“લઈ દે વે જુત્તી મૈનૂ,
મુક્તસરી કઢાઈ વાલી,
પૈરાં વિચ્ચ મેરે ચન્ના,
જચુગી પાઈ બાહલી''
"મને એક જોડ મોજડી લાવી દો,
મુક્તસરની ભરતકામવાળી મોજડી,
મારા વ્હાલા, મારા પગમાં એ ખૂબ શોભશે."
હંસ રાજ બરછટ સુતરાઉ દોરા પરની પોતાની પકડ ચુસ્ત કરે છે. આ પીઢ મોચી સ્ટીલની તીક્ષ્ણ સોયનો ઉપયોગ કરીને સખત ચામડાને વીંધીને દોરા વડે ટાંકા લે છે, પંજાબી જુત્તી (મોજડી) ની જોડીને હાથથી ટાંકવા માટે લગભગ 400 વખત કુશળતાપૂર્વક સોયને ચામડામાં નાખે છે અને બહાર કાઢે છે. આમ કરતી વખતે તેમના ઊંડા નિસાસા અને 'હમમમ' આસપાસની નીરવ શાંતિનો ભંગ કરે છે.
પંજાબના શ્રી મુક્તસર સાહિબ જિલ્લાના રુપના ગામમાં હંસ રાજ એકમાત્ર કારીગર છે જેઓ પરંપરાગત રીતે આ મોજડીઓ બનાવે છે.
લગભગ અડધી સદીથી આ મોજડીઓ બનાવી રહેલા 63 વર્ષના આ કારીગર કહે છે, “મોટા ભાગના લોકો જાણતા નથી કે પંજાબી મોજડી કેવી રીતે બને છે અને કોણ એ બનાવે છે. એક સામાન્ય ગેરસમજ એવી છે કે એ મશીનો વડે બનાવાય છે. પરંતુ તૈયારીથી લઈને ટાંકા દેવા સુધીનું બધું કામ હાથેથી કરવામાં આવે છે. હંસ રાજ હકીકત કહે છે, “તમે ગમે ત્યાં જાઓ, મુક્તસર, મલોટ, ગિદ્દરબાહા કે પટિયાલા, બીજું કોઈ મારા જેટલી કાળજીપૂર્વક, ઝીણામાં ઝીણી વિગતો તરફ ધ્યાન આપીને મોજડી ન બનાવી શકે."
દરરોજ સવારે 7 વાગ્યાથી શરૂ કરીને તેઓ તેમની ભાડાની વર્કશોપના દરવાજા પાસે જમીન પર રૂની ગાદી પર બેસે છે, દિવાલોનો કેટલોક ભાગ પુરુષો અને મહિલાઓ બંને માટેની પંજાબી મોજડીઓના સંગ્રહથી ઢંકાયેલો છે. એક જોડીની કિંમત 400 થી 1600 રુપિયાની વચ્ચે છે અને તેઓ કહે છે કે આ કામમાંથી તેઓ મહિને લગભગ 10000 રુપિયા કમાઈ શકે છે.
ઝાંખી પડી ગયેલી ભીંતને અઢેલીને આગામી 12 કલાક તેઓ હાથેથી સીવેલા પગરખાં બનાવવામાં ગાળે છે. દીવાલ પર જ્યાં તેઓ તેમની થાકેલી પીઠ ટેકવે છે એ જગ્યા ઢંગધડા વગરની છે - સિમેન્ટ ખરી ગયો છે ને પરિણામે સિમેન્ટની નીચેની ઈંટો ખુલ્લી પડી ગઈ છે. ઘૂંટણના સાંધા પર માલિશ કરતા કરતા હંસ રાજ કહે છે, "શરીર દુખે છે, ખાસ કરીને પગ." તેઓ કહે છે કે ઉનાળામાં "પરસેવાને કારણે અમને પીઠ પર દાને જે [ગૂમડાં] થઈ જાય છે અને ખૂબ પીડા થાય છે."
હંસ રાજે 15 વર્ષની ઉંમરે આ હસ્તકલા શીખી લીધી હતી અને તેમને તેમના પિતાએ તે શીખવી હતી. “મને બહાર જઈને નવી નવી જગ્યાઓ વિષે જાણવામાં વધુ રસ હતો. કોઈક દિવસ હું શીખવા બેસું, કોઈક દિવસ નયે બેસું." પણ જેમ જેમ તેઓ મોટા થયા અને કામનું દબાણ વધતું ગયું તેમ તેમ બેસી રહીને કામ કરવાના કલાકો પણ વધતા ચાલ્યા.
