2023 નું વર્ષ વ્યસ્ત વર્ષ રહ્યું.
જાન્યુઆરી અને સપ્ટેમ્બર વચ્ચે લગભગ રોજેરોજ ભારતમાં આત્યંતિક હવામાનની ઘટનાઓ જોવા મળી. લોકસભા અને રાજ્યની વિધાનસભાઓમાં વધુ મહિલાઓને લાવવા માટે લોકસભાએ સપ્ટેમ્બરમાં મહિલા અનામત બિલ પસાર કર્યું, પરંતુ તેનો અમલ છેક 2029 માં કરવામાં આવશે. દરમિયાન નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર 2022 માં મહિલાઓ વિરુદ્ધ આચરવામાં આવેલા ગુનાઓની સંખ્યા 445,256 દર્શાવવામાં આવી. ઓગસ્ટમાં સર્વોચ્ચ અદાલતે લિંગ સ્ટીરિયોટાઇપ્સને નાબૂદ કરવા એક હેન્ડબુક બહાર પાડી જેમાં અમુક 'સ્ટીરિયોટાઇપ પ્રમોટિંગ' શબ્દો માટે વિકલ્પો સૂચવવામાં આવ્યા. દરમિયાન એ જ મહિનામાં એસસી (સર્વોચ્ચ અદાલત - સુપ્રીમ કોર્ટ - એસસી) ની પાંચ જજોની ખંડપીઠે સમલૈંગિક લગ્નોને કાનૂની માન્યતા આપવા વિરુદ્ધ ચુકાદો આપ્યો. નવ રાજ્યોમાં રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ અને સાંપ્રદાયિક અને કોમી હિંસાના સમાચારોનું પ્રાધાન્ય રહ્યું. માર્ચ 2022 અને જુલાઈ 2023 ની વચ્ચે ભારતમાં કુલ અબજોપતિઓની સંખ્યા 166 થી વધીને 174 થઈ. 15-29 વર્ષની વયના લોકો માટે સરેરાશ બેરોજગારીનો દર વર્ષના પ્રથમ નવ મહિના દરમિયાન લગભગ 17.3 ટકા રહ્યો.








