આયુષ નાયક કહે છે, "અમારા શરીરને પેઈન્ટ કરવાનું મુશ્કેલ છે. [એ માટે] અમારે આખી રાત જાગતા રહેવું પડશે." તેઓ પહેલી જ વખત પોતાના શરીર પર ઓઇલ પેઇન્ટ લગાવી રહ્યા છે. 17 વર્ષના આયુષ કહે છે, “મારું આખું શરીર જાણે બળતું હોય એવું લાગે છે. તેથી અમારે બને તેટલી વહેલી તકે (શરીર પર લગાડેલા) પેઇન્ટને સૂકવવા પડશે."
આયુષ એ દશેરા અને જન્માષ્ટમીના તહેવારો દરમિયાન કરવામાં આવતા લોક નૃત્ય પિલી વેશા (જેને હુલી વેશા તરીકે પણ ઓળખવામાં આવે છે) ની તૈયારી માટે પોતાના શરીરને ચળકતા રંગીન પટ્ટાઓથી રંગતા તટીય કર્ણાટકના ઘણા યુવાન છોકરાઓ અને છોકરીઓમાંથી એક છે. પ્રસ્તુતિ દરમિયાન તેઓ વાઘના માસ્ક પહેરીને ગર્જના કરે છે અને નૃત્ય કરે છે અને તેમની આસપાસ જોર-જોરથી ડ્રમ ગુંજતા રહે છે.
કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારોમાં બોલાતી તુળુ ભાષામાં પિલીનો અર્થ થાય છે વાઘ અને વેશા એટલે મેક-અપ. છેલ્લા 22 વર્ષથી પિલી વેશા કરી રહેલા વીરેન્દ્ર શેટ્ટીગાર કહે છે, “(આ માટે) તમારે કોઈની પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. એ તો અમારા આત્મામાં છે." તેઓ ઉમેરે છે, "ડ્રમના અવાજો અને આસપાસની ઉત્તેજના મળીને એક એવું વાતાવરણ સર્જે છે કે તમે આપોઆપ જ એ તાલ પર નૃત્ય કરવા લાગો છો." 30 વર્ષના વીરેન્દ્ર એમેઝોનમાં વિતરક તરીકે કામ કરે છે અને પોતાના ગામના યુવાનોને (પિલી વેશાની) પ્રસ્તુતિ કરવા પ્રોત્સાહિત કરે છે.
નર્તકો વાઘ, ચિત્તા અને દીપડા જેવા દેખાવા એક્રેલિક પેઇન્ટના પીળા અને ભૂખરા રંગના પટ્ટાઓથી પોતાના શરીરને રંગે છે. અગાઉ વાઘ નર્તકોના શરીર પરના ચમકીલા રંગો બનાવવા માટે કોલસા, ભીની માટી, મૂળ અને ફૂગનો ઉપયોગ થતો હતો.
સમય જતા આ નૃત્યની રંપરાગત શૈલીનું સ્થાન લોકોના મનોરંજન માટેના મુશ્કેલ શારીરિક દાવપેચોએ લીધું છે જેમાં આગળ અને પાછળ પલટી મારવી, માથા વડે નાળિયેર ફોડવા, મોંમાંથી આગની જ્વાળાઓ કાઢવી વિગેરે પર વધુ ભાર મૂકવામાં આવે છે. અને આ આખું નૃત્ય-સંયોજન એટલી બધી શારીરિક મહેનત માગી લે છે કે પ્રૌઢ કલાકારોએ હવે આ પરંપરાગત નૃત્યને આગળ લઈ જવાની જવાબદારી યુવાનો ઉપર છોડી દીધી છે.






