પંજાબી અને હિન્દી ભાષાના મિશ્રણમાં વાત કરતા તેઓ કહે છે, "આ કામમાં બારીકી [ચોકસાઇ] ની જરૂર છે." હંસ રાજ વર્ષોથી ચશ્મા વિના કામ કરે છે, “પરંતુ હવે મારી જોવાની શક્તિને અસર/ નજર કમજોર થવા માંડી હોય એવું લાગે છે. હું વધારે કલાકો કામ કરું તો મારી આંખો ખેંચાય છે. દરેક વસ્તુ મને બે-બે/ડબલ-ડબલ દેખાય છે."
રોજના સામાન્ય કામના દિવસ દરમિયાન તેઓ ચા પીએ છે અને તેમના રેડિયો પર સમાચાર, ગીતો અને ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળે છે. તેમનો મનપસંદ કાર્યક્રમ છે "ફરમાઈશી પ્રોગ્રામ", તેમાં શ્રોતાઓની વિનંતી મુજબના જૂના હિન્દી અને પંજાબી ગીતો વગાડવામાં આવે છે. તેમણે પોતે ક્યારેય કોઈ ગીતની વિનંતી કરવા માટે રેડિયો સ્ટેશન પર ફોન કર્યો નથી એમ કહીને કે "મને નંબરોમાં કંઈ સમજણ પડતી નથી અને હું ડાયલ કરી શકતો નથી."
હંસ રાજ ક્યારેય શાળાએ ગયા નથી, પરંતુ તેમના ગામની બહાર જઈને નવી નવી જગ્યાઓ વિષે જાણવામાં તેમને ખૂબ મઝા આવે છે, ખાસ કરીને તેના મિત્ર, પડોશના ગામના એક સંત સાથે: “દર વર્ષે અમે પ્રવાસે જઈએ છીએ. તેમની પોતાની ગાડી છે, અને તેઓ ઘણી વાર મને તેમની સાથે પ્રવાસમાં જોડાવા કહે છે. બીજા એક કે બે વધુ લોકો સાથે અમે હરિયાણામાં ઘણા સ્થળોએ અને રાજસ્થાનમાં અલવર અને બિકાનેર ગયા છીએ.”
*****
સાંજના 4 વાગી ગયા છે, અને રુપના ગામ મધ્ય નવેમ્બરના સૂર્યની હૂંફાળી ચમકમાં નાહી રહ્યું છે. હંસ રાજના વફાદાર ગ્રાહકોમાંથી એક પોતાના એક મિત્ર સાથે પંજાબી મોજડીઓની જોડી લેવા આવ્યા છે. તેઓ હંસ રાજને પૂછે છે, "તમે કાલ સુધીમાં તેમના માટે પણ મોજડી બનાવી શકશો?" મિત્ર દૂરથી આવ્યા છે - હરિયાણામાં ટોહાનથી - અહીંથી 175 કિલોમીટર દૂરથી.
હંસ રાજ હસીને મૈત્રીપૂર્ણ રીતે ગ્રાહકની વિનંતીનો જવાબ આપતા કહે છે, "યાર, કાલ સુધીમાં તો શક્ય નથી." તેમ છતાં ગ્રાહક આગ્રહપૂર્વક મોજડી બનાવી આપવાનું કહેતા રહે છે: "મુક્તસર પંજાબી મોજડીઓ માટે જાણીતું છે." એ પછી અમારી તરફ ફરીને ગ્રાહક કહે છે, “શહેરમાં મોજડીની હજારો દુકાનો છે. પરંતુ અહીં રુપનામાં ફક્ત આ (હંસ રાજ) જ છે જે હાથેથી મોજડીઓ બનાવે છે. અમે તેમના કામથી પરિચિત/તેમનું કામ જાણીએ છીએ."
ગ્રાહક કહે છે કે દિવાળી સુધી આખી દુકાન મોજડીઓથી ભરેલી હતી. એક મહિના પછી નવેમ્બરમાં, ફક્ત 14 જોડીઓ બચી છે. હંસ રાજની મોજડીમાં એવું શું છે જે તેને ખાસ બનાવે છે? ગ્રાહક દિવાલ પર લટકાવેલી મોજડીઓ તરફ ઇશારો કરીને કહે છે, "તેઓ જે મોજડીઓ બનાવે છે તે વચમાંથી વધારે સપાટ હોય છે. ફરક [કારીગરના] હાથમાં છે."
