જ્યારે મધ્ય પ્રદેશના વન વિભાગ દ્વારા સહરિયા આદિવાસી ગુટ્ટી સમાન્યાને ‘ચિત્તા મિત્ર’ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે “જો તમે ચિત્તાને જુઓ, એટલે ફોરેસ્ટ રેન્જરને જાણ કરજો.”
આ માટે કોઈ વળતર તો નહોતું મળવાનું, તેમ છતાં આ એક મહત્વપૂર્ણ કામ લાગતું હતું. અને આવું કેમ ન હોય, છેવટે 8,000 કિલોમીટર કરતાંય વધુ છેટેથી, સમુદ્ર અને જમીન વાટે, માલવાહક અને લશ્કરી વિમાનો અને હેલિકોપ્ટરમાં ફરી ફરીને આફ્રિકન ચિત્તા કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં આવી રહ્યા હતા. કેન્દ્ર સરકાર તેમની મુસાફરી પાછળ વિદેશી હૂંડિયામણની કોણ જાણે કેટલી રકમ ખર્ચી રહી હતી અને તેમના રોકાણ અને તેમના સંરક્ષણ માટે સરકારી તિજોરી ખાલી કરી રહ્યું હતું.
ચિત્તા મિત્રો તેમને શિકારીઓથી સુરક્ષિત રાખશે, અને ગુસ્સે થયેલા ગ્રામજનોથી પણ બચાવશે, જેમના રહેણાંક વિસ્તારમાં તેઓ ફરી શકે છે. આ માટે, કુનો-પાલપુર રાષ્ટ્રીય ઉદ્યાન (કે.એન.પી.)ની સરહદે આવેલા નાના નેસ અને ગામડાઓમાં ફેલાયેલા તમામ વનવાસીઓ, ખેડૂતો અને દૈનિક મજૂરો મળીને લગભગ 400-500 ચિત્તા મિત્રો, દેશ સેવા માટે તૈયાર થયા.
પરંતુ ચિત્તા આવ્યા ત્યારથી, તેઓએ મોટાભાગનો સમય પાંજરામાં જ પસાર કર્યો છે, અને કુનોના જંગલોમાં વાડ લગાવી દેવામાં આવી છે, એ માટે કે ચિત્તા તેની અંદર જ રહે અને એ માટે પણ કે અન્ય લોકો તે વાડની બહાર જ રહે. ચિત્તા મિત્ર બનવા માટે નોંધણી કરાવનાર શ્રીનિવાસ આદિવાસી કહે છે, “અમને અંદર જવાની મંજૂરી નથી. સેસાઈપુરા અને બાગચા ખાતે નવા દરવાજા લગાવી દેવામાં આવ્યા છે.”
ગુટ્ટી અને અન્ય હજારો સહરિયા આદિવાસીઓ અને દલિતો એક સમયે કુનોના જંગલોમાં ચિત્તા અને અન્ય જંગલી પ્રાણીઓના સહવાસમાં રહેતા હતા. જૂન 2023માં, તેઓ ઉદ્યાનના બાગચા ગામના છેલ્લા રહેવાસીઓમાંના એક હતા, જેમને બહુ ચર્ચિત ચિત્તા પ્રોજેક્ટ માટે ત્યાંથી 40 કિલોમીટર દૂર ખસેડવામાં આવ્યા હતા. હવે, ચિત્તાઓના રહેવાસ માટે પોતાનું ઘર ગુમાવ્યાના આઠ મહિના પછી, તેમને જંગલમાં જવાની પરવાનગી શા માટે નથી તેનાથી તેઓ સહેજ ખીજાયેલા છે. તેઓ પૂછે છે, “જો હું જંગલથી આટલો દૂર રહીશ, તો હું ચિત્તા મિત્ર કેવી રીતે બની શકીશ?”
કોઈ પણ આદિવાસી માટે ચિત્તાની આસપાસની ચુસ્ત સુરક્ષા અને ગુપ્તતાને ધ્યાનમાં રાખતાં, ચિત્તાને જોવો પણ અશક્ય થઈ પડ્યું છે. ગુટ્ટી અને શ્રીનિવાસ બન્ને કહે છેઃ “અમે ચિત્તાને ફક્ત એક વીડિયોમાં જ જોયો છે,” જે વન વિભાગ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો.
ફેબ્રુઆરી 2024માં સપ્ટેમ્બર 2022માં આઠ ચિત્તાઓની પ્રથમ બેચ ઉતર્યાના 16 મહિના પૂરા થાય છે, ત્યારબાદ 2023માં 12 ચિત્તાઓની બીજી બેચ આવી હતી; આયાત કરેલા ચિત્તાઓમાંથી સાત મૃત્યુ પામ્યા છે, તેમજ અહીં આવીને ભારતની ભૂમિ પર જન્મ પામેલા 10 ચિત્તામાંથી ત્રણ મૃત્યુ પામ્યા છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 10 છે.
