લોકગીતો હંમેશા સાંસ્કૃતિક જ્ઞાનનું એક વાહન અને સામાજિક મૂલ્યોનાં વાહક રહયાં છે. પરંતુ ઘણીવાર ગીતોનો ઉપયોગ સાંસ્કૃતિક પરિવર્તન અને જાગૃતિ નિર્માણના સાધન તરીકે પણ થાય છે. લોકગીતોની આ શૈલીની લવચીકતા બે ચીજોમાંથી આવે છે. એક તો લોક સંગીતની મૌખિકતા, જેને કારણે એ દરેક પ્રસ્તુતિ સાથે બદલવાની ક્ષમતા ધરાવે છે, અને બીજું સમુદાયની સંસ્કૃતિમાં ઊંડે સુધી રોપાયેલા તેના મૂળ.
અહીં રજૂ થઇ રહેલું આ ગીત લોકસંગીતની ફરી ફરી સજીવિત થવાની આ પરિમાણ છે. અહીં તે જાગૃતિનો સંદેશ આપે છે -- ગ્રામીણ મહિલાઓના જીવનની જાતિગત ભેદભાવોની વાસ્તવિકતા વિષે. કચ્છ અને અમદાવાદના મહિલા કલાકારો દ્વારા ગવાયેલું આ ગીત ભાવનાત્મક રીતે આપણને સ્પર્શી જવાની સાથે એક સામાજિક વિવેચન પણ પ્રદાન કરે છે.
ગીતની પૃષ્ઠભૂમિમાં વગાડવામાં આવતા વાદ્યોમાંનું એક - જોડિયા પાવા, આ ગીતનું એક વિશેષ પાસું છે. જોડિયા પાવા અથવા અલગોઝા પરંપરાગત રીતે ઉત્તર-પશ્ચિમ પ્રદેશો જેવા કે પાકિસ્તાનમાં સિંધ અને ભારતમાં કચ્છ, રાજસ્થાન અને પંજાબના કલાકારો દ્વારા વગાડવામાં આવે છે.



