછામાં ઓછા બે ભપકા દોરડાનું સંયોજન હોય છે. તેઓ ઉમેરે છે, “તમને બજારમાં આવા રંગીન પિડ્ડા નહીં મળે.”
તેઓ ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં એક સપ્લાયરને દોરડાનો ઓર્ડર આપે છે. એક કિલો દોરડાની કિંમત શિપિંગ ચાર્જ સહિત 330 રૂપિયા હોય છે. તેઓ મોટે ભાગે વિવિધ રંગોના લગભગ પાંચથી સાત ક્વિન્ટલ દોરડાનો ઓર્ડર આપે છે.
તેમની પાછળના ટેબલ પર દોરડાના કેટલાક બંડલ પડેલા છે. તેઓ ઊઠીને તેમના વાસ્તવિક સંગ્રહને છતું કરે છે — રંગબેરંગી દોરડાઓથી ભરેલું કબાટ.
એક ટુકડો અમને આપીને તેઓ અમને “મુલાયમ” દોરડાને અનુભવવા માટે કહે છે. જોકે, તે કાપડ કયું છે તે તેમને ખબર નથી પણ તેઓ ચોક્કસ છે જે તે તૂટે એવું નથી. તેમની પાસે પુરાવા પણ છે. એક વાર, એક ગ્રાહકે તેમના સ્ટૂલ અને ચારપાઈની ગુણવત્તા પર શંકા કરી હતી. તેથી, ભગતે તેમને પોતાના હાથથી દોરડાને ફાડવાનો પડકાર ફેંક્યો. ભગત એક વાર નહીં પણ બે વાર સાચા સાબિત થયા હતા. માત્ર ગ્રાહક જ નહીં, સોનુ પેહલવાન નામનો એક પોલીસકર્મી પણ આગળ આવ્યો હતો પણ આ પડકારમાં નિષ્ફળ ગયો હતો.
ચારપાઈ બનાવવામાં દોરડાનું ટકાઉપણું સર્વોપરી છે. કારણ કે તે ચારપાઈનો પાયો બનાવે છે, જે જરૂરી ટેકો પૂરો પાડે છે અને લાંબા આયુષ્યની પણ ખાતરી આપે છે. તેની મજબૂતાઈ સાથે જરા પણ બાંધછોડ કરવામાં આવે તો તે અસ્વસ્થતા અથવા તો ભંગાણ તરફ દોરી શકે છે.
ભગત રામ માટે, પડકાર માત્ર દોરડાની મજબૂતાઈની કસોટી નહોતી — તે તેમની ઉત્કૃષ્ટ કારીગરીની માન્યતા હતી. જ્યારે પોલીસ અધિકારીએ ભગતને પૂછ્યું કે તેઓ શરત જીતવા બદલ શું ઇચ્છે છે, ત્યારે ભગતે જવાબ આપ્યો, “તે પૂરતું છે કે તમે તમારી નિષ્ફળતા સ્વીકારી છે.” પરંતુ અધિકારીએ તેમને બે મોટી ગોહાના કી જલેબી ખરીદી આપી હતી. ભગત હસતા હસતા હાથ ફેલાવીને યાદ કરે છે કે તે કેટલી મોટી હતી.
તે દિવસે માત્ર પોલીસ અધિકારી જ નહોતા કે જે કંઈક શીખ્યા હતા, ભગત રામ પણ કંઈક શીખ્યા હતા. હસ્તકલા મેળાની મુલાકાત લેતી વૃદ્ધ મહિલાઓને લાગ્યું કે આવા નીચા પિડ્ડા પર બેસવું આરામદાયક નહોતું અને તેમના ઘૂંટણમાં દુખાવો થતો હતો. ભગત રામ સ્ટીલની ફ્રેમનો ઉપયોગ કરીને તેઓ હવે જે ઊંચા પિડ્ડા બનાવે છે તેની તરફ ધ્યાન દોરતાં કહે છે, “તેઓએ મને લગભગ દોઢ ફૂટ ઊંચા પિડ્ડા બનાવવા માટે કહ્યું હતું.”