હંસ રાજ બધું કામ એકલા નથી કરતા - 12 કિમી દૂર તેમના વતનના ગામ ખુનન ખુર્દમાં કુશળ મોચી સંત રામ પાસે કેટલીક મોજડીઓની સિલાઇ કરાવે છે. દિવાળી અથવા ડાંગરની મોસમ દરમિયાન જ્યારે માંગ વધુ હોય ત્યારે તેઓ એક જોડી સીવવાના 80 રુપિયા ચૂકવીને પોતાનું કામ બહારથી કરાવે છે.
આ નિષ્ણાત મોચી અમને કારીગર અને કામદાર વચ્ચેનો ફેર સમજાવે છે: “હું હંમેશા મોજડીના પન્ના [ઉપરના ભાગ] ને તળિયાની ટોચ સાથે ટાંકીને સીવવાની શરૂઆત કરું છું. આ મોજડી બનાવવાનો સૌથી પડકારજનક તબક્કો છે. જે વ્યક્તિ આ કામ બરોબર કરી જાણે એ જ મિસ્તીરી [કારીગર] કહેવાય, બીજા નહીં."
આ કારીગરી શીખવાનું સરળ નહોતું. હંસ રાજ યાદ કરે છે, "શરૂઆતમાં મને પગરખાંને દોરાથી સીવવાનું બરોબર ફાવતું નહોતું." તેઓ ઉમેરે છે, "પરંતુ એક વાર મેં એ શીખી જવાનું નક્કી કરી લીધું એ પછી મેં બે જ મહિનામાં તેમાં નિપુણતા મેળવી લીધી હતી.”
"વર્ષો જતા તેમણે મોજડીની બંને બાજુએ ચામડાની નાની પટ્ટીઓ સીવવાની તકનીકનો સમાવેશ કરીને નવી ડિઝાઈન તૈયાર કરી છે, અહીં તમામ સાંધાઓને એકીકૃત રીતે જોડવામાં આવે છે. તેઓ સમજાવે છે, “આ નાની પટ્ટીઓ મોજડીને મજબૂતી આપે છે. પગરખાં જલ્દીથી તૂટતાં નથી."
*****
હંસ રાજ અને તેમના પત્ની, વીરપાલ કૌર, અને બે દીકરાઓ અને એક દીકરી સહિત ચાર જણનો તેમનો પરિવાર લગભગ 18 વર્ષ પહેલાં ખુનન ખુર્દથી રુપના સ્થળાંતરિત થયા હતા. તેમના બંને દીકરા અને દીકરીના હવે લગ્ન થઈ ગયા છે અને તેમને પણ બાળકો છે. તે સમયે તેમના મોટા દીકરા, જેઓ હવે 36 વર્ષના છે, તેમણે અહીં ગામની પેપર મિલમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
હંસ રાજ કહે છે, “ખુનન ખુર્દમાં મોટે ભાગે [દલિત] પરિવારો મોજડી બનાવતા હતા, તેઓ તેમના ઘેરથી જ આ કામ કરતા હતા. સમય પસાર થતો ગયો, નવી પેઢી આ હસ્તકલા શીખી નહીં અને જેઓ જાણતા હતા તેઓ મૃત્યુ પામ્યા."
આજે તેમના જૂના ગામમાં ફક્ત ત્રણ કારીગરો હજી આજે પણ હાથેથી પંજાબી જુત્તીઓ બનાવવાની કળામાં રોકાયેલા છે, જ્યારે રુપનામાં હાથેથી પંજાબી જુત્તીઓ બનાવનાર હંસ રાજ એકમાત્ર કારીગર છે. તેઓ બધા જ (રાજ્યમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ) તેમના રામદાસી ચમાર સમુદાયમાંથી છે.