પણ ચિત્તાને ભારતમાં લાવવા માટેનો એક્શન પ્લાન કહે છે કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે પ્રોજેક્ટની સફળતા માટેના માપદંડમાં 50 ટકા ચિત્તાઓ પણ ટકી રહેશે તો તે સફળ મિશન ગણાશે. પણ આ ગણતરી મુક્ત રીતે હરતાફરતા ચિત્તાઓ માટે છે, જ્યારે કુનોના ચિત્તાઓને તો 50*50 મીટર થી 0.5*1.5 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં કેદ કરવામાં આવ્યા છે, જેથી તેઓ રોગના ચેપથી બચી શકે, અનુકૂલન કરી શકે, કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યામાંથી સાજા થઈ શકે અને સંભવતઃ શિકાર કરી શકે − આ તમામ પાછળ અંદાજે 15 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. ચિત્તાઓ જંગલમાં મુક્તપણે હરેફરે એ આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ હોવા છતાં તેઓએ જંગલમાં રહેવા, સંવર્ધન કરવા અને શિકાર કરવામાં વધુ સમય પસાર કર્યો નથી.
તેના બદલે, ચિત્તા હાલમાં શિબિરોમાં શિકાર કરી રહ્યા છે. જો કે ડૉ. એડ્રિયન ટોર્ડિફ કહે છે, “તેઓ તેમની સીમા આંકી શકતા નથી અને સંવર્ધન શરૂ કરી શકતા નથી. દક્ષિણ આફ્રિકા આવેલા એકેય માદા ચિત્તાને નર સાથે હળવાભળવા માટે પૂરતો સમય મળ્યો નથી. કુનોમાં જન્મેલા સાત બચ્ચાંમાંથી છનો પિતા એક જ છે − પવન.” ડૉ. એડ્રિયન ટોર્ડિફ દક્ષિણ આફ્રિકાના એક પશુચિકિત્સક છે, જેઓ પ્રોજેક્ટ ચિત્તાના મુખ્ય સભ્ય હતા. પણ તેઓ કહે છે કે તેઓ મુક્તપણે બોલવા લાગ્યા એટલે તેમને બાજુએ કરી દેવામાં આવ્યા હતા અને આખરે તેમને આમાંથી દૂર કરી દેવામાં આવ્યા હતા.
કુનો, જે એક સમયે 350 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું એક નાનું અભયારણ્ય હતું, તેને રાષ્ટ્રીય ઉદ્યાન બનાવવા માટે તેના કદમાં બમણો વધારો કરવામાં આવ્યો હતો કે જેથી જંગલી પ્રાણીઓ ખુલ્લામાં શિકાર કરી શકે. 1999થી અત્યાર સુધી, 16,000થી વધુ આદિવાસી અને દલિતોને ચિત્તાઓ માટે વસવાટ બનાવવા માટે હાંકી અહીંથી કાઢવામાં આવ્યા છે.
બાગચાના સહરિયા આદિવાસી મંગીલાલ આદિવાસી કહે છે, “હમ બહાર હૈ. ચિત્તા અંદર [અમે બહાર છીએ. ચિત્તા અંદર છે]!” 31 વર્ષીય મંગીલાલ થોડા સમય પહેલાં જ વિસ્થાપિત થાય છે, અને તેઓ શ્યોપુર તાલુકાના ચકબામુલ્યા ખાતે તેમને મળેલા નવા ખેતરો અને ઘરનું યોગ્ય રીતે સંચાલન કરવા માટે મથામણ કરી રહ્યા છે.
ગુટ્ટી, શ્રીનિવાસ અને મંગીલાલ સહરિયા આદિવાસીઓ છે, જેઓ મધ્યપ્રદેશમાં ખાસ કરીને નબળા આદિવાસી જૂથ (પી.વી.ટી.જી.) તરીકે સ્થાન ધરાવે છે અને રાળ, બળતણનાં લાકડાં, ફળો, કંદમૂળ અને જડીબુટ્ટીઓમાંથી થતી આવક માટે જંગલ પર ખૂબ નિર્ભર છે.
મંગીલાલ કહે છે, “બાગચામાં [જ્યાંથી તેઓ વિસ્થાપિત થયા હતા] જંગલ સુધી અમારી પહોંચ હતી. હું મારા 1,500થી વધુ ચીર ગોંડ [રાળ]ના વૃક્ષો પાછળ છોડીને આવ્યો છું, જેના પર મારા પરિવારનો પેઢીઓથી અધિકાર રહ્યો છે.” વાંચોઃ કુનોમાં: ચિત્તા અંદર, આદિવાસીઓ બહાર . હવે તેઓ અને તેમની વસ્તી તેમના વૃક્ષોથી 30-35 કિમી દૂર છે; તેઓ તેમના જંગલમાં પ્રવેશી પણ શકતા નથી, કારણ કે તેની ફરતે વાડ લગાડી દેવામાં આવી છે.