વરસાદ શરૂ થઈ ગયો છે અને તેમનાં પત્ની કૃષ્ણ દેવી ઝડપથી આંગણામાંથી પિડ્ડા લાવે છે. આ 70 વર્ષીય કૃષ્ણ દેવી દારી (ગાદલા) વણાટ કરતા હતા, પરંતુ લગભગ પાંચ વર્ષ પહેલાં બંધ કરી દીધું હતું. તેઓ પોતાનો દિવસ ઘરકામ કરવામાં અને ઢોરઢાંખરની સંભાળ રાખવામાં વિતાવે છે.
ભગત રામના પુત્રો જસવંત કુમાર અને સુનેહરા સિંહ તેમના પગલે ચાલ્યા નથી. સુનેહરા હિસાર જિલ્લા અદાલતમાં ટાઇપિસ્ટ તરીકે કામ કરે છે, જ્યારે જસવંત પારિવારિક જમીન પર ઘઉં અને શાકભાજીની ખેતી કરે છે. તેઓ કહે છે, “એકલું આ કળા પર ટકી શકાતું નથી; કારણ કે મને દર મહિને 25,000 રૂપિયાનું પેન્શન પણ મળતું હોવાથી મારો ગુજારો થઈ જાય છે.”
*****
ભગત રામ પ્રત્યેક પિડ્ડાને 2,500-3,000 રૂપિયાની વચ્ચે વેચે છે. તેઓ કહે છે કે કિંમત વધારે હોવાનું કારણ છે કે તેઓ નાની નાની વિગતો પર પણ ધ્યાન આપે છે. તેઓ કહે છે, “દરેક વસ્તુને કાળજીપૂર્વક પસંદ કરવામાં આવે છે, જેમાં પાઈ (પગ) નો સમાવેશ થાય છે, જેને અમે આઠ કિલોમીટર દૂર હાંસી નજીકથી ખરીદીએ છીએ. અમે તેને પૈડી, મોટા પૈડ અથવા દત્ત કહીએ છીએ. પછી અમે તેને કોતરાવીએ છીએ અને અમારા ગ્રાહકોને બતાવીએ છીએ. એક વાર તેઓ મંજૂરી આપે, પછી હું તેને પૉલિશ કરવું છું.”
ચારપાઈ બનાવતી વખતે પણ આટલી જ ચોકસાઈ રાખવામાં આવે છે. એક જ રંગના દોરાથી બનાવેલા ચારપાઈને પૂર્ણ થવામાં ત્રણથી ચાર દિવસ લાગે છે, જ્યારે ડિઝાઇનર ચારપાઈને પૂર્ણ થવામાં 15 દિવસ લાગી શકે છે.
ચારપાઈ બનાવવા માટે, લાકડાની ફ્રેમની અંદર એક ફૂટ જગ્યા છોડીને, ભગત રામ બંને બાજુએ દોરડાને આડી રીતે બાંધીને, દરેક બાજુએ બે થી ત્રણ ગાંઠ વડે મજબૂત કરીને શરૂઆત કરે છે. તે પછી તે દોરડાને લંબાઈની દિશામાં બાંધવા આગળ વધે છે, અને મરડ બનાવે છે. સાથે સાથે, કુંડ નામના સાધનનો ઉપયોગ કરીને, તેઓ ચારપાઈને વધુ મજબૂત કરવા માટે ગુંડી નામની દોરડું બાંધવાની તકનીકનો ઉપયોગ કરે છે.
ભગત રામ સમજાવે છે, “ચારપાઈ બનાવતી વખતે ગુંડી જરૂરી છે કારણ કે તે દોરડાને છૂટા થઈ જતા અટકાવે છે.”
એક વાર દોરડા ગોઠવાઈ જાય પછી, તેઓ ડિઝાઇન બનાવવા માટે રંગીન દોરડાઓને વળાંકમાં વણવાનું શરૂ કરે છે. આ દોરડાઓ પણ ગુંડીનો ઉપયોગ કરીને બાજુઓ પર સુરક્ષિત કરવામાં આવે છે. એક જ રંગની દોરીનો ખાટલો બનાવવા માટે લગભગ 10 થી 15 કિલોગ્રામ દોરડાનો ઉપયોગ થાય છે.
