શાસ્તી ભુનિયાએ ગયા વર્ષે અભ્યાસ અધવચ્ચે જ છોડી દીધો હતો. ત્યારપછી તેણે સુંદરવન ક્ષેત્રમાં આવેલા તેના ગામ સીતારામપુરથી લગભગ 2000 કિલોમીટર દૂર બેંગલુરુ જવા માટે ટ્રેન પકડી હતી. તે કહે છે, “અમે અત્યંત ગરીબ છીએ. હું શાળામાં મધ્યાહન ભોજન લઈ શકતી નહોતી." શાસ્તી 16 વર્ષની છે અને તે 9 મા ધોરણમાં હતી, અને પશ્ચિમ બંગાળમાં અને ભારતભરમાં, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓને માત્ર 8 મા ધોરણ સુધી જ મધ્યાહ્ન ભોજન આપવામાં આવે છે.
આ વર્ષે માર્ચ સુધીમાં શાસ્તી દક્ષિણ 24 પરગણા જિલ્લાના કાકદ્વીપ બ્લોકમાં આવેલા તેના ગામ પાછી ફરી હતી. લોકડાઉન શરૂ થતાં જ બેંગલુરુમાં ઘરેલુ નોકર તરીકેનું તેનું કામ અટકી ગયું હતું. તે સાથે જ તેની 7000 રુપિયાની આવક - જેમાંથી અમુક પૈસા તે દર મહિને ઘેર મોકલતી હતી - એ પણ બંધ થઈ ગઈ હતી.
શાસ્તીના પિતા, 44 વર્ષના ધનંજય ભુનિયા, અહીંના મોટાભાગના ગામોના ઘણા લોકોની જેમ સીતારામપુરના કિનારે આવેલા નયાચાર ટાપુ પર માછીમાર તરીકે કામ કરે છે. તેઓ કેટલીકવાર ખુલ્લા હાથેથી અને કેટલીકવાર નાની જાળીનો ઉપયોગ કરીને માછલીઓ અને કરચલાઓ પકડીને નજીકના બજારોમાં વેચે છે અને દર 10-15 દિવસે એક વાર ઘેર પાછા ફરે છે.
ધનંજયના માતા મહારાણી, તેમની દીકરીઓ 21 વર્ષની જંજલી, અને 18 વર્ષની શાસ્તી અને 14 વર્ષનો દીકરો સુબ્રત તેમની માટીની અને ઘાસ છાયેલી ઝૂંપડીમાં રહે છે. સુબ્રતના જન્મના થોડા મહિના પછી ધનંજયના પત્નીનું અવસાન થયું હતું. હવે મહિને 2000 થી 3000 રુપિયા કમાતા ધનંજય કહે છે, “અમને ટાપુ પર પહેલાના જેટલી માછલીઓ અને કરચલા મળતા નથી, [છેલ્લાં કેટલાંક વર્ષોમાં] અમારી કમાણી ઘણી ઘટી ગઈ છે. આજીવિકા માટે અમારે માછલીઓ અને કરચલાઓ પકડવા પડે છે. તેમને શાળાએ મોકલીને અમને શું મળવાનું છે?”
તેથી જેવી રીતે શાસ્તીએ અભ્યાસ અધવચ્ચે છોડી દીધો તેવી જ રીતે સુંદરવનના વર્ગખંડોમાંથી બીજા વિદ્યાર્થીઓ પણ ઝડપથી ગાયબ થઈ રહ્યા છે. ખારી જમીન ખેતીને મુશ્કેલ બનાવે છે, અને નદીઓના પહોળા થતા જતા પટ અને વારંવાર આવતા ચક્રવાતો નદીના મુખત્રિકોણ પ્રદેશમાં આવેલા તેમના ઘરોને બરબાદ કરે છે. પરિણામે આ પ્રદેશના ગામડાઓમાંથી ઘણા લોકો રોજીરોટી મેળવવા સ્થળાંતર કરે છે. બાળકોને પણ 13-14 વર્ષની ઉંમર સુધીમાં કામની શોધમાં સ્થળાંતર કરવાની ફરજ પડે છે. ઘણીવાર આ બાળકો તેમના પરિવારની શાળાએ જતી પહેલી પેઢી હોય છે. પછીથી ક્યારેય તેઓ ફરી વર્ગમાં પાછા ફરતા નથી.

























