જો તમે 6-14 વર્ષની વય જૂથના બાળક છો, તો તમને તમારા ઘરની પડોશની શાળાઓમાં "મફત અને ફરજિયાત શિક્ષણ" મેળવવાનો (મૂળભૂત) અધિકાર છે. આ નિર્ધારિત કરતો કાયદો – બાળકોનો મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ (ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન આરટીઈ) ભારત સરકાર દ્વારા 2009માં ઘડવામાં આવ્યો હતો.
પરંતુ ઓડિશાના જાજપુર જિલ્લામાં નવ વર્ષની ચંદ્રિકા બેહેરા લગભગ છેલ્લા બે વર્ષથી શાળાએ જઈ શકતી નથી કારણ કે સૌથી નજીકની શાળા પણ ખૂબ દૂર છે - તેના ઘરથી આશરે 3.5 કિલોમીટર દૂર.
ગ્રામીણ ભારતમાં શીખવવાની અને શીખવાની પદ્ધતિઓ સુસંગત નથી, અને કાયદા અને નીતિઓ મોટાભાગે માત્ર કાગળ પર જ હોય છે. જોકે કેટલાક કિસ્સાઓમાં કોઈ એક વ્યક્તિગત શિક્ષકના નવીન વિચારો અને દ્રઢતા પ્રણાલીગત પડકારોને દૂર કરી વાસ્તવિક પરિવર્તન લાવવામાં સફળ રહે છે.
ઉદાહરણ તરીકે, કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પ્રવાસી શિક્ષકને લો, તેઓ આ વિચરતા સમુદાયના નાના બાળકોને ભણાવવા ચાર મહિના માટે તેમની સાથે લિદ્દર ઘાટીમાં ગુર્જર વસાહતમાં સ્થળાંતર કરે છે. શિક્ષકો પણ તેમના મર્યાદિત સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે નવીન પદ્ધતિઓ અપનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમ કે કોઈમ્બતુરની વિદ્યા વનમ શાળાના શિક્ષકો, તેમણે પોતાના વિદ્યાર્થીઓને આનુવંશિક રીતે સંશોધિત પાકો પર ચર્ચા કરતા કર્યા છે. તેમાંના ઘણા બાળકો તેમના પરિવારમાં અંગ્રેજી બોલનાર પ્રથમ પેઢી છે પરંતુ તેઓ શુદ્ધ અંગ્રેજીમાં ચર્ચા કરી રહ્યા છે, તેઓ ઓર્ગેનિક (જૈવિક) ચોખા અને બીજા પાકોના મહત્વ સહિત વિવિધ વિષયો પર દલીલો કરે છે.
વર્ગખંડોમાં જાઓ, શિક્ષણના પરિણામોનો વાસ્તવિક, વિગતવાર અને સ્પષ્ટ ખ્યાલ મેળવો અને પારી પુસ્તકાલયની મુલાકાત લઈ ભારતમાં શિક્ષણની સ્થિતિનું વધુ સારું અને સચોટ ચિત્ર મેળવો. (પારી પુસ્તકાલયમાં) અમે ગ્રામીણ શિક્ષણમાં સુલભતા, ગુણવત્તા અને અંતર અંગેના અહેવાલો રજૂ કરીએ છીએ. આ પુસ્તકાલયમાં દરેક દસ્તાવેજની સાથે તેનો ટૂંકો સારાંશ પણ છે જે દસ્તાવેજના મુખ્ય મુદ્દા પર પ્રકાશ પાડે છે.