દરેક વખતે જ્યારે તેઓ એક અલગ રંગની દોરી ઉમેરે છે, ત્યારે તેઓ બંનેના છેડાઓને જોડે છે અને તેમને સોય અને દોરીથી એકસાથે ટાંકે છે. જ્યાં દોરડું સમાપ્ત થાય છે, ત્યાં તેઓ સમાન રંગના દોરડાનો ઉપયોગ કરીને તેને બીજા દોરડા પર પણ ટાંકે છે. તેઓ કહે છે, “જો હું માત્ર ગાંઠ બાંધીશ, તો તે ચણાની જેમ ચૂભશે.”
ચારપાઈને ડિઝાઇન કરવા માટે તેમની મોટાભાગની પ્રેરણા જૂના મકાનો પરની કોતરણીઓ અને ગામની દિવાલો પરના ચિત્રોમાંથી અથવા જ્યારે તેઓ હરિયાણાના અન્ય ભાગોમાં તેમના સંબંધીઓની મુલાકાત લે છે ત્યારે મળે છે. ભગત રામ તેમના ફોન પર સ્વસ્તિક અને ચૌપર બોર્ડ ગેમની ડિઝાઇનવાળા ચારપાઈની તસવીર બતાવતાં કહે છે, “હું મારા ફોન પર એક ફોટો લઉં છું અને તેનું મારા ચારપાઈમાં નિરૂપણ કરું છું.” એક વાર દોરીમાંથી ચારપાઈ અથવા સ્ટૂલ બનાવવામાં આવે તે પછી, તેની બાએ (બાજુની લાંબી પટ્ટીઓ) અને શેરુ (બાજુની ટૂંકી પટ્ટીઓ) — સાલ વૃક્ષના લાકડામાંથી બનેલી હોય છે, અને શીશમમાંથી બનેલી પાએ (પાયો), નાના પિત્તળના ટુકડાઓથી શણગારવામાં આવે છે.
ભગત રામ દ્વારા બનાવવામાં આવતા દોરીવાળા ચારપાઈની કિંમત સામાન્ય રીતે 8*6 ફૂટ, 10*8 ફૂટ અથવા 10*10 ફૂટના કદના આધારે 25,000 અને 30,000 રૂપિયાની વચ્ચે હોય છે. દરેક ચારપાઈ અથવા પિડ્ડા માટે, તેઓ 500 રૂપિયા મજૂરી લે છે, જેનાથી તેઓ દર મહિને 5,000 થી 15,000 રૂપિયા કમાય છે. ભગત રામ કહે છે, “યે સરકાર કા મોલ તો હૈ નહીં, મેરે મન કા મોલ હૈ, [આ સરકારની કિંમત નથી; આ મારી પોતાની કિંમત છે.]”
તેઓ સરકારની હસ્તકલાની સત્તાવાર યાદીમાં ચારપાઈને સ્થાન અપાવવાના મિશન પર છે. પોતાના મોબાઇલ ફોન પર ગર્વથી પારીને ક્લિપ બતાવતાં તેઓ કહે છે, “મેં એક સ્થાનિક સમાચાર ચેનલ પર એક વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ અપીલ કરી છે.”
તેઓ વાર્ષિક હસ્તકલા મેળામાં પોતાની કળાનું પ્રદર્શન કરવા માટે પોતાના ગામથી 200 કિમી દૂર ફરીદાબાદના સૂરજકુંડ મેળામાં બે વાર ગયા છે. પરંતુ પ્રથમ વખત, 2018માં, તેમની પાસે કારીગરનું કાર્ડ નહોતું અને પોલીસ દ્વારા તેમને ત્યાંથી જતા રહેવા માટે કહેવામાં આવ્યું હતું. પરંતુ નસીબ તેમની સાથે હતું. એક સબ-ઇન્સ્પેક્ટરે તેમની પાસે નાયબ અધીક્ષકો માટે બે ચારપાઈ માંગ્યા હતા. તે પછી તેમને કોઈએ પરેશાન કર્યા ન હતા. ભગત સ્મિત કરીને કહે છે, “બધાએ કહ્યું, ‘તાઉ તો ડીએસપી સાહેબ કા બોહોત તગડા જાંકર હૈ [કાકા ડીએસપી સાથે સારી રીતે જોડાયેલા છે].”
