એક ઉજ્જડ ઉચ્ચપ્રદેશ પર સ્થિત દરગાહ માલગાંવના રહેવાસીઓ માટે ખૂબ ઉપયોગી રહી છે. મહારાષ્ટ્રના સાતારા જિલ્લામાં આવેલી આ દરગાહ સદીઓથી અહીં ઊભી છે અને હંમેશાં એક આશ્રયસ્થાનની માફક રહી છે.
શાળાના બાળકો દરગાહની સામે ઝુકેલા વૃક્ષ નીચે તેમનું ઘરકામ કરે છે. યુવાન પુરુષો અને સ્ત્રીઓ પ્રવેશદ્વાર પર સ્પર્ધાત્મક નાગરિક સેવાની પરીક્ષાઓની તૈયારી કરે છે – જે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં ધગધગતા ઉનાળા દરમિયાન ઠંડી હવા વહે છે; પોલીસકર્મી બનવાનું સપનું જોતા યુવાનો આસપાસની ખુલ્લી જગ્યામાં સખત ફિટનેસ તાલીમ સત્રોમાં વ્યસ્ત છે.
ગામમાં 15 એકરથી વધુ જમીન ધરાવતા 76 વર્ષીય ખેડૂત વિનાયક જાધવ કહે છે, “મારા દાદાના મોઢે પણ તેની [દરગાહની] વાર્તાઓ છે. કલ્પના કરો કે તે કેટલી જૂની હશે. હિંદુઓ અને મુસ્લિમોએ સાથે મળીને તેને જાળવી રાખી છે. તે હળીમળીને રહેવાની સંસ્કૃતિની પ્રતીક રહી છે.”
પણ સપ્ટેમ્બર 2023માં પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. આ લોકપ્રિય દરગાહને માલગાંવમાં એક નવો અર્થ આપવામાં આવ્યો — યુવાનોના એક નાના પરંતુ અતિસક્રિય એક જૂથે દાવો કર્યો કે તે અતિક્રમણ કરીને બનાવવામાં આવી હતી. તેમને હિંદુત્વ જૂથોના એક ગઠબંધન દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હતા.
માલગાંવના 20-25ની વય વચ્ચેના આ હિંદુ રહેવાસીઓએ જિલ્લા વહીવટીતંત્રને પત્ર લખીને “ગેરકાયદેસર અતિક્રમણ” ને દૂર કરવાની માંગ કરી હતી. તેમાંના કેટલાકે તેની બાજુમાં આવેલી પાણીની ટાંકીને પહેલેથી જ નષ્ટ કરી દીધી હતી. તેમના પત્રમાં લખવામાં આવ્યું છે કે, “મુસ્લિમ સમુદાય તેની આસપાસની જાહેર જમીન પર કબજો કરવા માંગે છે. આ દરગાહ ગ્રામ પંચાયતની ઈચ્છા વિરુદ્ધ બાંધવામાં આવી છે.”