વીરપાલ કૌર કહે છે, "ખુનન ખુર્દમાં અમારા બાળકોનું કોઈ ભવિષ્ય નહોતું, તેથી અમે ત્યાં અમારું મકાન વેચીને અહીં એક મકાન ખરીદી લીધું છે." તેમના અવાજમાં સંકલ્પ અને આશાનો મિશ્ર ભાવ છે. તેઓ અસ્ખલિત હિન્દી બોલે છે, આ પડોશની વિવિધતાની અસર છે, પાડોશમાં મોટે ભાગે ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતરિતો છે જેમાંના ઘણા પેપર મિલમાં કામ કરે છે અને આસપાસના વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહે છે.
હંસ રાજનો પરિવાર આ પહેલીવાર સ્થળાંતરિત થયો હોય એવું નહોતું. હંસ રાજ કહે છે, “મારા પિતા [હરિયાણાના] નારનૌલથી પંજાબ આવ્યા હતા અને મોજડીઓ બનાવવાનું શરુ કર્યું હતું.
ગુરુ નાનક કોલેજ ઓફ ગર્લ્સ દ્વારા શ્રી મુક્તસર સાહિબ જિલ્લામાં કરાયેલ 2017 નો અભ્યાસ દર્શાવે છે કે મોજડીઓ બનાવનારા હજારો પરિવારો 1950 ના દાયકામાં રાજસ્થાનથી પંજાબમાં સ્થળાંતરિત થયા હતા. હંસ રાજનું પૈતૃક ગામ નારનૌલ હરિયાણા અને રાજસ્થાનની સરહદ પર આવેલું છે.
*****
હંસ રાજ જણાવે છે, “જ્યારે મેં આ કામ શરૂ કર્યું ત્યારે એક જોડીની કિંમત માત્ર 30 રુપિયા હતી. હવે આજે સંપૂર્ણ ભરતકામવાળી મોજડીની કિંમત 2500 થીય વધારે હોય છે."
તેમની વર્કશોપમાં આમતેમ વિખરાયેલા ચામડાના નાના અને મોટા છૂટાછવાયા ટુકડાઓમાંથી હંસ રાજ અમને બે પ્રકારના ચામડા બતાવે છે: ગાયની ખાલ અને ભેંસની ખાલ. એક સમયે આ હસ્તકલાની કરોડરજ્જુ સમા કાચા માલને હાથ વડે ફંફોસતા ફંફોસતા તેઓ સમજાવે છે, "ભેંસની ખાલનો ઉપયોગ તળિયા બનાવવા માટે થાય છે, અને ગાયની ખાલ પગરખાંના ઉપરના ભાગ માટે હોય છે."
તેઓ ટેન કરેલા ચામડાને પકડીને અમને પૂછે છે કે અમને પશુની ખાલને અડવાનો વાંધો તો નથી ને? જ્યારે અમે પશુની ખાલને અડવાની અમારી તૈયારી બતાવીએ છીએ ત્યારે તેઓ માત્ર ટેન કરેલા ચામડા તરફ જ નહીં પરંતુ તેમની વચ્ચેના તફાવત તરફ પણ અમારું ધ્યાન દોરે છે. ભેંસની ખાલ 80 કાગળ એકની ઉપર એક મૂક્યા હોય એટલી જાડી લાગે છે. બીજી તરફ ગાયની ખાલ પ્રમાણમાં ખૂબ પાતળી હોય છે, કદાચ લગભગ 10 કાગળ એકની ઉપર એક મૂક્યા હોય એટલી. ટેક્સચરની દ્રષ્ટિએ ભેંસની ખાલ સુંવાળી અને સખત હોય છે, જ્યારે ગાયની ખાલ થોડી ખરબચડી હોવા છતાં વધુ નરમ હોય છે અને વાળવામાં સરળ હોય છે.
તેમના માટે ખૂબ મહત્ત્વના કાચા માલ - ચામડાની કિંમતોમાં થતો જતો વધારો અને મોજડીનું સ્થાન બૂટ અને સ્લીપર જેને તેઓ "બૂટ-ચપ્પલ" કહે છે તેણે લેતાં આ ધંધો કરવા માગતા લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે.
હંસ રાજ તેમના ઓજારોની ખૂબ કાળજી રાખે છે. મોજડીને આકાર આપવા માટે ચામડાને કાપવા અને ઘસવા માટે તેઓ રામ્બી (કટર) નો ઉપયોગ કરે છે; તે સખત ન થાય ત્યાં સુધી તેની પર ઠોકવા માટે તેઓ એક મોર્ગા (લાકડાની હથોડી) વાપરે છે. લાકડાની મોર્ગા તેમના પિતાની હતી, એવી જ રીતે પગરખાંની ટોચને અંદરથી આકાર આપવા માટે તેઓ જે હરણના શિંગડાનો ઉપયોગ કરે છે તે પણ તેમના પિતાનું છે. પગરખાંની ટોચને ફક્ત હાથ વડે અંદરથી આકાર આપવાનું મુશ્કેલ છે આથી તેઓ એ માટે હરણના શિંગડાનો ઉપયોગ કરે છે.
આ મોચી ટેન કરેલા ચામડા ખરીદવા માટે તેમના ગામથી 170 કિમી દૂર જાલંધરના પગરખાં બજારમાં જાય છે. આ મંડી (જથ્થાબંધ બજાર) સુધી પહોંચવા માટે તેઓ પોતાને ગામથી મોગાની એક અને પછી મોગાથી જલંધર માટેની બીજી બસ લે છે. તેમની આ મુસાફરીનો એક તરફનો ખર્ચ 200 રુપિયા થાય છે.
તેમણે સૌથી તાજેતરમાં આ મુસાફરી દિવાળીના બે મહિના પહેલા કરી હતી, ત્યારે તેમણે 150 કિલોગ્રામ ટેન કરેલું ચામડું ખરીદ્યું હતું, તેની કિંમત 20000 રુપિયા હતી. અમે તેમને પૂછીએ છીએ કે શું તેમને ક્યારેય ચામડું લઈ જવામાં કોઈ મુશ્કેલી પડી છે કે કેમ ત્યારે તેઓ સ્પષ્ટ કરે છે, "ટેન કરેલા ચામડા કરતા ટેન કર્યા વિનાના ચામડાના પરિવહનની ચિંતા વધુ હોય છે."
જોઈતી ગુણવત્તાવાળા ચામડાની કાળજીપૂર્વક પસંદગી કરવા માટે તેઓ મંડી જાય છે, અને વેપારીઓ ચામડાને નજીકના શહેર મુક્તસર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરે છે જ્યાંથી તેઓ એ લઈ આવે છે. તેઓ ટિપ્પણી કરે છે, "બસમાં એકલા આટલી ભારે સામગ્રીનું લઈ આવવાનું કોઈપણ રીતે શક્ય નથી."
વર્ષો જતા મોજડી બનાવવા માટેની સામગ્રીમાં ક્રમશઃ ફેરફાર થયો છે અને મલોટમાં ગુરુ રવિદાસ કોલોનીના રાજ કુમાર અને મહિન્દર કુમાર જેવા નાના મોચીઓ કહે છે કે રેક્સિન અને માઇક્રો સેલ્યુલર શીટ્સ જેવા કૃત્રિમ ચામડાનો ઉપયોગ હવે વધુ થાય છે. રાજ અને મહિન્દર બંને ઉંમરના ચાલીસના દાયકાની શરૂઆતમાં/બેતાલીસ-તેંતાલીસ વર્ષના છે, તેઓ બંને દલિત જાટવ સમુદાયના છે.
મહિન્દર કહે છે. “જ્યાં એક માઇક્રો શીટની કિંમત 130 રુપિયે કિલો હોય છે ત્યારે એની સામે ગાયની ખાલની કિંમત હવે 160 રુપિયાથી લઈને 200 રુપિયે કિલો થઈ ગઈ છે." તેઓ કહે છે કે આ વિસ્તારમાં ચામડું એક દુર્લભ વસ્તુ બની ગઈ છે. રાજ કહે છે, “પહેલાં આ વસાહતમાં ઘણી બધી ટેનરી હતી અને અહીંની હવામાં ટેન કર્યા વિનાના ચામડાની દુર્ગંધ આવતી હતી. પરંતુ જેમ જેમ બસ્તી (વસાહત) વિસ્તરતી ગઈ તેમ તેમ ટેનરીઓ બંધ થતી ગઈ."
તેઓ ઉમેરે છે કે, યુવાનો હવે આ ધંધામાં જોડાવા ઉત્સુક નથી, અને ઓછી આવક એ તેનું એકમાત્ર કારણ નથી. મહિન્દર કહે છે, "ચામડાની દુર્ગંધ કપડાંમાં પેસી જાય છે, અને પરિણામે કેટલીકવાર તો તેમના મિત્રો તેમની સાથે હાથ મિલાવતા પણ તૈયાર થતા નથી."