તેમણે કારીગરના કાર્ડ માટે અરજી કરતી વખતે જાણ્યું કે ચારપાઈને કાપડ મંત્રાલય દ્વારા હસ્તકલા તરીકે માન્યતા આપવામાં આવી નથી. રેવાડીના સ્થાનિક અધિકારીઓએ તેમને કાર્ડ ફોટો માટે દારી વણકર હોવાનું જાહેર કરવાનું સૂચન કર્યું હતું.
આ તે કાર્ડ હતું જેને તેઓ 2019માં તેમની સાથે લઈ ગયા હતા. દરેક વ્યક્તિએ મેળામાં તેમની ચારપાઈની પ્રશંસા કરી હતી, પણ તેઓ સ્પર્ધામાં ભાગ લેવા અથવા તેમની હસ્તકલા માટે પુરસ્કાર જીતવા માટે લાયક નહોતા. ભગત રામ કહે છે, “મને ખરાબ લાગ્યું, કારણ કે હું પણ મારી કલાકૃતિ પ્રદર્શિત કરવા અને પુરસ્કાર જીતવા માંગતો હતો.”
*****
એક ખાસ ઓર્ડરને તેઓ ભૂલી શકતા નથી — 12 * 6.5 ફૂટનો એક ખૂબ મોટો ખાટલો જે 2021માં આખો વર્ષ ચાલેલા કૃષિ આંદોલન માટે ખાસ બનાવવામાં આવ્યો હતો. (તે માટે પારીનું સંપૂર્ણ કવરેજ અહીં વાંચો ). ભગતને ચારપાઈમાં કિસાન આંદોલન (કૃષિ આંદોલન) વણવાનું કહેવામાં આવ્યું હતું.
તેમને આશરે 500 કિલો વજનના આ મોટા ચારપાઈ માટે 150,000 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. ભગત કહે છે, “મારે તેને આંગણામાં મૂકવું પડ્યું અને ત્યાં કામ કરવું પડ્યું હતું, કારણ કે તે મારા રૂમમાં સમાતું ન હતું.” તસવીર સિંહ અહલાવત દ્વારા આનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, અને આ ખાટલો અહલાવત જૂથ સાથે ભગતના ગામથી 76 કિમી દૂર હરિયાણાના દિઘલ ટોલ પ્લાઝા સુધી લઈ જવામાં આવ્યો હતો.
તેમની હસ્તકલા દિલ્હી, ઉત્તર પ્રદેશ, પંજાબ, રાજસ્થાન અને કર્ણાટકના ગ્રાહકો સુધી પણ પહોંચી છે.
હરિયાણાના એક પશુપાલકે કેવી રીતે 35,000 રૂપિયાનો ખાટલો કેવી રીતે ખરીદ્યો તેને યાદ કરતાં ભગત રામ કહે છે, “તે એક શૌખ [શોખ] છે — તે દરેકને નથી હોતો.” તેઓ ઉમેરે છે, “જ્યારે મને ખબર પડી કે તે માત્ર એક પશુપાલક છે, ત્યારે મેં તેના પૈસા પરત કરવાની વાત કરી હતી. પરંતુ તેમણે ના પાડી હતી અને કહ્યું હતું કે જો તેની કિંમત એક લાખ રૂપિયા હોત તો પણ તેઓ તેને ખરીદી શક્યા હોત.”
ભગત રામે 2019માં તેમની બીજી મુલાકાત પછી વાર્ષિક હસ્તકલા મેળામાં ભાગ લેવાનું બંધ કરી દીધું છે કારણ કે તેનાથી વધુ આવક થતી નથી. ઘરે પૂરતું કામ ઉપલબ્ધ છે, અને તેમનો ફોન સતત નવા ઓર્ડરથી ગુંજી રહ્યો છે. ભગત રામ ગર્વથી કહે છે, “હંમેશાં કોઈકને ફોન આવે છે, અને ચારપાઈ કે પિડ્ડાનો ઓર્ડર આપે છે.”
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