18 વર્ષના સુમિત (નામ બદલવામાં આવ્યું છે) પહેલી વાર હરિયાણાના રોહતકમાં સરકારી જિલ્લા હોસ્પિટલમાં છાતીના પુનઃનિર્માણની શસ્ત્રક્રિયા (ચેસ્ટ રિકન્સ્ટ્રક્શન સર્જરી) બાબતે પૂછપરછ કરવા ગયા ત્યારે તેમને કહેવામાં આવ્યું કે તેમણે દાઝી જવાને લીધે ઈજા પામેલ દર્દી (બર્ન પેશન્ટ) તરીકે દાખલ થવું પડશે.
એક નર્યું જૂઠાણું, ભારતમાં પરલૈંગિક (ટ્રાન્સજેન્ડર) સમુદાયની કોઈ વ્યક્તિ જો પોતે જે શારીરિક સ્થિતિ સાથે જન્મી છે તેમાંથી જેમાં તે આરામદાયક અનુભવ કરી શકે છે એવી શારીરિક સ્થિતિમાં સંક્રમણ કરવાનું પસંદ કરે તો એ વ્યક્તિને ખેડવી પડતી જટિલ તબીબી-કાનૂની સફરને ચોતરફથી ઘેરી વળેલી રેડ ટેપ (અનાવશ્યક અને વિલંબ અને મુશ્કેલીઓ ઊભી કરતી કાગજી કાર્યવાહી - તુમારશાહી) ને પાર કરવા માટેનું એક જૂઠાણું. પરંતુ આ જૂઠાણું પણ કામ ન લાગ્યું.
આખરે સુમિતને 'ટોપ સર્જરી' - રોહતકથી લગભગ 100 કિલોમીટર દૂર હિસારની એક ખાનગી હોસ્પિટલમાં બોલચાલની ભાષામાં લૈંગિક સંક્રમણ માટેની શસ્ત્રક્રિયાનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવે છે - કરાવતા પહેલાં વધુ આઠ વર્ષની કાગજી કાર્યવાહી, અંતહીન મનોવૈજ્ઞાનિક મૂલ્યાંકનો, તબીબી પરામર્શોમાંથી પસાર થવું પડ્યું, એક લાખથી વધુ રુપિયા ઉપરાંતની લોનની જરૂર પડી, વણસેલા કૌટુંબિક સંબંધો અને તેના અગાઉના સ્તનો માટે સતત અણગમાનો સામનો કરવો પડ્યો.
(શસ્ત્રક્રિયાના) દોઢ વર્ષ પછી 26 વર્ષના સુમિત હજી પણ જ્યારે ચાલે છે ત્યારે તેઓ ખૂંધા (ખભા ઊંચા કરી, માથું નીચું કરી અને આગળ ઝૂકીને) ચાલે છે; આ તેમની શસ્ત્રક્રિયા પહેલાના વર્ષોની આદત છે, જ્યારે તેમના સ્તન તેમને માટે શરમ અને અસ્વસ્થતાનું કારણ હતા.
ભારતમાં કેટલા લોકો, સુમિતની જેમ, જન્મ સમયે તેમને અપાયેલ લૈંગિક ઓળખ કરતાં અલગ લિંગ સાથે જોડાયેલા હોવાનું અનુભવે છે તે અંગેના તાજેતરના કોઈ આંકડા ઉપલબ્ધ નથી. નેશનલ હ્યુમન રાઈટ્સ કમિશનના સહયોગથી કરવામાં આવેલ એક અભ્યાસ ભારતમાં 2017 માં પરલૈંગિક વ્યક્તિઓની સંખ્યા 4.88 લાખ હોવાનું જણાવે છે.
નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી વિ. યુનિયન ઓફ ઈન્ડિયા, 2014 ના કેસમાં સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો પસાર કર્યો હતો, જેમાં "તૃતીય લિંગ" ને અને "સ્વ-ઓળખિત" લિંગ સાથે ઓળખાવાના તેમના અધિકારને માન્યતા આપી હતી, અને સરકારને તેમને માટે આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરવાનો નિર્દેશ આપ્યો હતો. તેના પાંચ વર્ષ પછી, પરલૈંગિક વ્યક્તિ (અધિકારોનું સંરક્ષણ) અધિનિયમ, 2019 (ટ્રાન્સજેન્ડર પર્સન્સ (પ્રોટેક્શન ઓફ રાઇટ્સ) એક્ટ, 2019) એ આ સમુદાયને લિંગ-સમર્થન શસ્ત્રક્રિયાઓ,અંત:સ્ત્રાવ ઉપચાર અને માનસિક સ્વાસ્થ્ય સેવાઓ જેવી સર્વગ્રાહી આરોગ્યસંભાળ સેવાઓ પૂરી પાડવામાં સરકારની ભૂમિકા પર ફરીથી ભાર મૂક્યો છે.









