રમેશ દત્તા તેમના ચહેરા પર હળવા સ્મિત સાથે કહે છે, “મને નાનપણથી જ ચિત્રકામનો શોખ હતો. જ્યારે હું શાળામાં કો શ્રેની [પહેલા ધોરણ]માં હતો, ત્યારે શિક્ષકો અમને નારંગી અથવા કોળું દોરવાનું કહેતા, અને હું તેને ઝડપથી પૂરું કરી દેતો હતો. ચિત્રકામની શરૂઆત આ રીતે થઈ હતી.”
આજે તેઓ માજુલીના ગરમુર સારુ સત્રમાં રંગમંચના કાર્યક્રમો માટે પ્રાથમિક સેટ ડિઝાઇનર અને માસ્ક નિર્માતા છે, જે આસામના અનેક વૈષ્ણવ મઠોમાંનું એક છે. 52 વર્ષીય રમેશ દા, જેમને સમુદાયમાં પ્રેમથી સંબોધવામાં આવે છે, તેઓ ઓછાબોલા છે, પરંતુ બહુમુખી પ્રતિમાઓ ધરાવે છે જેનાથી બ્રહ્મપુત્રાના સૌથી મોટા ટાપુ માજુલીમાં સ્થાનિક થિયેટર, કલા અને સંગીત ખીલી ઊઠે છે.
તેઓ યાદ કરીને કહે છે, “નાનપણમાં હું કઠપૂતળીના શોથી આકર્ષિત થતો હતો. હું અન્ય લોકોને કઠપૂતળી બનાવતા જોતો હતો અને તે રીતે આ કલામાં મને રૂચિ પેદા થઈ. તે સમયે હું બીજા ધોરણ હતો. હું કઠપૂતળી બનાવીને શાળામાં બીજા વિદ્યાર્થીઓને બતાવતો.”
તેઓ હાલ જે કલાકૃતિઓ બનાવે છે, તે જ્યારે મંચ પર અથવા માજુલીની આસપાસ પ્રદર્શિત કરવામાં નથી આવતી, ત્યારે તેને તેમના ઘરની બાજુના ખુલ્લા શેડમાં સંઘરવામાં આવે છે. જ્યારે અમે તેમને મળવા જઈએ છીએ, ત્યારે અમને ત્યાં એક ઊંધી પડેલી હોડી જોવા મળે છે, જે એક પ્લેટફોર્મ પર ઊભી હતી. રમેશ દા બ્રશ અને રંગના ડબ્બાઓને તેમણે બનાવેલા માસ્કની બાજુમાં મૂકે છે. આ ડબ્બાઓમાં રાસ મહોત્સવ માટે બનાવેલ સારસના મૂખોટાનો પણ સમાવેશ થાય છે. (વાંચો: માજુલીના અનેક મહોરાં)






















