આઠ વર્ષીય વિશાલ ચૌહાણ ભારે પથ્થરો અને વાંસથી બનેલા પોતાના ઘર વિશે કહે છે, “જ્યારે અમે ભણવા બેસીએ છીએ, ત્યારે અમારા પુસ્તકો અને ચોપડા પર પાણી ટપકે છે. ગયા વર્ષે (2022માં) જુલાઈમાં તો મકાન તૂટી પડ્યું હતું. આવું દર વર્ષે થાય છે.”
અલેગાંવ જિલ્લા પરિષદ શાળામાં ત્રીજા ધોરણના વિદ્યાર્થી વિશાલનો પરિવાર બેલદાર સમુદાયનો છે, જે મહારાષ્ટ્રમાં વિચરતી જનજાતિ તરીકે સૂચિબદ્ધ છે.
તેઓ ઉમેરે છે, “જ્યારે વરસાદ પડે છે ત્યારે ઝૂંપડીની અંદર રહેવું ખાસ કરીને મુશ્કેલ થઈ પડે છે, કારણ કે તેમાં વિવિધ જગ્યાએથી પાણી ટપકતું હોય છે.” તેથી, તેઓ અને તેમની નવ વર્ષની બહેન વૈશાલી, શિરુર તાલુકાના અલેગાંવ પાગા ગામમાં તેમના ઘરની છતમાં ક્યાં ક્યાં પાણી ટપકે છે તેની ભાળ કાઢતાં રહે છે, જેથી કરીને તેઓ ત્યાં અભ્યાસ કરી શકે.
ભાઈ-બહેનોની શિક્ષણ પ્રત્યેની આતુરતાથી તેમનાં દાદી શાંતાબાઈ ચૌહાણ ખૂબ ગર્વ અનુભવે છે. 80 વર્ષીય દાદી કહે છે, “અમારા આખા ખાંડન [પરિવાર]માં, કોઈ ક્યારેય શાળાએ ગયું નથી. મારા પૌત્રો સૌથી પહેલ વહેલીવાર વાંચવાનું અને લખવાનું શીખી રહ્યા છે.”
પરંતુ જ્યારે તેઓ તેમના પૌત્રો વિશે વાત કરે છે, ત્યારે તેમના કરચલીવાળા ચહેરા પર ગર્વની સાથે સાથે દુઃખનો પડછાયો ભળી જાય છે. અલેગાંવ પાગા વસ્તીમાં તેમની તાડપત્રીથી બનાવેલી ઝૂંપડીની અંદર બોલતાં શાંતાબાઈ કહે છે, “અમારી પાસે એવું પાકું ઘર નથી, જેમાં બેસીને તેઓ શાંતિથી ભણી શકે. ત્યાં પ્રકાશની પણ સુવિધા નથી.”
પાંચ ફૂટથી વધુ ઊંચાઈના લોકોએ આ તંબુઓમાં પ્રવેશવા માટે કમરમાંથી વળીને પ્રવેશ કરવો પડે છે. તેમનું ઘર બેલદાર, ફાંસે પારધી અને ભીલ જનજાતિઓની 40 ઝૂંપડીઓના સમૂહનો ભાગ છે. તે પૂણે જિલ્લામાં આવેલા અલેગાંવ પાગા ગામથી બે કિલોમીટર દૂર આવેલું છે. શાંતાબાઈ કહે છે, “ઝૂંપડીમાં રહેવું મુશ્કેલ છે. પણ આ બાળકો ફરિયાદ નથી કરતા, તેઓ તે પ્રમાણે ટેવાઈ જાય છે.”
ઝૂંપડીની તાડપત્રી પણ ઘસાઈ ગઈ છે. તેમણે છેલ્લી તાડપત્રી નવ વર્ષથી વધુ સમય પહેલાં બદલી હતી, અને તે પછી તેનું કોઈ સમારકામ પણ નથી કર્યું.
પૂણેમાં પથ્થરની ખાણમાં કામ કરતા તેમના માતા-પિતા સુભાષ અને ચંદા વિશે વિશાલ કહે છે, “મારા માતા-પિતા હંમેશાં કામ અર્થે બહાર રહે છે.” તેમને પથ્થરો તોડવા માટે અને તેને ટ્રકોમાં લોડ કરવા માટે દિવસના 100 રૂપિયા મળે છે. આ બધું મળીને મહિનામાં તેઓ 6,000 રૂપિયા કમાણી કરે છે, જેમાંથી તેમણે પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવવાનું હોય છે. વિશાલનાં 42 વર્ષીય માતા ચંદા પૂછે છે, “તેલ, અનાજ, બધું જ મોંઘુ છે. અમે પૈસા કેવી રીતે બચાવીશું? અને અમે ઘર કેવી રીતે બનાવીશું?”
*****
મહારાષ્ટ્રમાં વિચરતી જનજાતિઓને રહેઠાણ પૂરું પાડવા માટે સંખ્યાબંધ સરકારી કલ્યાણકારી યોજનાઓ હોવા છતાં, તેમની સામાન્ય કમાણીમાંથી પાકુ મકાન બનાવવું અને તેની માલિકી મેળવવી એ ચૌહાણ પરિવાર માટે દૂરનું સ્વપ્ન છે. શબરી આદિવાસી ઘરકુલ યોજના, પારધી ઘરકુલ યોજના અને યશવંતરાવ ચૌહાણ મુક્ત વસાહત યોજના જેવી યોજનાઓમાં લાભાર્થીએ જાતિ પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. ચંદા કહે છે, “કોઈપણ ઘરકુલ યોજના માટે, અમારે અમે કોણ છીએ તે સાબિત કરવાની જરૂર હોય છે. અમે અમારી જાત (સમુદાય)ને કેવી રીતે સાબિત કરી શકીશું?”
2017નો ઇદાતે કમિશનનો અહેવાલ દર્શાવે છે કે દેશભરમાં વિચરતા આદિવાસીઓમાં રહેઠાણની નબળી વ્યવસ્થા સામાન્ય બાબત છે. ચંદા કહે છે, “તમે જોઈ શકો છો કે અમે કેવી રીતે જીવીએ છીએ.” આ કમિશન દ્વારા સર્વેક્ષણ કરાયેલા 9,000 ઘરોમાંથી, 50 ટકાથી વધુ અર્ધ-પાકા અથવા કામચલાઉ માળખામાં રહે છે, અને 8 ટકા તેમના પરિવારો સાથે તંબુઓમાં રહે છે.
સરકારી યોજનાઓ માટે ઓળખ દસ્તાવેજો મેળવવામાં નડતી સમસ્યાઓ વિશે ઘણી અરજીઓ કરવામાં આવી છે અને તે બિન-સૂચિત, વિચરતી અને અર્ધ-વિચરતી જનજાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ દ્વારા પ્રાપ્ત થઈ હોવા તરીકે નોંધવામાં આવી છે. 454 અરજીઓમાંથી 304 અરજીઓ જાતિ પ્રમાણપત્રોની સમસ્યાઓને લગતી છે.
મહારાષ્ટ્ર અનુસૂચિત જાતિઓ , અનુસૂચિત જનજાતિઓ, બિન-સૂચિત જનજાતિઓ (વિમુક્ત જાતિઓ), વિચરતી જનજાતિઓ, અન્ય પછાત વર્ગો અને વિશેષ પછાત વર્ગ (જારી કરવા અને ચકાસણીના નિયમો) જાતિ પ્રમાણપત્ર અધિનિયમ, 2000 હેઠળ જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે, અરજદારે સાબિત કરવું પડશે કે તેઓ તે વિસ્તારના કાયમી રહેવાસી છે અથવા તો તેમના પૂર્વજો માન્ય તારીખે (1961ની બિન-સૂચિત જનજાતિઓના કિસ્સામાં) સંબંધિત વિસ્તારમાં રહેતા હતા. શિરુર સ્થિત સામાજિક કાર્યકર સુનીતા ભોસલે કહે છે, “આ જોગવાઈથી જાતિ પ્રમાણપત્ર મેળવવું સરળ નથી.”
