પારિવારિક બજેટનું આયોજન કરતી વખતે પોતાના સંઘર્ષ વિશે વાત કરતા બબીતા મિત્રા કહે છે, “મારે હંમેશા પૈસાની તંગી રહે છે. હું ખોરાક માટે પૈસા અલગ રાખું છું અને છેવટે તેનો ઉપયોગ દવાઓ માટે કરવા વારો આવે છે. મારા છોકરાઓના ટ્યુશનના પૈસા રાશન ખરીદવામાં વપરાઈ જાય છે. અને દર મહિને મારે મારા માલિકો પાસેથી પૈસા ઉધાર લેવા પડે છે...”
ઘરકામ કરવાવાળા બહેન તરીકે કામ કરતા 37 વર્ષના આ મહિલા વર્ષે માંડ 1 લાખ રુપિયા કમાય છે, કોલકાતાના કાલિકાપુર વિસ્તારમાં બે પરિવારોના કામમાંથી મળતી આ તેમની સંયુક્ત આવક છે. તેઓ માત્ર 10 વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળના નાદિયા જિલ્લાના આસનનગરથી આ શહેરમાં સ્થળાંતરિત થયા હતા. "મારા માતા-પિતાને ત્રણ બાળકોને ઉછેરવાનું પોસાતું નહોતું. તેથી મને, મૂળ અમારા જ ગામના, કોલકાતામાં રહેતા, એક પરિવારમાં કામ કરવા મોકલી દેવામાં આવી હતી."
ત્યારથી, બબીતાઘણા પરિવારોમાં ઘરકામ કરવાવાળા બહેન તરીકે કામ કરે છે. તેમના કોલકાતા વસવાટ દરમિયાન જાહેર થયેલ 27-27 કેન્દ્રીય બજેટ પછી પણ તેમને માટે અથવા (સત્તાવાર આંકડા મુજબ) ભારતના 42 લાખથી વધુ ઘરેલુ નોકરો માટે ઝાઝું કંઈ બદલાયું નથી. સ્વતંત્ર અંદાજ પ્રમાણે ભારતમાં ઘરેલુ નોકરોની સંખ્યા 5 કરોડને વટાવી જાય છે.
2017 માં, બબીતાએ દક્ષિણ 24 પરગણાના ઉચ્છેપોટા પંચાયતના ભગવાનપુર વિસ્તારમાં રહેતા 40 વર્ષના અમલ મિત્રા સાથે લગ્ન કર્યા હતા. એક ફેક્ટરીમાં દાડિયા મજૂર તરીકેનું કામ કરતા તેમના પતિનો ઘર ચલાવવામાં ખાસ કોઈ ફાળો નહોતો તેથી બબીતાની જવાબદારીઓ વધી ગઈ હતી. બબીતા અને અમલ ઉપરાંત 5 અને 6 વર્ષના બે દીકરા, 20 વર્ષની સાવકી દીકરી, બબીતાના સાસુ મળીને - છ લોકોના પરિવારનું ગુજરાન મોટાભાગે બબીતાની આવક પર જ ચાલે છે.
4 થા ધોરણમાંથી અધવચ્ચે શાળા છોડી દેનાર બબીતાભારતમાં ‘જેન્ડર બજેટિંગ’ ના બે દાયકા વિષે કે પછી 2025-26 ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામનના મહિલાઓના નેતૃત્વ હેઠળના વિકાસના વિચાર વિષે ઝાઝું જાણતા નથી. પરંતુ બબીતાનો રોજબરોજનો અનુભવ સાથે જોડાયેલું શાણપણ તેમના પ્રતિભાવમાં સ્પષ્ટ જણાઈ આવે છે: "મુશ્કેલ સમયમાં મદદ મેળવવા જવા માટે મહિલાઓ પાસે કોઈ સ્થાન ન હોય તો પછી મહિલાઓ માટે આટલું બધું કરવાની બડાઈ મારતા આ બજેટનો અર્થ શો છે?" કોવિડ-19 મહામારી દરમિયાન થયેલી તેમની અગ્નિપરીક્ષા જેવી કસોટીની યાદો હજી આજે પણ જરાય ઝાંખી થઈ નથી, એ યાદો તેમના મનમાં આજે પણ એટલી જ સ્પષ્ટ છે.






