નલ્લકન્નુનો જન્મ શ્રીવૈકુંટમમાં થયો હતો, જે તે સમયે તિરુનેલવેલી જિલ્લામાં હતું. આજે, શ્રીવૈકુંતમનો તાલુકો તમિલનાડુના તૂતકુડી જિલ્લામાં આવે છે (જે 1997 સુધી તુતીકોરીન તરીકે ઓળખાતું).
નલ્લકન્નુની ચળવળમાં જોડાવાની શરૂઆત ઘણી વહેલી થઇ.
"એ સમયે હું ખરેખર ઘણો નાનો હતો. મારા શહેરની નજીક તૂતકુડીમાં મિલ કામદારો હડતાલ પર ઊતરી ગયા હતા. હાર્વે મિલ્સનું એક જૂથ હતું. જે પછીથી પંચલાઈ [કોટન મિલ્સ]ના કામદારોની હડતાલ તરીકે ઓળખાઈ.
"તેમને ટેકો આપવા માટે, અમારા નગરના દરેક ઘરમાંથી ચોખા એકત્રિત કરવામાં આવતા અને એક ખોખામાં ભરીને તૂતકુડીમાં હડતાળ પર ઉતારેલા કામદારોના પરિવારોને બોક્સમાં મોકલવામાં આવતા. અમારા જેવા નાના છોકરાઓ ચોખા ભેગું કરવાનું કામ કરતા ઘેર ઘેર ફરતા.” લોકો ગરીબ હતા, “પરંતુ દરેક પરિવારે કંઈકને કંઈક યોગદાન આપ્યું જ હોય. તે સમયે હું માંડ 5 કે 6 વર્ષનો હોઈશ અને કામદારોના સંઘર્ષ સમયે દેખાતી આ એકતાએ મારા મન પર ભારે અસર કરી હતી. તેનું પરિણામ એ આવ્યું કે મને રાજકારણમાં મારી રુચિ બહુ વહેલી થઈ."
અમે તેમને 1937ની ચૂંટણીના સમયમાં પાછા લાવતાં પૂછ્યું: મંજલ પેટી અથવા પીળા ખોખાને મત આપવાનો અર્થ શું હતો?
“તે સમયે મદ્રાસમાં માત્ર બે મુખ્ય પક્ષો હતા," તે કહે છે. "કોંગ્રેસ અને જસ્ટિસ પાર્ટી. પક્ષો પ્રતીકોને બદલે અમુક રંગની મતપેટી દ્વારા ઓળખાતા. કૉંગ્રેસ, જેના માટે અમે એ સમયે પ્રચાર કર્યો હતો, તેને પીળી પેટીઓ આપવામાં આવેલી. જસ્ટિસ પાર્ટી માટે, એક 'પચ્ચાઈ' - લીલા રંગની પેટી હતી. તે સમયે મતદાતા માટે તે જે પક્ષને સમર્થન આપી રહ્યો છે તેને ઓળખવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો.”
અને હા, ત્યારે પણ ચૂંટણી સાથે ઘણા રંગીન કિસ્સા ને પરાક્રમો સંકળાયેલા રહેતાં. ધ હિન્દુના અહેવાલ મુજબ, “દેવદાસી પ્રચારક તંજાવુર કામુકન્નમલ . . . દરેકને “છીકણીના ખોખા”માં મત આપવાનું કહેતો! તે સમયના છીકણીના ખોખાં સામાન્ય રીતે સોનેરી અથવા પીળો રંગના રહેતાં. ધ હિન્દુની હેડલાઈન પણ વાચકોને ‘પીળા બૉક્સીસ ભરો’ એવું આહવાન કરતી હતી.
"અને અલબત્ત, હું તો 12 વર્ષની ઉંમરે મત આપી શકવા કાબેલ નહોતો," નલ્લકન્નુ કહે છે. "પરંતુ હું બહાર ગયો અને મારાથી બને એટલો મજબૂત પ્રચાર કર્યો." ત્રણ વર્ષ પછી, તેઓ ચૂંટણીની બહાર "પરાઈ [ડ્રમનો એક પ્રકાર] પીટતા અને સૂત્રોચ્ચાર કરતા" રાજકીય પ્રચારમાં સામેલ થયા.