તેઓ આગળ કહે છે, “આ ભટક્યા-વિમુક્ત જાતિના [બિન-સૂચિત જનજાતિઓ] પરિવારોની ઘણી પેઢીઓ એક ગામથી બીજા ગામમાં, એક જિલ્લાથી બીજા જિલ્લામાં ભટકતી રહી છે. વર્ષો પહેલાંના રહેણાંક પુરાવાઓ રજૂ કરવું કેવી રીતે શક્ય છે? આ કાયદામાં ફેરફાર કરવાની જરૂર છે.”
ફાંસે પારધી સમુદાય સાથે સંકળાયેલાં સુનીતાએ 2010માં ક્રાંતિ નામની બિન-નફાકારક સંસ્થાની સ્થાપના કરી હતી, જે બિન-સૂચિત જનજાતિઓ સામેના કેસ સંભાળે છે. આ સંસ્થા લોકોને જાતિ પ્રમાણપત્રો, આધાર કાર્ડ, રેશન કાર્ડ અને અન્ય સત્તાવાર દસ્તાવેજો મેળવવામાં પણ મદદ કરે છે, જેથી તેઓ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લઈ શકે અને તેમની સામે થયેલા અત્યાચારના કેસો સંભાળી શકે. સુનીતા કહે છે, “13 વર્ષમાં અમે લગભગ 2,000 લોકો માટે જાતિ પ્રમાણપત્ર મેળવવામાં સફળ રહ્યાં છીએ.”
ક્રાંતિ સ્વયંસેવકો પૂણે જિલ્લાના દૌંડ અને શિરુર તાલુકાઓના 229 ગામો અને અહમદનગર જિલ્લાના શ્રીગોંડા તાલુકામાં કામ કરે છે, જેમાં ફાંસે પારધી, બેલદાર અને ભીલ જેવી બિન-સૂચિત આદિવાસીઓની અંદાજે 25,000 વસ્તીને આવરી લેવામાં આવે છે.
સુનીતા સમજાવે છે, “પ્રમાણપત્રો મેળવવાની પ્રક્રિયા કંટાળાજનક, સમય માંગી લે તેવી અને ખર્ચાળ છે. તાલુકા કચેરીમાં જવા માટે અને વારંવાર ઝેરોક્સ (ફોટોકોપી) કરવા માટે તમારે તમારા ખિસ્સામાંથી પૈસા ખર્ચવા પડે છે. તમારે કાગળો પર કાગળોનો પુરાવો જમા કરાવવો પડશે. એટલે લોકો જાતિ પ્રમાણપત્ર મેળવવાની આશા છોડી દે છે.”
*****
વિક્રમ બાર્દે કહે છે, “અમારી પાસે કોઈ એવી જગ્યા જ નહોતી જેને અમે ઘર કહી શકીએ. મને યાદ નથી કે મારા બાળપણથી અમે કેટલી વાર જગ્યાઓ બદલી છે.” 36 વર્ષીય વિક્રમ ઉમેરે છે, “લોકોને અમારા પર વિશ્વાસ નથી. હજુ પણ આવું જ છે. તેથી જ અમારે જગ્યા બદલતી રહેવું પડે છે. ગામલોકોને જ્યારે ખબર પડે છે કે અમે કોણ છીએ ત્યારે તેઓ અમને ત્યાંથી જતા રહેવા માટે અમારા પર દબાણ કરે છે.”
એક દૈનિક મજૂર તરીકે કામ કરતા વિક્રમ ફાંસે પારધી જનજાતિના છે અને તેમનાં પત્ની રેખા સાથે ટીનની છતવાળા એક ઓરડાના મકાનમાં રહે છે. તેમનું ઘર અલેગાંઓ પાગા વસ્તીથી 15 કિલોમીટર દૂર કુરુલી ગામની બહારના વિસ્તારમાં 50 ભીલ અને પારધી પરિવારોની વસાહતનો એક ભાગ છે.
જ્યારે તેમના માતા-પિતા 2008માં જાલના જિલ્લાના જાલના તાલુકાના ભીલપુરી ખ. ગામમાં સ્થળાંતરિત થયા હતા ત્યારે વિક્રમની વય 13 વર્ષની હતી. તેઓ યાદ કરીને કહે છે, “મને યાદ છે કે અમે ભીલપુરી ખ. ગામની બહાર કુડાચા ઘર [ઝૂંપડી]માં રહેતા હતા. મારા દાદા-દાદી મને કહેતા કે તેઓ બીડમાં ક્યાંક રહેતા હતા.” (વાંચોઃ કોઈ અપરાધ નહીં ને સજાનો પાર નહીં. )
2013માં તેઓ પોતાના પરિવાર સાથે પૂણે સ્થળાંતરિત થયા હતા, જ્યાં તેઓ હાલ રહે છે. તેઓ અને તેમનાં 28 વર્ષીય પત્ની રેખા પૂણે જિલ્લાના વિવિધ ગામડાઓમાં ખેતીકામ માટે જાય છે અને કેટલીકવાર તેઓ બાંધકામ સ્થળોમાં પણ કામ કરે છે. વિક્રમ કહે છે, “એક દિવસમાં અમે મળીને કુલ 350 રૂપિયા કમાઈએ છીએ. કેટલીકવાર 400 રૂપિયા પણ કમાઈએ છીએ. અમને બે અઠવાડિયાથી વધુ સમય સુધી ક્યારેય કામ નથી મળતું.”
બે વર્ષ પહેલાં તેઓ જાતિ પ્રમાણપત્ર માટે અરજી કરવા માટે દર મહિને 200 રૂપિયા ખર્ચ કરતા હતા. વિક્રમે તેમની અરજી પર ફોલોઅપ લેવા માટે મહિનામાં ચારથી પાંચ વખત શિરુરમાં બ્લોક ડેવલપમેન્ટ ઓફિસ સુધી 10 કિલોમીટરની મુસાફરી કરવી પડતી હતી.
વિક્રમ કહે છે, “શટલ રીક્ષામાં આવવાજવાનું ભાડું 60 રૂપિયા થતું હતું. પછી ઝેરોક્સનો ખર્ચ તો ઊભોને ઊભો. પછી ઓફિસમાં લાંબો સમય રાહ જોવી પડે છે એતો અલગ. મારે વેતનથી હાથ ધોવા પડશે. મારી પાસે મારા રહેઠાણનો કોઈ પુરાવો કે જાતિનું પ્રમાણપત્ર નથી. તેથી મેં ત્યાં જવાનું બંધ કરી દીધું.”
તેમના 14 વર્ષના બાળકો કરણ અને 11 વર્ષના સોહમ પૂણેના મુળશી તાલુકાના વડગાંવની રહેણાંક સરકારી શાળામાં અભ્યાસ કરે છે. કરણ નવમા ધોરણમાં અને સોહમ છઠ્ઠા ધોરણમાં ભણે છે. “અમારા બાળકો જ અમારી એકમાત્ર આશા છે. જો તેઓ સારી રીતે અભ્યાસ કરે, તો તેમણે આમતેમ રખડવું નહીં પડે.”
પારીના આ પત્રકારે પૂણે વિભાગના સામાજિક ન્યાય અને વિશેષ સહાય વિભાગના અધિકારી સાથે વાત કરી હતી કે જેમણે સામાજિક-આર્થિક રીતે નબળા જૂથો માટે વિવિધ આવાસ યોજનાઓ હેઠળ નાણાકીય સહાય મેળવી છે. અધિકારીએ કહ્યું, “પૂણેના બારામતી તાલુકાના પંડારે ગામમાં 2021-22 માં વી.જી.એન.ટી. [વિમુક્ત જાતિ સૂચિત જનજાતિઓ]ના 10 પરિવારોને 88.3 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા. તે સિવાય આ વર્ષે (2023) વિચરતી જનજાતિઓ માટે અન્ય કોઈ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી નથી.”
અલેગાંવ પાગા વસ્તીમાં, શાંતાબાઈ તેમના પૌત્રો માટે સુખી ભવિષ્યનું સપનું જોઈ રહ્યાં છે. તે કહે છે, “મને યકીન છે કે તેમનું ભવિષ્ય સારું હશે. અમે કોંક્રિટની દિવાલોવાળા ઘરમાં નથી રહ્યા. પણ મારા પૌત્રો ચોક્કસપણે પોતાનું ઘર બનાવશે. અને તેઓ ત્યાં સુરક્ષિત રહેશે.”
અનુવાદક: ફૈઝ મોહંમદ