દિલીપ કોળી માટે છેલ્લા કેટલાક વર્ષો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યા છે, જેમાં ચક્રવાત, માછલીઓની સંખ્યામાં ઘટાડો અને વેચાણમાં ઘટાડો સામેલ છે. જોકે, માર્ચ 2020માં શરૂ થયેલ લૉકડાઉન તેમના માટે સૌથી મુશ્કેલ તબક્કો સાબિત થયો હતો.
દક્ષિણ મુંબઈના કોલાબા વિસ્તારમાં આવેલ કોલીવાડાના રહેવાસી 50 વર્ષીય માછીમાર દિલીપ કહે છે, “ભૂતકાળમાં અમે જે મુશ્કેલીઓનો સામનો કર્યો હતો તે ગયા વર્ષની સરખામણીએ અડધી પણ નથી. ત્યાં લોકો માછલી પકડવાય તૈયાર હતા અને લોકો માછલી ખાવાય તૈયાર હતા, પરંતુ [સપ્ટેમ્બર 2020 સુધી, લૉકડાઉનને કારણે] માછલીઓનું વેચાણ નહોતું થઈ રહ્યું. બજારો બંધ હતા અને અમારે અમારી પકડેલી માછલીઓને પાછી દરિયામાં ફેંકી દેવી પડી હતી.”
દિલીપ લગભગ 35 વર્ષથી દક્ષિણ મુંબઈના સસ્સૂન ડૉક પર કામ કરી રહ્યા છે. તેમની પાસે ત્રણ હોડીઓ છે અને તેઓ 8-10 માછીમારોને રોજગારી પૂરી પાડે છે. તેઓ કહે છે, “લૉકડાઉન દરમિયાન અમે ગમે તેમ કરીને અમારા રેશનની વ્યવસ્થા તો કરી હતી, પરંતુ અન્ય ગરીબ કોળી માછીમારો પાસે ખોરાક કે પૈસા પણ નહોતા.”
માછીમારો સવારે 4 વાગ્યાની આસપાસ તેમનું કામ શરૂ કરે છે, ચોમાસાના મહિનાઓ દરમિયાન દરિયાકિનારાની આસપાસ 40-મિનિટના ઘણા ચક્કર લગાવે છે. જ્યારે ભરતી ઓછી થવા લાગે છે, ત્યારે તેઓ લગભગ એક કલાક આરામ કરે છે અને પછી સમુદ્રમાં પાછા આવી જાય છે. દિલીપ કહે છે, “અમે વહેલી સવારે માછીમારી શરૂ કરીએ છીએ અને બપોરે 2 કે 3 વાગ્યે સમાપ્ત કરીએ છીએ. અમને ચંદ્ર દ્વારા ભરતી વિશે જાણવા મળે છે. જ્યારે મોજાઓ ખૂબ નીચા અથવા ખૂબ ઊંચા હોય છે, ત્યારે અમે માછીમારી કરવા જતા નથી.”
તેમની હોડી પર કામ કરતા કેટલાક માછીમારો, જેઓ કોળી સમુદાયના છે, તેઓ રાયગઢ જિલ્લાના તાલા તાલુકામાં 1,040 (વસ્તી ગણતરી 2011 મુજબ) ની વસ્તી ધરાવતા ગામ ‘વાશી હવેલી’થી દક્ષિણ મુંબઈમાં સસ્સૂન ડૉક સુધી ટ્રેન અથવા ભાડાના વાહન દ્વારા લગભગ 150 કિમીની મુસાફરી કરે છે. તેઓ જૂનથી ઓગસ્ટ મહિના સુધી, ગણપતિ ઉત્સવ શરૂ થાય તે પહેલાં સુધી કામ કરે છે. બાકીના મહિનાઓમાં તેઓ મહારાષ્ટ્રના અન્ય દરિયાકાંઠાના ભાગોમાં — ખાસ કરીને રત્નાગિરી અને રાયગઢ જિલ્લાઓમાં — ફરતા રહે છે અને કોઈ બીજાની હોડી પર કામ કરીને દર મહિને 10,000-12,000 રૂપિયા કમાય છે.























