અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. માણસો આવે, જાય, રોકાય. બહારથી અને અંદરથી એ આકર્ષક, આધુનિક. રેલવે સ્ટેશનની પાછળ પગ મૂકો ને જૂનું અમદાવાદ (હંજર સિનેમાગૃહ, સરસપુર). ખાણીપીણીની સુગંધ. ખટખટ ને ખટપટ. વાહનોની ઝડપી-ધીમી અવરજવર. એક રોડ વળાંક લેતો. એક રોડ ત્રાંસો જતો. એક રોડ જમણે વળતો. એક રોડ ડાબે વળી પૂરો થતો. એક રોડ વળાંક લઈ સીધો થઈ આડા રોડમાં ભળી જતો.
આડા રોડની પડખે 'દાઉદી વોરાના રોઝા', આમ તો એ ચાલી. ચાલીમાં ઊબડખાબડ નાનકડો રસ્તો. ડાબે-જમણે છાપરાં, બેચાર પાકાં મકાનો - એકબે એક માળવાળાં, બધાં નાનાં. પચાસ ડગલાં ચાલો એટલે કાટખૂણિયો વળાંક. જમણે સાતેક છાપરાં. ડાબે ટ્રસ્ટની બે માળની કુત્બી બિલ્ડિંગ. બિલ્ડિંગમાં 24 ઘર. ઘરમાં 10 ચોરસફૂટનો એક રૂમ અને અડધા રૂમ જેવડું રસોડું. રૂમ-રસોડાવાળા ઘરમાં મહમદભાઈ એમનાં અમ્મી સાથે રહે. કુત્બી બિલ્ડિંગનાં 24 ઘર સહિત 110 ઘર 'દાઉદી વોરાના રોઝા'માં. વસ્તી મુસ્લિમોની, સિયા-સુન્ની બંનેની, મોટાભાગની કારીગરી પર જીવનારી.
43 વર્ષના અપરણિત મહમદભાઈ ચારણાના કારીગર. પૂરું નામ મહમદ ચારણાવાળા.
મહમદભાઈને ચારણા-મરમ્મતનું કામ શરૂ કરે લાંબો વખત નથી થયો. નિસાસા સાથે એમણે કહ્યું, 'અબ્બા ગુજર ગયે તબ ચાલુ કિયા, પાઁચ મહિને બાદ.' મહમદભાઈના અબ્બા મોઈજહુસૈનીભાઈ. વર્ષ 2023ના ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં 79 વર્ષની ઉંમરે ગુજરી ગયા. ચારણા-મરમ્મતનું કામ અબ્બાએ શિખવાડ્યું? પ્રશ્ન થયો મહમદભાઈએ કપાળ પરનો પરસેવો લૂછ્યો, ‘અબ્બા સે નહી સિખા થા. હો ગઈ હિંમત (તો) કર લિયા.' તરત બીજો પ્રશ્ન થયો કેવી રીતે શીખ્યા? કપાળ પરથી લૂછેલો પ્રશ્ન શર્ટ પર લૂછીને મહમદભાઈ બોલ્યા, ‘ઘર પે અબ્બા કરતે થે તો દેખતા થા. કભી હાથ મેં નહીં લેતા થા. દેખતા થા તો આ ગયા.'
મહમદભાઈને ચારણા-મરમ્મતની કારીગરી સરળતાથી આવડી ગઈ એવું નહોતું. હાથ પરના સુકાયેલા ચીરા પર અંગૂઠો ઘસીને મહમ્મ્દભાઈેએ જણાવ્યું, ‘શૂરૂ-શૂરૂ મેં એક નંગ બનાને મેં આધી કલાક લગતી થી મેરી. ફિર જૈસે-જૈસે હાથ બૈઠતા ગયા તો ફિર કામ ફાસ્ટ હો ગયા મેરા. એક મહિના તકલીફ પડી મેરે કો. અબ એક નંગ પાઁચ મિનટ મેં બન જાતા હૈ.'
અમદાવાદમાં અને ગુજરાતનાં બીજાં શહેરોમાં ચારણા-મરમ્મતનું કામ ઘણા કરે. ચોક્કસ આંકડો ઉપલબ્ધ નથી, પણ સંખ્યા ઘણી વધારે. ચારણા બનાવનારની દુકાને ચારણા - મરમ્મતનું પણ કામ થાય. પણ મહમદભાઈના કામની વિશેષતા અલગ. નાક પર વારેવારે બેસતી માખને એક થાપટથી દૂર કરી મહમદભાઈએ અવાજને દૃઢ કરયો, ‘દુકાનવાલેં ચાયણા બનાતે ભી હૈ ઔર રિપેરિંગ ભી કરતે હૈ. લેકિન લારી પે પેલે મેરે અબ્બા કરતે થે અબ મૈં કરતા હૂઁ, બાકી કોઈ નહીં, લગભગ કોઈ નહીં. મેરી નજર મેં તો કોઈ આયા નહીં હૈ ઔર સુના ભી નહીં હૈ કી કોઈ ઘૂમકે રિપેરિંગ કરતા હૈ લારી પે. શાયદ ગુજરાત મેં મૈં હી જો લારી લેકર ઘૂમતા હૂઁ બસ.'