મંગીલાલ કહે છે, “અમને કહેવામાં આવ્યું હતું કે અમને [અહીંથી વિસ્થાપન પેટભ] 15 લાખ રૂપિયા મળશે, પરંતુ અમને ઘર બનાવવા માટે માત્ર ત્રણ લાખ રૂપિયા, ખોરાક ખરીદવા માટે 75,000 અને બીજ અને ખાતર માટે 20,000 રૂપિયા જ મળ્યા છે.” વન વિભાગ દ્વારા રચાયેલી વિસ્થાપન સમિતિ દ્વારા તેમને કહેવામાં આવ્યું હતું કે બાકીની રકમ − 12 લાખ રૂપિયા − નવ વીઘા (આશરે ત્રણ એકર) જમીન, વીજળી, રસ્તાઓ, પાણી અને સ્વચ્છતા સુવિધા ઊભી કરવામાં ગયા છે.
બલ્લૂ આદિવાસી નવા સ્થાપિત બાગચા ગામના પટેલ (વડા) છે − વિસ્થાપિત લોકો ઇચ્છે છે કે આ જૂનું નામ ચાલુ રહે. શિયાળાની સાંજના ઝાંખા પડતા પ્રકાશમાં તેઓ બાંધકામના કાટમાળ, કાળા તાડપત્રીના તંબુઓ અને ઠંડા પવનમાં લહેરાતા પ્લાસ્ટિકના ટુકડાઓ તરફ નજર કરી રહ્યા છે. અર્ધા તૈયાર કરેલા ઈંટો અને સિમેન્ટના મકાનો દૂર સુધી ફેલાયેલા છે, જે શ્યોપુર શહેરમાં વ્યસ્ત ધોરીમાર્ગની સાથે સાથે ચાલે છે. તેઓ કહે છે, “અમારી પાસે અમારા ઘરોને પૂર્ણ કરવા અથવા નહેરો અને ઢોળાવ સુધી અમારા ખેતરોની પહોંચ ઊભી કરવા માટે પૈસા નથી.”
બલ્લૂ કહે છે, “તમે જે જુઓ છો તે અમે વાવેલો પાક નથી. અમારે અહીંની આસપાસના લોકોને બટાઈ પર [ભાડાપટ્ટે] જમીન આપવી પડી હતી. તેઓએ અમને આપેલા નાણાંથી અમે પાક રોપી શકીએ તેમ નહોતું.” બલ્લૂ એ પણ નિર્દેશ કરે છે કે તેમને મળેલી જમીન યજમાન ગામની ઉચ્ચ જાતિના લોકોની સારી રીતે ખેડેલી અને સપાટ જમીનની તુલનામાં આવે તેમ નથી.
જ્યારે પારીએ 2022માં બલ્લૂનો ઇન્ટરવ્યુ લીધો હતો ત્યારે તેમણે ધ્યાન દોર્યું હતું કે વિસ્થાપિત થયેલા અન્ય લોકો હજુ પણ રાજ્ય દ્વારા 20 વર્ષ પહેલાં કરવામાં આવેલા વચનો પૂરા થવાની રાહ જોઈ રહ્યા હતાઃ “અમે તે પરિસ્થિતિમાં ફસાવા માંગતા નથી”, વિસ્થાપનની સમસ્યા સામે ઝઝૂમતી વખતે તેમણે કહ્યું હતું. આ પણ વાંચોઃ ઈન કુનો નોવન ગેટ્સ ધ લાયન્સ શેર
પરંતુ તેઓ અને અન્ય લોકો બરોબર તે જ પરિસ્થિતિમાં ફસાયા છે.
પોતે ચિત્તા મિત્ર હોવા છતાં ગુટ્ટી સમાન્યા કહે છે, “જ્યારે તેઓ ઇચ્છતા હતા કે અમે કુનો છોડી જઈએ, ત્યારે ફટા ફટ અમારી માંગણીઓ સ્વીકારી લેતા હતા. હવે જો અમે તેમને કંઈ કહીએ છીએ, તો તેઓ વળીને સામે જોતા નથી.”
*****
ત્યાં વસવાટ કરી રહેલા છેલ્લા આદિવાસીઓના ગમન સાથે, 748 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન હવે માત્ર ચિત્તાઓ માટે છે − આ એક દુર્લભ વિશેષાધિકાર છે જેને જોઈને ભારતીય સંરક્ષણવાદીઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. તેઓ કહે છે કે ભારતના વાઇલ્ડલાઇફ એક્શન પ્લાન 2017-2031માં “ગંભીર રીતે જોખમમાં... અને પ્રાથમિકતા ધરાવતી પ્રજાતિઓ” ગંગા ડોલ્ફિન, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, સી ટર્ટલ્સ, એશિયાટિક સિંહ, તિબેટીયન કાળિયાર અને અન્ય મૂળ પ્રજાતિઓ છે. ચિત્તા નહીં.
ચિત્તાઓને કુનો સુધી પહોંચાડવા માટે ભારત દેશે કાનૂની અને રાજદ્વારી અવરોધોમાંથી પસાર થવું પડ્યું છે. 2013ના સુપ્રીમ કોર્ટના આદેશે ભારતમાં લુપ્ત થઈ ગયેલા એશિયાટિક ચિત્તા (એસિનોનિક્સ જુબેટસ વેનેટિકસ) ને બદલે આફ્રિકન ચિત્તા (એસિનોનિક્સ જુબેટસ) લાવવાની યોજનાને “રદબાતલ” કરી હતી.
પરંતુ જાન્યુઆરી 2020માં નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એન.ટી.સી.એ.) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ચિત્તા પ્રાયોગિક ધોરણે આવી શકે છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે તેની સદ્ધરતા ફક્ત એન.ટી.સી.એ. નક્કી ન કરી શકે, આ માટે નિષ્ણાત સમિતિનું માર્ગદર્શન લેવું જોઈશે.
તે પછી આશરે 10 સભ્યોની ઉચ્ચ સ્તરીય પ્રોજેક્ટ ચિત્તા સંચાલન સમિતિની રચના કરવામાં આવી હતી. પરંતુ તેમાં હાજર રહેલા વૈજ્ઞાનિક ટોર્ડિફ કહે છે, “મને ક્યારેય [મીટિંગમાં] આમંત્રણ આપવામાં આવ્યું ન હતું”. પારીએ ચિત્તા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઘણા નિષ્ણાતો સાથે વાત કરી, જેઓ કહે છે કે તેમની સલાહની નિયમિત અવગણના કરવામાં આવે છે અને, “ટોચના હોદ્દા પર બિરાજમાન લોકોને કંઈ ખબર નથી પડતી, પરંતુ તેઓ અમને સ્વતંત્ર રીતે કામ પણ નથી કરવા દેતા.” જો કે એક બાબત તો સ્પષ્ટ જ હતી, કે કોઈ ખૂબ જ ઉચ્ચ વ્યક્તિ આ પ્રોજેક્ટ સફળ થાય તેવું ઇચ્છતી હતી અને કોઈપણ 'નકારાત્મક' સમાચારોને દબાવવામાં આવતા હતા.
સુપ્રીમ કોર્ટના ચુકાદાએ બારી ખોલી દીધી હતી, અને પછી તો ચિત્તા પ્રોજેક્ટ પૂરઝડપે આગળ વધ્યો હતો. સપ્ટેમ્બર 2022માં, પ્રધાનમંત્રીએ તેને સંરક્ષણની જીત હોવાનો દાવો કર્યો હતો અને આયાત કરેલા ચિત્તાના પ્રથમ વિમોચન સાથે કુનો ખાતે તેમનો 72મો જન્મદિવસ ઉજવ્યો હતો.
જો કે, સંરક્ષણ માટે પ્રધાનમંત્રીનો ઉત્સાહ 2000ના દાયકાની શરૂઆતમાં જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા ત્યારે 'ગુજરાતનું ગૌરવ ' ગણાતા સિંહોને રાજ્યએ છોડવાની મંજૂરી ન આપવામાં તેમની કથિત ભૂમિકા સાથે વિરોધાભાસી છે. અને એ પણ પાછું એશિયાટિક સિંહો આઇ.યુ.સી.એન. (ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર)ની રેડ લિસ્ટ ઓફ થ્રેટન્ડ સ્પીશીઝમાં સામેલ છે તેવા સુપ્રીમ કોર્ટના ચુકાદા છતાં આ બન્યું હતું.
બે દાયકા પછી, સિંહો માટે બીજું ઘર એક મહત્ત્વપૂર્ણ સંરક્ષણ જરૂરિયાત બની રહ્યું છે અને તે છે ગુજરાતમાં આવેલ સૌરાષ્ટ્ર દ્વીપકલ્પ. આવું એટલા માટે છે કેમ કે આપણી પાસે એશિયાટિક સિંહ (પેન્થેરા લિયો એસ.એસ.પી. પર્સિકા)ની એકમાત્ર વસ્તી છે અને તે બધા એક જ સ્થળે - સૌરાષ્ટ્રમાં રહે છે. અસલમાં જો આ સંરક્ષણ પહેલનાં મૂળ રાજકારણમાં નહીં પણ વિજ્ઞાનમાં હોત, તો કુનોમાં સંરક્ષણ પહેલનાં મૂળ રાજકારણમાં નહીં પણ વિજ્ઞાનમાં પણ સિંહ આવવાના હતા.
