ખેતરના કિનારે ઊભેલા વિજય તેમના પાક તરફ મીટ માંડીને જોઈ રહ્યા છે, જે હવે ભારે વરસાદ પછી ઘૂંટણ સુધીના પાણીમાં ડૂબી ગયો છે. વિદર્ભમાં વિજય મરોત્તરનું કપાસનું ખેતર બરબાદ થઈ ગયું હતું. 25 વર્ષીય વિજય કહે છે, “મેં પાક પાછળ લગભગ 1.25 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. મેં તેનો મોટાભાગનો હિસ્સો ગુમાવી દીધો છે.” આ સપ્ટેમ્બર 2022ની વાત છે, જે વિજય માટે પાકની પ્રથમ મોસમ હતી. અને આ વખતે, તેમની પાસે તેમની સમસ્યાઓ વિષે વાત કરવા માટે કોઈ નહોતું.
તેમના પિતા ઘનશ્યામ મારોટ્ટરે પાંચ મહિના પહેલા આત્મહત્યા કરી હતી અને બે વર્ષ પહેલાં અચાનક હૃદયરોગના હુમલાથી તેમની માતાનું અવસાન થયું હતું. અનિયમિત વાતાવરણ અને વધતા દેવા સાથે મોસમ દર મોસમ પાકમાં નુકસાન ભોગવવું પડ્યું હોવાથી વિદર્ભ પ્રદેશના અન્ય ઘણા ખેડૂતોની જેમ તેના માતાપિતાને ગંભીર ચિંતા અને તણાવનો સામનો કરવો પડ્યો હતો. અને તેમને આનો સામનો કરવામાં બહુ ઓછી મદદ મળી છે.
પરંતુ વિજય જાણતા હતા કે તેમના પિતાની જેમ ભાંગી પડવું તેમને પોસાત તેમ નથી. તેઓ આગામી બે મહિના સુધી પોતાના ખેતરમાંથી પાણી કાઢવામાં વ્યસ્ત રહ્યા હતા. દરરોજ બે કલાક સુધી, હાથમાં ફક્ત એક ડોલ લઈને તેઓ તેમના પડતર પડી રહેલા ખેતરને ઉઘાડે પગે ખેડતા હતા, તેમનો પાયજામો તેમના ઘૂંટણ સુધી વળેલો હતો, તેમની ટી-શર્ટ પરસેવાથી રેબઝેબ હતી. જાતે જ પાણી કાઢી કાઢીને તેમની કમર તૂટી ગઈ હતી. વિજય સમજાવે છે, “મારું ખેતર ઢોળાવ પર આવેલું છે. તેથી, વધુ પડતો વરસાદ પડવાથી હું વધુ પ્રભાવિત થાઉં છું. આસપાસના ખેતરોમાંનું પાણી ખાણમાં વહી જાય છે અને તેનો નિકાલ કરવો અઘરો થઈ પડે છે.” આ અનુભવથી તેઓ હેબતાઈ ગયા છે.
જ્યારે અતિશય વરસાદ, લાંબા સમય સુધી પાણીનો અભાવ અને કરા જેવી પ્રતિકૂળ આબોહવાની પરિસ્થિતિઓ ખેતીને ભારે નુકસાન પહોંચાડીને ખેડૂતોને માનસિક સ્વાસ્થ્યની સમસ્યાઓ તરફ દોરી જાય છે, તેવા સમયમાં પણ આ કટોકટીનો સામનો કરવામાં ખેડૂતોને રાજ્ય તરફથી મદદ માટે કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. (વાંચો વિદર્ભમાં: મનને સતત કોરી ખાતી કૃષિ સંકટની ચિંતા). મેન્ટલ હેલ્થકેર એક્ટ, 2017 હેઠળ માનસિક તણાવ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોથી પીડાતા લોકો માટે ઉપલબ્ધ સેવાઓ કે જોગવાઈઓ વિષેની કોઈ માહિતી, વિજય અથવા તેમના પિતા ઘનશ્યામ સુધી, જ્યારે તેઓ હયાત હતા અને માનસિક સ્વાસ્થ્ય સામે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારે પહોંચી ન હતી. ન તો તેમણે 1996ના જિલ્લા માનસિક આરોગ્ય કાર્યક્રમ હેઠળ આયોજિત કોઈ આઉટરીચ કેમ્પ વિષે સાંભળ્યું છે.
નવેમ્બર 2014માં, મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ‘પ્રેરણા પ્રકલ્પ ખેડૂત પરામર્શ આરોગ્ય સેવા કાર્યક્રમ’ ની શરૂઆત કરી હતી. આ પહેલ જિલ્લા કલેક્ટર દ્વારા યવતમાલ સ્થિત એનજીઓ — ઇન્દિરાબાઈ સીતારામ દેશમુખ બહુદેશિયા સંસ્થાની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવી હતી. આ સંસ્થાનો હેતુ જાહેર-ખાનગી (નાગરિક સમાજ) ભાગીદારી મોડેલની મદદથી ગ્રામીણ વિસ્તારોમાં સારવારમાં રહેલી ત્રુટીઓને દૂર કરવાનો હતો. પરંતુ 2022માં વિજયે તેમના પિતાને ગુમાવ્યા ત્યાં સુધીમાં તો સરકારનો આ બહુપ્રચારિત પ્રેરણા પ્રોજેક્ટ નિષ્ફળ ગયો હતો.









