“મને નથી લાગતું કે હું ચિત્રકાર છું. મારામાં ચિત્રકારના ગુણો નથી. પણ મારી પાસે વાર્તાઓ છે. હું મારી પીંછીથી વાર્તાઓ લખવાનો પ્રયત્ન કરું છું. હું એવો દાવો નથી કરતી કે મારા બધા જ લસરકા કોઈ ભૂલ વિનાના છે. છેલ્લા બે-ત્રણ વર્ષથી જ હું ઘણા ચિત્રકારોના કામનો અભ્યાસ કરવાનો અને તેને સમજવાનો પ્રયત્ન કરી રહી છું. એ પહેલા મને ચિત્રકળાનું કોઈ જ્ઞાન ન હતું. હું વાર્તા કહેવા માટે ચિત્રો દોરતી હતી. જ્યારે હું વાર્તા વ્યક્ત કરી શકું છું ત્યારે મને આનંદ થાય છે. હું જાણે કોઈ વાર્તા લખતી ન હોઉં એ રીતે હું ચિત્રો દોરું છું.”
લબાની પશ્ચિમ બંગાળના ખૂબ જ ગ્રામીણ નાદિયા જિલ્લાના ધુબુલિયાના એક કલાકાર, ચિત્રકાર છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આ ગામમાં એરફિલ્ડ સાથેની લશ્કરી છાવણી નાખવામાં આવી હતી. જ્યારે અંગ્રેજોએ અહીં તે છાવણી નાખી ત્યારે મોટાભાગે મુસ્લિમ વસ્તી ધરાવતા આ ગામે તેની ખેતીની ઘણી જમીન ગુમાવી દીધી હતી. પાછળથી જ્યારે વિભાજન થયું ત્યારે ગામમાંથી ઘણા લોકો સરહદની બીજી તરફ ગયા. લબાની કહે છે, “પણ અમે ન ગયા, કારણ કે અમારા વડીલો જવા માગતા નહોતા. અમારા પૂર્વજો આ ભૂમિમાં દફન થયેલા છે. અમે આ જ ભૂમિ પર જીવવા અને મરવા માંગીએ છીએ." આ ભૂમિ સાથેનું એ જોડાણ અને તેના નામે જે કંઈ થાય છે તેણે આ કલાકારની સંવેદનશીલતાને નાનપણથી જ આકાર આપ્યો છે.
લબાનીને તેમના પિતા તરફથી ચિત્રકળા માટે પ્રોત્સાહન મળ્યું હતું, તેઓ તેમને બાળપણમાં થોડા વર્ષો માટે એક શિક્ષક પાસે લઈ ગયા હતા. તેમના પરિવારમાં તેમના પિતા ઔપચારિક શિક્ષણ લેનાર પેઢીમાં સૌથી પહેલા છે. તેમના 10 ભાઈ-બહેનોમાંથી તેઓ એકલા જ ભણ્યા છે. તેઓ પાયાના સ્તરે કામ કરતા વકીલ છે, તેમણે ખેડૂતો અને મજૂરો માટે સહકારી સંસ્થાઓ શરૂ કરી હતી પરંતુ ખાસ કમાણી કરી નહોતી. લબાની કહે છે, “તેમને જે પૈસા મળે તેમાંથી તેઓ મારે માટે પુસ્તક ખરીદતા. મોસ્કો પ્રેસ, રદુગા પબ્લિશર્સના બાળકો માટેના ઘણા પુસ્તકો આવતા, જે તેમના બાંગ્લા અનુવાદ દ્વારા અમારા ઘરમાં આવતા. મને આ પુસ્તકોમાંના ચિત્રો ખૂબ ગમતા. ચિત્રાંકનની સૌથી પહેલી પ્રેરણા મને ત્યાંથી જ મળી.”
ચિત્રકળાની તેમના પિતાએ શરૂ કરાવેલી એ નાનપણની તાલીમ લાંબો સમય ન ચાલી. પરંતુ 2016માં જ્યારે ભાષાએ લબાનીનો સાથ આપવાનું છોડવા માંડ્યું ત્યારે ચિત્રકળા પ્રત્યેનો તેમનો પ્રેમ ફરીથી પાંગર્યો. રાજ્યની ઉદાસીનતા, લઘુમતીઓ પર ઇરાદાપૂર્વકના અત્યાચાર અને આવા દ્વેષપૂર્ણ અપરાધોની ઘટનાઓ બની હોવાના મોટાભાગની પ્રજાના ઇનકારને કારણે દેશમાં મોબ લિંચિંગની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો હતો. તે વખતે કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાંથી એમ.ફિલ. નો અભ્યાસ પૂરો કરી રહેલ લબાની આ દેશની આ વાસ્તવિકતાઓથી ખૂબ જ પરેશાન હતા, છતાં તેના વિશે લખી શકતા નહોતા.
તેઓ કહે છે, "હું માનસિક રીતે ખૂબ અસ્વસ્થ હતી. પહેલા મને લખવાનું ગમતું હતું, અને મેં બાંગ્લા ભાષામાં થોડા લેખો લખ્યા હતા અને પ્રકાશિત કર્યા હતા. પરંતુ અચાનક મને ભાષા સાવ અપૂરતી લાગવા માંડી. ત્યારે હું દરેક વસ્તુથી દૂર ભાગવા માગતી હતી. તે વખતે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું. મને જે કોઈ નાનોસરખો કાગળનો ટુકડો મળે તેના પર વોટર કલરથી હું સમુદ્રને તેના તમામ મિજાજમાં દોરતી રહી. તે સમયે [2016-17] મેં એક પછી એક સમુદ્રના ઘણા ચિત્રો દોર્યાં. ચિત્ર દોરવા એ મારે માટે અન્યથા અશાંત દુનિયામાં શાંતિ શોધવાની મારી રીત હતી."
લબાની આજ સુધી એક સ્વ-શિક્ષિત કલાકાર રહ્યા છે.




























