લાડ્ હાઈકો એ પહેલી નજરે કદાચ એક સાવ સરળ વાનગી લાગે છે કારણ કે એ બનાવવા માટે માત્ર બે જ ઘટકોની જરૂર હોય છે - બુલ્લું (મીઠું) અને સાસંગ (હળદર)]. પરંતુ આ રસોઈયા કહે છે કે ખરો પડકાર એને રાંધવાની પ્રક્રિયામાં છે
આ રસોઈયાનું નામ બિરસા હેમ્બ્રોમ છે, તેઓ ઝારખંડના હો આદિવાસી છે. તેઓ કહે છે કે લાડ્ હાઈકો વિના - માછલીની એ પરંપરાગત વાનગી બનાવ્યા વિના - ચોમાસાની ઋતુ અધૂરી ગણાય, એ બનાવવાની રીત તેઓ તેમના મુદઈ (માતાપિતા) પાસેથી શીખ્યા હતા.
71 વર્ષના આ માછીમાર અને ખેડૂત ખોટફાની (ખુંટપાની) બ્લોકના જંકોસસન ગામમાં રહે છે અને માત્ર હો ભાષા બોલે છે. હો એ આ સમુદાયના લોકો દ્વારા બોલાતી એક ઓસ્ટ્રોએશિયાટિક આદિવાસી ભાષા છે. ઝારખંડમાં 2013 માં છેલ્લી વસ્તી ગણતરીમાં આ સમુદાયની વસ્તી માત્ર નવ લાખ જેટલા લોકોની નોંધાઈ હતી; ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ થોડી સંખ્યામાં હો લોકો રહે છે ( ભારતમાં અનુસૂચિત જનજાતિની આંકડાકીય રૂપરેખા , 2013 ( સ્ટેટિસ્ટિકલ પ્રોફાઈલ ઓફ શિડ્યૂલ્ડ ટ્રાઈબ ઈન ઈન્ડિયા , 2013).
સૌથી પહેલા ચોમાસા દરમિયાન બિરસા પાણી ભરાયેલું હોય એવા નજીકના ખેતરોમાંથી તાજી હાડ્ હાઈકો (પૂલ બાર્બ), ઇચે હાઈકો (ઝીંગા), બુમ બુઇ, ડાંડીકે અને દૂડી માછલીઓ પકડે છે અને તેમને કાળજીપૂર્વક સાફ કરે છે. તે પછી તેઓ આ માછલીઓને તાજા ચૂંટેલા કાકારુ પત્તા (કોળાના પાન) પર મૂકે છે. વાનગીમાં સપ્રમાણ મીઠું અને હળદર ઉમેરવાનું ખૂબ અગત્યનું છે, હેમ્બ્રોમ કહે છે, “વધારે પડે તો વાનગી ખારી થઈ જાય અને બહુ ઓછું પડે તો વાનગી ફિક્કી રહે. સ્વાદ સારો આવે એ માટે પ્રમાણ એકદમ બરોબર હોવું જોઈએ!"
માછલી બળી ન જાય એ સુનિશ્ચિત કરવા માટે તેઓ કોળાના પાતળા પાન ઉપર સાલના જાડા પાનનું વધારાનું પડ લપેટી દે છે. તેઓ ઉમેરે છે કે સાલના આ જાડા પાન કોળાના પાતળા પાનનું અને કાચી માછલીનું રક્ષણ કરે છે. માછલી તૈયાર થઈ જાય ત્યારે તેઓ તેને કોળાના પાનની સાથે જ ખાવાનું પસંદ કરે છે. તેઓ સમજાવે છે, "સામાન્ય રીતે હું માછલીને ઢાંકવા માટે ઉપયોગમાં લેવાતા પાન ફેંકી દઉં છું, પરંતુ આ કોળાના પાન છે, તેથી હું એ ખાઈ જઈશ. જો તમે બરોબર રીતે રાંધો તો એ પાનનો સ્વાદ પણ સારો લાગે છે."
આ વીડિયો માટે હોમાંથી હિન્દીમાં અનુવાદ કરવા બદલ પારી અરમાન જમુદાનો આભાર માને છે.
પારીના એન્ડેન્જર્ડ લેંગવેજિસ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતની લુપ્તપ્રાય ભાષાઓ બોલતા સામાન્ય લોકોના અવાજો અને તેઓ જે અનુભવોમાંથી પસાર થયા છે એના દ્વારા એ ભાષાઓનું દસ્તાવેજીકરણ કરવાનો છે.
મધ્ય અને પૂર્વ ભારતના આદિવાસીઓ દ્વારા બોલાતી ઓસ્ટ્રોએશિયાટિક ભાષાઓની મુંડા શાખામાં હો ભાષાનો સમાવેશ છે. યુનેસ્કોનો ભાષાઓનો એટલસે હોને ભારતની સંભવત: લુપ્તપ્રાય ભાષાઓમાંની એક ભાષા તરીકે સૂચિબદ્ધ કરી છે.
આ દસ્તાવેજીકરણ ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમ જિલ્લામાં બોલાતી ભાષાનું છે.
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક