સ્થળાંતર કરનારાઓ મુસાફરીને અંતે ‘સોનાનો ઘડો’ મળી જવાની અભિલાષા સેવે છે, જેનાથી તેમનું બધું દેવું ચુકતે થઈ જશે, બાળકો શાળામાં ભણી શકશે, અને તેમના પેટનો ખાડો પણ પૂરાશે. પરંતુ ઘણી વાર પરિસ્થિતિ બદથી બદતર થઈ જાય છે. આજીવિકા દ્વારા સંચાલિત રાજ્ય શ્રમ હેલ્પલાઇનને સ્થળાંતર કામદારો તરફથી દર મહિને 5,000 જેટલા ફોન આવે છે, જેમાં બાકી નીકળતી રકમની ચૂકવણી ન કરવા બદલ કાનૂની નિવારણની માંગ કરવામાં આવે છે.
કમલેશ કહે છે, “વેતન મજૂર માટે, કરાર ક્યારેય ઔપચારિક નથી હોતા, તે મૌખિક હોય છે. મજૂરો એક ઠેકેદાર પાસેથી બીજા ઠેકેદાર પાસે જતા હોય છે.” કમલેશનો અંદાજ છે કે માત્ર બાંસવાડા જિલ્લામાંથી બહાર સ્થળાંતર કરનારાઓએ લેવાનું થતું વેતન કરોડોમાં હશે, જેને [ઠેકેદારો દ્વારા] આપવામાં નથી આવ્યું.
તેઓ ઉમેરે છે, “તેમનો મુખ્ય ઠેકેદાર કોણ છે અને તેઓ તેઓ કોના માટે કામ કરી રહ્યા છે તે તેમને ક્યારેય જાણવા નથી મળતું, તેથી બાકી લેણાંનું નિવારણ એક નિરાશાજનક અને લાંબા ગાળાની પ્રક્રિયા થઈ પડે છે.” તેમના કામને કારણે સ્થળાંતર કરનારાઓનું કેવી રીતે શોષણ કરવામાં આવે છે, તેનાથી તેઓ નજીકથી વાકેફ છે.
20 જૂન, 2024ના રોજ 45 વર્ષીય ભીલ આદિવાસી રાજેશ દામોર, અને અન્ય બે કામદારો મદદ માંગવા માટે બાંસવાડામાં તેમના કાર્યાલયમાં આવ્યા હતા. રાજ્યમાં તાપમાન અત્યાર સુધીના સૌથી ઊંચા સ્તરે હતું, પરંતુ આ કામદારો તે કારણથી પરેશાન થઈને નહોતા આવ્યા. તેમણે ઠેકેદાર પાસેથી 2,26,000 રૂપિયા લેવાના થતા હતા, જેને આપવાથી તે ઇન્કાર કરતો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવવા માટે તેઓએ કુશલગઢ તાલુકામાં પાટણ પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે તેમને આજીવિકાના શ્રમિક સહાયતા એવં સંદર્ભ કેન્દ્રમાં મોકલ્યા હતા, જે આ વિસ્તારમાં સ્થળાંતર કરનારા મજૂરો માટેનું સંસાધન કેન્દ્ર છે.
એપ્રિલમાં, રાજેશ અને સુખવાડા પંચાયતના 55 કામદારો 600 કિલોમીટર દૂર ગુજરાતના મોરબી ગયા હતા. તેમને ત્યાં એક ટાઇલની ફેક્ટરીમાં બાંધકામ સ્થળ પર મજૂરીકામ અને ચણતરનું કામ કરવા માટે રાખવામાં આવ્યા હતા. 10 કુશળ કામદારોને 700 રૂપિયા દૈનિક વેતન અને બાકીનાને 400 રૂપિયા વેતનનું વચન આપવામાં આવ્યું હતું.
રાજેશ પારી સાથે ફોન પર વાત કરતાં કહે છે, એક મહિનો કામ કર્યા પછી, “અમે ઠેકેદારને અમારા લેણાં ચૂકવવા કહ્યું અને તે તારીખો પર તારીખો આપવા લાગ્યો.” વાટાઘાટોમાં મોખરે રહેલા રાજેશ પાંચ ભાષાઓ — ભિલી, વાગડી, મેવાડી, હિન્દી અને ગુજરાતી — બોલતા હતા તેનાથી મદદ મળી હતી. તેમની બાકી રકમનો વ્યવહાર કરતો ઠેકેદાર મધ્યપ્રદેશના ઝાબુઆનો હતો અને તે હિન્દી બોલતો હતો. ઘણી વાર મજૂરો ભાષાના અવરોધને કારણે મુખ્ય ઠેકેદાર સાથે વાતચીત કરવામાં અસમર્થ હોય છે, પરંતુ ઘણી વાર તે પાછળનું કારણ તેની નીચે કામ કરતા પેટા-ઠેકેદારોના પદાનુક્રમને ઓળંગવું અશક્ય હોવું પણ છે. કેટલીક વાર જ્યારે મજૂરો તેમનાં લેણાં માંગે છે, ત્યારે ઠેકેદારો તેમના પર શારીરિક યાતના ગુજારે છે.
56 કામદારોએ તેમની બાકી નીકળતી રકમની ચૂકવણી થાય તે માટે અઠવાડિયાઓ સુધી રાહ જોઈ. તેમના ઘરેથી આવેલો ખોરાક ખતમ થઈ રહ્યો હતો અને બજારમાંથી ખરીદી કરવાથી તેમની કમાણી ખતમ થઈ રહી હતી.