ચિત્તા લાવવા માટે એટલું બધું જોર પકડ્યું હતું કે નામિબિયાને ખુશ કરવા માટે હાથીદાંતના વેચાણ સામે પોતાનું મજબૂત વલણ તોડ્યું, કે જ્યાંથી ચિત્તાઓનો બીજો જથ્થો આવ્યો હતો. 1972ના આપણા વન્યજીવન (સંરક્ષણ) અધિનિયમની કલમ 49બી, હાથીદાંતના કોઈપણ જાતના વેપાર, અને આયાત પર પ્રતિબંધ મૂકે છે. નામિબિયા હાથીદાંતનું નિકાસકાર છે, અને તેથી ભારતે 2022માં કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન એન્ડેન્જર્ડ સ્પીશીઝ ઓફ વાઇલ્ડ ફૌના એન્ડ ફ્લોરા (સી.આઈ.ટી.ઈ.એસ.) પરિષદમાં હાથીદાંતના વ્યાપારી વેચાણ પર મતદાન કરવાનું ટાળ્યું હતું. આ એક પ્રકારની લેવડદેવડ થઈ હોવાનો સ્પષ્ટ કેસ હતો.
ત્યાં વસવાટ કરી રહેલા છેલ્લા આદિવાસીઓના ગમન સાથે, 748 ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું કુનો રાષ્ટ્રીય ઉદ્યાન હવે માત્ર ચિત્તાઓ માટે છે. પરંતુ આપણા રાષ્ટ્રીય સંરક્ષણના લક્ષ્યાંકો ગંગા ડોલ્ફિન, ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ, સી ટર્ટલ્સ, એશિયાટિક સિંહ, તિબેટીયન કાળિયાર અને અન્ય મૂળ પ્રજાતિઓ હોવી જોઈએ જેઓ અત્યંત જોખમી પરિસ્થિતિમાં છે. આયાત કરેલા ચિત્તા નહીં
બાગચાની વાત કરીએ તો, મંગીલાલ કહે છે કે તેમને ચિત્તાની કોઈ ફિકર નથી, એમને ચિંતા છે તેમના છ સભ્યોના પરિવાર માટે ખોરાક અને બળતણની. તેઓ મક્કમતાથી કહે છે, “અમે ફક્ત ખેતીના સહારે ટકી શકીશું નહીં. તે શક્ય જ નથી.” કુનોની અંદર તેમના ઘરોમાં તેઓ બાજરી, જુવાર, મકાઈ, દાળ અને શાકભાજી ઉગાડતા હતા. “આ જમીન ડાંગર માટે સારી છે, પરંતુ જમીન તૈયાર કરવી મોંઘી છે અને અમારી પાસે એટલા પૈસા નથી.”
શ્રીનિવાસ ત્રણ બાળકોના પિતા કહે છે, જેમાં સૌથી નાનો માત્ર આઠ મહિનાનો છે. તેઓ કહે છે કે તેમણે કામ માટે જયપુર સ્થળાંતર કરવું પડશે. “અહીં અમારા માટે કોઈ નોકરી નથી, અને જંગલ બંધ હોવાથી હવે કોઈ કમાણી પણ નથી થતી.”
પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (એમ.ઓ.ઇ.એફ.સી.સી.) દ્વારા નવેમ્બર 2021માં બહાર પાડવામાં આવેલ એક્શન પ્લાન ફોર ચિત્તા ઇન્ટ્રોડક્શન ઇન ઇન્ડિયામાં સ્થાનિક લોકો માટેની નોકરીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ ચિત્તાની સંભાળ અને પ્રવાસનની આસપાસની સો એક નોકરીઓ ઉપરાંત, સ્થાનિક લોકોને કોઈ ફાયદો થયો ન હતો.
*****
પહેલાં સિંહ અને હવે ચિત્તા રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ બન્નેમાં અને રાજકારણીઓની છબી નિર્માણમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. સંરક્ષણના ઉદ્દેશોની વાત તો ફક્ત છલાવો જ છે.
ચિત્તા માટેની કાર્ય યોજના (ચિત્તા એક્શન પ્લાન) એ 44 પાનાનો દસ્તાવેજ છે, જે રાષ્ટ્રની આખેઆખી સંરક્ષણ કાર્યસૂચિને ચિત્તાના ચરણોમાં મૂકે છે જેઓ 'ઘાસના મેદાનોને પુનઃજીવિત કરશે... કાળા હરણને બચાવશે... જંગલોને મનુષ્યોથી મુક્ત કરશે...' ઇકો-ટૂરિઝમને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક સ્તરે પણ છબી સુશોભિત કરવામાં મદદ કરશે − 'ભારત ચિત્તાના સંરક્ષણ માટે વિશ્વના પ્રયાસોમાં યોગદાન આપતું જોવા મળશે.'
આ પ્રોજેક્ટ માટે ફાળવેલ આશરે 195 કરોડ રૂપિયાનું ભંડોળ એન.ટી.સી.એ., એમ.ઓ.ઇ.એફ.સી.સી. અને જાહેર ક્ષેત્રની ઇન્ડિયન ઓઇલની કોર્પોરેટ સામાજિક જવાબદારી (સી.એસ.આર.)ના 2021ના ભંડોળમાંથી આપવામાં આવ્યું હતું. કોઈ પણ પ્રાણી કે પક્ષીને આજ દિન સુધી દિલ્હીથી આવતા પૈસા, માનવબળ અને વ્યવસ્થાપન નસીબ નથી થયું.
વ્યંગાત્મક રીતે, કેન્દ્ર તરફથી મળતા આ વધુપડતા ધ્યાનના લીધે જ પ્રોજેક્ટ ચિત્તા જોખમમાં મૂકાઈ ગયો છે. જે. એસ. ચૌહાણ કહે છે કે, “રાજ્ય સરકાર પર વિશ્વાસ કરવાને બદલે, ભારત સરકારના અધિકારીઓએ દિલ્હીથી પ્રોજેક્ટને નિયંત્રિત કરવાનું પસંદ કર્યું છે. અને તેનાથી ઘણા મુદ્દાઓનો ઉકેલ આવતો નથી.”
જ્યારે ચિત્તાઓ આવ્યા ત્યારે જે. એસ. ચૌહાણ મધ્યપ્રદેશના મુખ્ય વન્યજીવ રક્ષક હતા. “મેં તેમને વિનંતી કરી હતી કે અમારી પાસે કે.એન.પી.માં 20થી વધુ ચિત્તા માટે પૂરતી જગ્યા ન હોઈ અમને ચિત્તા એક્શન પ્લાનમાં ઓળખવામાં આવેલા વૈકલ્પિક સ્થળે કેટલાક પ્રાણીઓ મોકલવાની મંજૂરી આપવામાં આવે.” આ વૈકલ્પિક સ્થળ એટલે મુકંદ્ર હિલ્સ ટાઇગર રિઝર્વ [પડોશી રાજસ્થાનમાં] નો ઉલ્લેખ કરી રહ્યા છે, જે 759 ચોરસ કિલોમીટર જંગલથી ઘેરાયેલું છે.
ચૌહાણ એક અનુભવી ભારતીય વન સેવા અધિકારી છે, તેઓ કહે છે કે તેમણે “પ્રજાતિઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને યોગ્ય નિર્ણયો લેવા” માટે એન.ટી.સી.એ.ના સભ્ય સચિવ એસ. પી. યાદવને વિનંતી કરતા બહુવિધ પત્રો લખ્યા હતા, પરંતુ તેમને કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો અને જુલાઈ 2023માં તેમને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા અને થોડા મહિનાઓ પછી તેઓ નિવૃત્ત થઈ ગયા હતા.
જમીન પર ચિત્તાનું સંચાલન કરનારાઓને સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે આ મહત્ત્વના પ્રાણીઓને તે સમયે વિપક્ષી કોંગ્રેસ સરકાર દ્વારા શાસિત રાજ્ય (રાજસ્થાન) માં મોકલવા શક્ય નથી. “ઓછામાં ઓછું ચૂંટણી (નવેમ્બર અને ડિસેમ્બર 2023 માં યોજાયેલી) સુધી તો નહીં જ.”
ચિત્તાનું કલ્યાણ હવે પ્રાથમિકતા ન રહી.
ટોર્ડિફ કહે છે, “અમે નાદાન હતા કે આ એક સીધોસાદો સંરક્ષણ પ્રોજેક્ટ છે એવું સમજી બેઠેલા”. તેમને લાગે છે કે હવે તેમણે આ પ્રોજેક્ટથી પોતાને દૂર કરવાની જરૂર છે. “અમે આની રાજકીય અસરની ધારણા નહોતી કરી.” તેઓ કહે છે કે તેમણે અન્ય ઘણા ચિત્તા સ્થાનાંતરણો કર્યા છે પરંતુ તેઓ સંરક્ષણને ધ્યાનમાં રાખીને કરાયા હતા, જેમાં આ તીવ્ર રાજકીય હસ્તક્ષેપનો અભાવ હતો.
ડિસેમ્બરમાં મધ્યપ્રદેશમાં સત્તાધારી ભારતીય જનતા પાર્ટી સત્તામાં પરત ફર્યા બાદ એક અખબારી યાદી બહાર પાડવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે મધ્ય પ્રદેશમાં ગાંધી સાગર વન્યજીવ અભયારણ્યને (વાઘ અભયારણ્ય નહીં) પણ ચિત્તાના આગામી સ્થાનાંતરણ માટે તૈયાર કરવામાં આવશે.
પરંતુ ચિત્તાની ત્રીજી બેચ ક્યાંથી આવશે તે હજુ સ્પષ્ટ નથી, કારણ કે દક્ષિણ આફ્રિકા પણ વધુ ચિત્તાઓને મોકલવા માટે ઉતાવળ કરી રહ્યું નથી. આ પાછળ કારણ એ છે કે તેમની સરકારને તેમના દેશના સંરક્ષણવાદીઓ તરફથી ફિટકાર પડી રહી છે, જેઓ પૂછી રહ્યા છે કે ચિત્તાને ભારતમાં મરવા માટે કેમ મોકલવામાં આવી રહ્યા છે. અનામી રહેવાનું પસંદ કરતા એક નિષ્ણાત કહે છે, “આ માટે કેન્યા પાસે માંગ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ કેન્યામાં પણ ચિત્તાની વસ્તી ઘટી રહી છે.”
*****
મજાકમાં મંગીલાલ કહે છે, “જંગલ મેં મંગલ હો ગયા [જંગલ ઉજવણી સાથે ઝળહળી રહ્યું છે].”
સફારી પાર્કમાં જંગલી ચિત્તાની જરૂર નથી, તેમાં તો પાંજરામાં રહેલા ચિત્તા પણ ચાલી જાય.
ચિત્તાને ભારતીય સરકારનું પૂરેપુરું સમર્થન મળેલું છે − પશુચિકિત્સક ડૉક્ટરો, એક નવી હોસ્પિટલ, 50થી વધુ ટ્રેકર્સ, કેમ્પર વાનના 15 ડ્રાઇવરો, 100 વન રક્ષકો, વાયરલેસ ઓપરેટરો, ઇન્ફ્રા-રેડ કેમેરા ઓપરેટરો અને મોંઘેરા મુલાકાતીઓ માટે એકથી વધુ હેલિપેડ. આ તો માત્ર મુખ્ય વિસ્તારની જ વાત થઈ. બફર ઝોનમાં તેમના રક્ષકો અને રેન્જર્સનો સ્ટાફ પણ છે.
રેડિયો કોલર લગાડેલા અને ટ્રેક કરાતા ચિત્તા કાંઈ 'જંગલમાં' નથી, તેથી મનુષ્યોના સંપર્કમાં આવવાની ઘટના હજુ ઘટવાની બાકી છે. ચિત્તાઓ ઉતર્યાના અઠવાડિયાઓ પહેલાં જ રાઇફલ્સ લઈને અને સ્નિફર અલસાટિયન કૂતરાઓ સાથે સશસ્ત્ર રક્ષકો કે.એન.પી.ની સરહદે આવેલા તેમના ગામડાઓમાં ફરવા લાગતાં કોઈ સ્થાનિક લોકો ખુશ નથી થઈ રહ્યા. અધિકારીઓએ તેમનો ગણવેશ દેખાડ્યો અને કૂતરાઓએ તેમના દાંત દેખાડ્યાં − લોકોને ચેતવણી આપવામાં આવી હતી કે જો તેઓ ચિત્તાઓને કનડગત કરશે, તો સ્નિફર કૂતરાઓ તેમની સુગંધ પારખીને તેમને મારવા માટે છૂટા છોડી દેવામાં આવશે.
ઇન્ટ્રોડક્શન ઓફ ચિત્તા ઇન ઇન્ડિયાનો 2023નો વાર્ષિક અહેવાલ કહે છે કે કુનોની પસંદગી “શિકાર માટે પર્યાપ્ત સંસાધન” માટે કરવામાં આવી હતી. પરંતુ કાં તો તે હકીકતો ખોટી છે, કાં તો સરકાર કોઈ જોખમ નથી લઈ રહી. મધ્યપ્રદેશના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (પી.સી.સી.એફ.) અસીમ શ્રીવાસ્તવ દ્વારા આ પત્રકારને કહેવાામાં આવ્યું હતું, “આપણે કે.એન.પી.માં શિકાર વધારવાની જરૂર છે.” તેમણે જુલાઈ 2023માં કાર્યભાર સંભાળ્યો હતો અને કહ્યું હતું કે ચિત્તાની વસ્તી વધીને આશરે 100 જેટલી થઈ ગઈ છે, જેનાથી ખોરાક તંગ થઈ ગયો છે.
