સંતોષી કોરી માલિકીની નવીન લાગણીનો આનંદ માણી રહ્યાં છે. તેઓ હસતાં હસતાં ઉમેરે છે, “અમે મહિલાઓએ જ રુંજ એફ.પી.ઓ. [ફૂડ પ્રોસેસિંગ ઓર્ગેનાઈઝેશન]ની સ્થાપના કરવાનું નક્કી કર્યું હતું. હવે અમારા ગામના પુરુષો પણ સ્વીકારે છે કે તે એક સારો વિચાર છે.”
ભૈરહા પંચાયતના ગુચારા ગામનાં દલિત ખેડૂત એવાં સંતોષીએ પન્ના જિલ્લાની 300 આદિવાસી, દલિત, અને અન્ય પછાત વર્ગની (અન્ય પછાત વર્ગ) મહિલાઓની ભાગીદારીવાળી રુંજ મહિલા ખેડૂત ઉત્પાદક સહકારી લિમિટેડમાં સભ્યપદ ફી તરીકે જાન્યુઆરી 2024માં 1,000 રૂપિયા ચૂકવ્યા હતા. સંતોષી રુંજના બોર્ડનાં પાંચ સભ્યોમાંથી એક છે અને તેમને મેળાવડાઓમાં બોલવા અને પ્રચાર કરવા માટે બોલાવવામાં આવે છે.
તેઓ પારીને કહે છે, “અગાઉ, બિછોલિયા [વેપારીઓ] આવતા અને અમારી અરહરની દાળ [તુવેરની દાળ] ઓછી કિંમતે ખરીદી લેતા, કારણ કે તે દળ્યા વગરની રહેતી. અને તે ક્યારેય સમયસર ન આવતો કે ન તો અમને અમારા પૈસા સમયસર મળતા.” ત્રણ બાળકોનાં 45 વર્ષીય માતા પોતાના પરિવારની બે એકર વરસાદ આધારિત જમીન પર તુવેર ઉગાડે છે અને તેમણે ભાડાપટ્ટે વધુ એક એકર જમીન પણ લીધી છે. દેશમાં માત્ર 11 ટકા મહિલાઓ જ જમીનની માલિકી ધરાવે છે અને આમાંથી મધ્યપ્રદેશ બાકાત નથી.
રુંજ એફ.પી.ઓ.નું નામ રુંગ નદીના નામ પરથી પડ્યું છે, જે યમુનામાં વહેતી બાઘ હૈનની ઉપનદી છે. આ નદી અજયગઢ અને પન્ના બ્લોકના 28 ગામોમાં મહિલા ખેડૂતોને ફાયદો પહોંચાડે છે. 2024માં શરૂ થયેલ આ FPOનું ટર્નઓવર હાલ રૂપિયા 40 લાખને પાર કરી ગયું છે અને આગામી વર્ષમાં આને બમણું કરવાનું લક્ષ્યાંક છે.










