રાજસ્થાનના સીકર જિલ્લાના દંતા રામગઢના કઠપૂતળી કલાકાર પૂરન ભાટ કહે છે, “મોબાઇલ, ટીવી, વિડિઓ ગેમ્સ આવી ગયાં છે અને કઠપૂતળી અને વાર્તા કહેવાની ઐતિહાસિક પરંપરા લુપ્ત થઈ રહી છે.” 30 વર્ષીય પૂરન તે સમયને યાદ કરે છે જ્યારે તેઓ પોતાની કઠપૂતળીઓ બનાવતા હતા અને બાળકોની પાર્ટીઓ, લગ્ન પ્રસંગો અને સરકારી કાર્યક્રમોમાં નાટક ભજવતા હતા.
તેઓ કહે છે, “આજે લોકોને વિવિધ પ્રવૃત્તિઓ જોઈએ છે. પહેલા મહિલાઓ ઢોલકની તાલ પર ગાતી હતી પરંતુ હવે લોકોને હાર્મોનિયમ પર પણ ફિલ્મી ગીતો જોઈએ છે. જો અમને આશ્રય મળશે, તો અમે અમારા પૂર્વજોએ અમને જે શીખવ્યું છે તેને આગળ ધપાવી શકીશું.”
ભાટ આ વર્ષે ઑગસ્ટ (2023) માં જયપુરના ત્રણ દાયકા જૂના બહુકલા કેન્દ્ર જવાહર કલા કેન્દ્રમાં હતા. આ રાજ્ય દ્વારા પ્રાયોજિત મહોત્સવ માટે રાજસ્થાનભરના લોક કલાકારોના ઘણા જૂથો એકઠા થયા હતા, જ્યાં રાજ્ય સરકારે તેમની કળા અને આજીવિકાને જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહેલા કલાકારો માટે એક નવી યોજનાની જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી લોક કલાકાર પ્રોત્સાહન યોજના તરીકે ઓળખાતી, તે યોજના દરેક લોક કલાકાર પરિવાર માટે તેમના રહેઠાણે જ 500 રૂપિયા પ્રતિ દિવસ લેખે 100 દિવસના વાર્ષિક કામની બાંયધરી આપે છે. રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંયધરી કાયદો 2005, જે ગ્રામીણ પરિવારોને 100 દિવસની રોજગારી સુનિશ્ચિત કરે છે, તેમાં સૌપ્રથમ આ પ્રકારની બાંયધરી આપવામાં આવી હતી.
સપ્ટેમ્બર 2023માં કારીગરો અને શિલ્પકારો માટે કેન્દ્ર સરકારની વિશ્વકર્મા યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ આ યોજના − કલાકાર યોજના − કાલબેલિયા, તેરા તાલી, બહુરૂપિયા અને અન્ય ઘણા કલા સમુદાયો માટે પહેલવહેલી યોજના છે. કાર્યકર્તાઓનો અંદાજ છે કે રાજસ્થાનમાં લગભગ 1 થી 2 લાખ લોક કલાકારો છે અને કોઈએ ક્યારેય તેમની આધિકારીક ગણતરી નથી કરી. આ યોજના ગિગ કામદારો (પરિવહન અને વિતરણ) અને શેરી વિક્રેતાઓને સામાજિક સુરક્ષાના દાયરામાં પણ આવરી લેશે.