હંસ રાજ કહે છે, “મારા પોતાના પરિવારમાં હવે આ બાળકો મોજડીઓ બનાવતા નથી, મારા દીકરાઓ આ હસ્તકલાને સમજવા માટે ક્યારેય આ દુકાનમાં આવ્યા પણ નથી, પછી એ શીખવાની તો વાત જ ક્યાં રહી? અમારી પેઢી એ હવે છેલ્લી પેઢી છે જે આ કારીગરી જાણે છે. હું પણ કદાચ બીજા પાંચ વર્ષ સુધી આ કામ કરી શકીશ, મારા પછી કોણ કરવાનું છે? હંસ રાજ પૂછે છે.
રાત્રિભોજન માટે શાકભાજી સમારતાં સમારતાં વીરપાલ કૌર કહે છે, “માત્ર મોજડીઓ બનાવીને ઘર ચલાવવાનું શક્ય નથી." લગભગ બે વર્ષ પહેલાં આ પરિવારે તેમના મોટા દીકરાની પેપર મિલમાંથી કર્મચારીને મળતી લોનની મદદથી પાકું મકાન બનાવવાનું કામ પૂરું કર્યું હતું.
હંસ રાજ તેમના પત્નીને ચીડવતા કહે છે, "મેં તેને ભરતકામ શીખવાનું પણ કહ્યું હતું, પરંતુ એ બધું ના શીખી." બંનેના લગ્નને 38 વર્ષ થયા છે. જવાબ વાળતાં વીરપાલ કહે છે, “મને રસ નહોતો." પોતાના સાસુ પાસેથી જે કંઈ શીખ્યા છે તેના આધારે તેઓ ઘેર જ જરીના દોરા વડે એક કલાકમાં એક જોડી મોજડી પર ભરતકામ કરી શકે છે.
તેમના મોટા દીકરાનો ત્રણ જણનો પરિવાર પણ આ જ ઘરમાં તેમની સાથે જ રહે છે. ઘરમાં બે રૂમ, એક રસોડું અને એક બેઠક ખંડ છે, ઘરની બહાર એક શૌચાલય છે. બી.આર.આંબેડકર અને સંત રવિદાસની તસવીરો બંને રૂમ અને બેઠકખંડને શોભાવે છે. સંત રવિદાસની લગભગ એવી જ છબી હંસ રાજની વર્કશોપને પણ શોભાવે છે.
વીરપાલ કહે છે, "છેલ્લા 10-15 વર્ષોમાં લોકોએ ફરીથી મોજડીઓ પહેરવાનું શરૂ કર્યું છે, એ પહેલાં ભાગ્યે જ કોઈ મોચીઓનો ભાવ પૂછતું હતું."
તે સમય દરમિયાન હંસ રાજ ખેત મજૂર તરીકે કામ કરતા હતા અને ક્યારેક કોઈ ગ્રાહક આવે તો એક-બે દિવસમાં મોજડી બનાવી આપતા હતા.
વીરપાલ કહે છે, "હવે ઘણા કૉલેજ જતા છોકરાઓ અને છોકરીઓને આ મોજડીઓ પહેરવાનો શોખ જાગ્યો છે."
ગ્રાહકો આ મોજડીઓ લુધિયાણા, રાજસ્થાન, ગુજરાત અને ઉત્તર પ્રદેશ સહિત જુદા જુદા સ્થળોએ લઈ ગયા છે. હંસ રાજ તેમના છેલ્લા મોટા ઓર્ડર દરમિયાન એક મિલ કામદાર માટે પંજાબી જુત્તીઓની આઠ જોડી બનાવ્યાનું પ્રેમથી યાદ કરે છે. એ મિલ કામદારે ઉત્તર પ્રદેશમાં તેમના સંબંધીઓ માટે એ ખરીદી હતી.
તેમની હાલની જગ્યાએ તેમની કારીગરીની સતત માંગ હોવાથી આનંદી હંસ રાજ કહે છે, "હવે તો મને દરેક દિવસ દિવાળી જેવો લાગે છે."
નવેમ્બર 2023 માં આ વાર્તાની લખાયાના થોડા જ પછી હંસ રાજને આંશિક સ્ટ્રોક આવ્યો હતો. હાલ તેઓ સ્વસ્થ થઈ રહ્યા છે.
આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (એમએમએફ) ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક