“મારા વિદ્યાર્થીઓ માટે બિનશરતી પ્રેમ અને તેઓ જેવા છે તેવા એમનો પૂર્ણ પણે સ્વીકાર. એક શિક્ષક તરીકે હું આ જ શીખ્યો છું!”
મેધા તેંગશે નરમાશથી પણ મક્કમતાપૂર્વક પોતાની વાત રજૂ કરે છે. એક વિશેષ શિક્ષક એવાં મેધા સાધના વિલેજનાં સ્થાપક સભ્યોમાંનાં એક છે, જ્યાં વિવિધ ઉંમર અને વિવિધ સ્તરની બૌદ્ધિક ક્ષમતાઓ ધરાવતા 30થી વધુ વિશેષ મિત્રોને કલા, સંગીત અને નૃત્યની સાથે સાથે મૂળભૂત જીવન કૌશલ્ય શીખવવામાં આવે છે.
સાધના વિલેજ પુણે જિલ્લાના મુલશી બ્લોકમાં આવેલું છે. બૌદ્ધિક અક્ષમતા ધરાવતા પુખ્ત વયના લોકો માટેની આ રહેણાંક સંસ્થામાં વિદ્યાર્થીઓને ‘ખાસ મિત્રો’ તરીકે ઓળખવામાં આવે છે. તાલીમબદ્ધ પત્રકાર મેધા તાઈ, 10 રહેવાસીઓ માટે ગૃહ માતા તરીકેની તેમની ભૂમિકાને વ્યાખ્યાયિત કરતાં કહે છે, “એક માતા, જે એક શિક્ષક પણ હોય.”
પૂણેમાં ધાઇરી સ્કૂલ ફોર ધ હિયરિંગ ઇમ્પેઅર્ડના વિશેષ શિક્ષક સત્યભામા અલ્લાટ આ લાગણી સાથે સહમત થાય છે. તેઓ કેટલીક છોકરીઓને નાગ પંચમી પર રમાતી પરંપરાગત ફુગડીની રમત શીખવતાં પારીને કહે છે, “અમારા જેવી રહેણાંક શાળામાં એક શિક્ષક પણ માતાપિતાની ગરજ સારે છે અને અમે નથી ઇચ્છતા કે અમારાં બાળકો ઘરની યાદ સતાવે.” નાગ પંચમી શ્રાવણના પાંચમા દિવસે ઉજવવામાં આવતો તહેવાર છે. ધાઇરી એક પ્રાથમિક શાળા છે, જેમાં 40 નિવાસી વિદ્યાર્થીઓ અને 12 ડે સ્કોલર્સ રહે છે, જેઓ મહારાષ્ટ્ર, કર્ણાટક, દિલ્હી, પશ્ચિમ બંગાળ અને રાજસ્થાનના ભાગો સહિત અન્ય સ્થળોએથી આવે છે.
