મહમદભાઈનાં 76 વર્ષીય અમ્મી રૂકૈયા મોઈજ ચારણાવાળાએ મહમદભાઈની દૃઢતાને ટેકો આપ્યો, 'ઇસકે અબ્બા લારી લેકર ઘૂમતે થે તબ કોઈ નહીં જાતા થા, અકેલે હી ઘૂમતે થે.' લારી પર ચારણા-મરમ્મતનું કામ મહમદભાઈના અબ્બા મોઈજહુસૈનીએ શરૂ કર્યું. ક્યારે? રૂકૈયા મોઈજે હોઠ પર થોડીવાર આંગળી મૂકી પછી, ‘ઉનકે મામે કી દુકાન મેં કામ કરતે થે, ચાયને કી દુકાન મેં. ફિર ઉનકી નહીં બનતી હોગી તો છોડ દી હોગી (નૌકરી). ચવત્તર (1974) મેં યહાઁ (સરસપુર) આયેં, ઉસ વક્ત જમાના થા એક આને કા, ઉસકે બાદ લારી નિકાલતે થે.'
લાકડાનાં જાડાં-સાંકડાં પાટિયાંની લારી. લારી પર અલગ-અલગ સાઇઝની લોખંડના પાતળા તારની જાળી. થોડાં નવાં, થોડા જૂનાં ચારણા-ચારણી, છીણી, રિવેટ, પકડ, મોટી કાતર, હથોડી-હથોડો, રેલવેના પાટાનો ત્રણેક ફૂટ લાંબો ટુકડો આટલું મહમદભાઈની લારી પર હોય, લગભગ સો કિલોગ્રામ ઉપરનું વજન. લેઘો, ઝભ્ભો, ક્યારેક શર્ટ, ટીશર્ટ, પાટલૂન : બેત્રણ જોડ મહમદભાઈનો પહેરવેશ. પગમાં જૂના ચંપલ, પરસેવો લૂછવા ખભા પર રૂમાલ કે પૉંચિયું.
ક્યાં-ક્યાં ફરવાનું? રૂકૈયા મોઈજહુસૈનીએ દુપટ્ટાથી મોં સાફ કરીને જણાવ્યું, ‘વો (મોઈજહુસૈની) તો કહાઁ-કહાઁ જાતે થે. નદી પાર જાતે થે. સાબરમતી કે ઉસ પાર જાતે થે. રાત કો નૌ-દસ બજે આતે થે. શાદી કે બાદ ઇત્તે-ઇત્તે મેં ઘૂમતે થે.' ‘ઇત્તે-ઇત્તે મેં' એટલે કેટલું? મહમદભાઈએ જણાવ્યું, ‘રોજ સાડે છે બજે નિકલતા હૂઁ, આને કા ટાઇમ એક બજે કા. તીસ કિલોમીટર જૈસા ચલને કા, સમજ લેને કા. સરસપુર, બાપુનગર મેં જ્યાદા ઘૂમતા હૂઁ, અઠવાડિયે મેં દો-તીન દિન સમજ લેને કા. મેઘાણીનગર, અસારવા કભી-કભી જાતા હૂઁ, મહિને મેં એક રાઉન્ડ હો જાયે બસ.'
પિતાના પગલે-પગલે ચાલતા મોહમદભાઈની આ સ્પષ્ટતાથી એક પ્રશ્ન થયો, ‘બાકીના દિવસ તમે શું કરો?' ‘વાલોં (valves) કો કલર મારને કા કામ કરતા હૂઁ. સુબહ નૌ સે સાડે સાત કા ટાઇમ. અડધી કલાક ખાને કી રિસેસ. અભી ચારસો રુપયા રોજ દેતે હૈ.’ વાલ્વને કલર-કામ કરીને 400 ₹ કમાતા મોહમદભાઈચારણા-મરમ્મતમાં કેટલું કમાતા હશે? ‘કોઈ દિન દો સૌ લે આયે. કોઈ દિન પાઁચ સૌ ભી લેકે આયે. કોઈ દિન ન ભી લાયે. કોઈ નક્કી નહીં.' નક્કી નથી તો આખું અઠવાડિયું વાલ્વને કલર-કામ કેમ કરતા નથી? મોહમદભાઈનો જવાબ ભાવિ આશા અને થાકથી ભરેલો, ‘ધંધા હૈ યે તો, કભી આગે હો ભી જાયે. વો નૌકરી કેવાય, સુબહ સે રાત તક જાને કા.'
મોહમદભાઈની નોકરી બાળમજૂર તરીકે શરૂ થઈ : ‘મૈંને સાત ચોપડી તક કી. આઠવીં મેં દાખિલા લિયા. દો મહિને હુવે, ધમાલ ચાલુ કી ચાલુ રહતી થી. ફિર મેં ગયા હી નહીં. મૈંને ઉસી ટાઇમ સે નૌકરિયાઁ શૂરૂ કર દી થી. પ્રાયમસ કી દુકાન મેં સર્વિસ કરતા થા, (રોજ કે) પાઁચ રુપયેં મેં કરતા થા.' પછી મોહમદભાઈએ હેલ્પર તરીકે ‘કેરોસીન કી ચકલિયાઁ બનાઈ' ‘વેલ્ડિંગ કે રૉડ (rod) બનાયેં' ને એવાં ઘણાં કામ કર્યાં.
મોહમદભાઈનું છેલ્લું શીખેલું કામ ચારણા-મરમ્મતનું અને ચારણા બનાવવાનું. મોહમદભાઈ ચારણા બનાવે ખરા પણ ઓછા, મુખ્યકામ મરમ્મતનું. ચારણા બનાવવા માટે પહેલી પ્રક્રિયા બજારમાંથી પતરાની શીટ ખરીદવાની, પછી શીટને લંબાઈ-પહોળાઈમાં સાઇઝ પ્રમાણે કાપવાની, કાપેલી પટ્ટીને ગોળાઈમાં વાળવા માટે બજારમાં પ્રેસ પર લઈ જવાની, ઘરે આવીને વાળેલી પટ્ટી પર એક કડી સાથે બે રિવેટ ઠોકવાના, ફરી બજારમાં જઈ મશીન પર કોર-કંદોરો કરાવવાનો, ઘરે આવીને સાઇઝ પ્રમાણે ગોળાઈમાં વાળેલી પટ્ટી પર જાળી ચડાવવાની, જાળી પર પહોળાઈમાં નાની પટ્ટી ચડાવી એક રિવેટ ઠોકવાનો અને ત્યારે તૈયાર થાય ચારણો.
‘મકાઈ, પૌંઆ, ચનેં, સુપારી સબ મેં બડી જાલી આતી હૈ. બડી જાલી કો પાઁચ નંબર બોલતે હૈ. બાકી સબ રનિંગ આઇટમ : ઘેઉં, ચોખા, બાજરી મેં કામ આતી હૈ.' મોહમદભાઈ મોટો ચારણો બતાવીને આગળ જણાવ્યું, ‘બેચેંગે તો છેલ્લે સિત્તેર રૂપેં મેં જાતા હૈ. રિપેરિંગ મેં પૈંતીસ-ચાલીસ, ફિર જૈસી જાલી.'
ચારણાની ઓળખ બે રીતે : એક ચારણાની સાઇઝ પ્રમાણે, બીજી જાળીની સાઇઝ પ્રમાણે. ‘દસ, બારા, તેરા, પંદરા, સોલા કે ચાયણે આતે હૈ.' મોહમદભાઈએ આપેલા આંકડા ઇંચમાં ચારણાનું માપ. નાનામોટા ચારણામાં જાળીની સાઇઝ બદલાતી રહે અને સરખી પણ રહે. જાળી ‘તીસ મીટર આતી હૈ (રોલ મેં). રોલ ચાર હજાર કા આતા હૈ'. નાની સાઇઝની જાળીને સાવચેતીથી પકડીને મોહમદભાઈએ જાળી નાખવાના ભાવ વિશે કહ્યું, ‘દસ કે ચાલીસ રૂપેં રનિંગ આઇટમ. બારા કે કોઈ નક્કી નહીં સિત્તેર-અસ્સી, જૈસે ઘરાક, તેરા કે નબ્બે-સો રૂપેં ભી દેવે ઘરાક, બારા-તેરા મેં પાઁચ નંબર કી જાલી ડાલ દેતા હૂઁ અસ્સી રૂપેં.'
ઘરખર્ચ વિશે થોડા ઉદાસ ચહેરે, ‘ઘર મેં મહિને કા છે-સાત હજાર કા ખર્ચા હૈ, ખાલી હમ દોનોં (મા-દીકરો) હૈ ફિર ભી.' મહિનાની આવક કેટલી? ‘સાત-આઠ હજાર આ હી જાવે.' પછી હસીને ઉમેરણ કર્યું, ‘રવિવાર કો રજા. કઈં પર ભી નહીં જાને કા. અઠવાડિયે મેં એક દિન આરામ.'