લેનિન્દાસન ચોખાની 30 જાતો ઉગાડે છે. તેઓ સાથી ખેડૂતોએ ઉગાડેલી બીજી 15 જાતો વેચે છે. અને 80 પ્રકારના ડાંગરના બીજનું જતન કરે છે. આ બધું જ તેઓ કરે છે તમિળનાડુના તિરુવન્નામલઈ જિલ્લામાં આવેલા તેમના પરિવારના છ એકરના ખેતરમાં.
માત્ર આ આંકડાઓ જ અસાધારણ છે એવું નથી. લાંબા સમયથી ઉપેક્ષિત આ પરંપરાગત પ્રકારના ચોખા તેમના પ્રદેશની નાની-નાની અને સીમાંત ખેતીની જમીનો માટે વધુ અનુકૂળ છે. લેનિન - ગામ લોકો તેમને એ રીતે ઓળખે છે - અને તેમના મિત્રો ચોખાની આધુનિક જાતોને બદલવાનો અને મોનો-ક્રોપિંગ (વર્ષોવર્ષ એની એ જમીન પર એક જ પાક ઉગાડવા) થી દૂર રહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમની નેમ ખોવાયેલી વિવિધતાને પુનઃસ્થાપિત કરવાની અને ચોખાની ક્રાંતિ શરૂ કરવાની છે.
આ એક અલગ પ્રકારની ક્રાંતિ છે, જેનું નેતૃત્વ એક અલગ પ્રકારના લેનિન કરે છે.
પોલુર તાલુકાના સેંગુનમ ગામમાં પોતાના ખેતરોની બાજુમાં આવેલ ગોદામ જ્યાં તેઓ સેંકડો બોરીઓ ભરીને ચોખાનો સંગ્રહ કરે છે તે ગોદામ એક બકરી બાંધવાનો વાડામાં સુધારા-વધારા કરીને બનાવેલ છે.
બહારથી જોતા આ નાની ઇમારતમાં ખાસ કંઈ ધ્યાન ખેંચે એવું લાગતું નથી. અંદર પગ મૂકતાંની સાથે એ છાપ ઝડપભેર બદલાઈ જાય છે. ચોખાની બોરીઓને સોય વડે વીંધીને તેમાંથી અનાજ કાઢતા લેનિન કહે છે, “આ કરપ્પ કવની, પેલા સીરગ સંબા." તેઓ આ બે પરંપરાગત જાતોના ચોખા પોતાની હથેળીમાં લે છે. પહેલી જાતના ચોખાના દાણા કાળા અને ચળકતા છે, બીજી જાતના પાતળા અને સુગંધિત છે. એક ખૂણેથી તેઓ લોખંડના જૂના માપિયાં લાવે છે: પડી, મારક્કા, જેમાં ડાંગરની વિવિધ માત્રા સમાઈ શકે છે.
આ વાડામાંથી જ લેનિન - ખૂબ ઓછા અવાજ સાથે અને કોઈ જ જાતની ધાંધલ-ધમાલ વિના - ચોખાનું વજન કરે છે અને તેને પેક કરીને છેક બેંગલુરુ સુધી, નાગરકોઈલ સુધી મોકલે છે. તેઓ દાયકાઓથી ખેતી કરી રહ્યા હોય અને ડાંગર વેચી રહ્યા હોય એવું લાગે છે. પરંતુ હકીકતમાં એ વાતને માત્ર છ જ વર્ષ થયા છે.







