છેલ્લા બે દશકથી વધુ પેંચ, કાન્હા અને બાંધવગઢ ટાઈગર રિઝર્વનું સંચાલન કરનાર ભારતીય વન સેવા અધિકારી શ્રીવાસ્તવ ઉમેરે છે કે, "અમે ચિતલ [સ્પોટેડ હરણ] ના સંવર્ધન માટે 100 હેક્ટરની ફરતી વાડ બનાવી રહ્યા છીએ કારણ શિકાર માટે પૂરતાં પશુઓ હોવા પણ મહત્વપૂર્ણ છે."
ચિત્તા માટે ભંડોળ કોઈ સમસ્યા જ નથી − તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, “ચિત્તા ભારતમાં લાવવાનો પ્રથમ તબક્કો 39 કરોડ રૂપિયા (5 મિલિયન યુ.એસ. ડોલર) ના બજેટ સાથે પાંચ વર્ષ માટે છે.”
સંરક્ષણ વૈજ્ઞાનિક ડૉ. રવિ ચેલ્લમે ચિત્તાના પરિચયનું વર્ણન આ રીતે કર્યું છે, “તે સૌથી વધુ પ્રચાર પામેલી અને સૌથી મોંઘી સંરક્ષણ પરિયોજનાઓમાંથી એક છે.” તેઓ કહે છે કે ચિત્તાઓને પૂરક ખોરાક આપવો એ એક ખતરનાક દાખલો બેસાડી રહ્યો છે. “જો આ સંરક્ષણ માટે હોય, તો શિકારને પૂરક બનાવીને, આપણે અજ્ઞાત પરિણામો સાથે કુદરતી પ્રક્રિયાને ખલેલ પહોંચાડી રહ્યા છીએ. આપણે આ ચિત્તાને જંગલી પ્રાણીઓ તરીકે ગણવા જોઈએ”, વન્યજીવ જીવવિજ્ઞાની ઉમેરે છે જેમણે સિંહનો અભ્યાસ કર્યો છે અને હવે ચિત્તા પ્રોજેક્ટને કાળજીપૂર્વક જોઈ રહ્યા છે.
તેઓ ઉમેરે છે, “તેમને લાંબા સમય સુધી બંદી બનાવીને અને શિકાર કરનારા પ્રાણીઓને પ્રમાણમાં નાના ઘેરામાં મૂકીને, આપણે વાસ્તવમાં લાંબા ગાળે તેમની તંદુરસ્તી ઘટાડી રહ્યા છીએ.” ચેલ્લમે 2022માં ચેતવણી આપી હતી કે, “તે એક ભવ્ય અને ખર્ચાળ સફારી પાર્ક સિવાય બીજું કંઈ નહીં હોય.”
તેમના શબ્દો સાકાર થઈ રહ્યા છેઃ ચિત્તા સફારીની શરૂઆત 17 ડિસેમ્બર, 2023ના રોજ પાંચ દિવસીય તહેવાર સાથે થઈ હતી અને તેનો ઉપયોગ દરરોજ લગભગ 100-150 લોકો દ્વારા કરવામાં આવે છે જેઓ કુનોમાં જીપ સફારી માટે 3,000 થી 9,000 રૂપિયા ખર્ચ કરી રહ્યા છે.
અહીં નવી બનનારી હોટલો અને સફારી ઓપરેટરોએ ભાવ આસમાને પહોંચાડી દીધા છે − ચિત્તા સફારી સાથે 'ઇકો' રિસોર્ટમાં એક રાત રોકાવાની કિંમત બે લોકો માટે 10,000 થી 18,000 રૂપિયાની વચ્ચે છે.
બાગચામાં નાણાંની અછત છે અને ભવિષ્ય અનિશ્ચિત છે. બલ્લૂ કહે છે, “ચિત્તાના આગમનથી અમને કોઈ ફાયદો નથી થયો. જો તેઓએ અમને 15 લાખ રૂપિયાની સંપૂર્ણ રકમ આપી હોત, તો અમે અમારા ખેતરોને યોગ્ય રીતે નહેરો સાથે જોડી શક્યા હોત અને તેમને સમતલ કરી શક્યા હોત, અને અમારા ઘરોનું નિર્માણ પણ પૂરું કરી શક્યા હોત.” મંગીલાલ ચિંતાતુર સૂરે ઉમેરે છે, “અમે કોઈ કામ નથી કરી રહ્યા, તો અમે ખાઈશું કેવી રીતે?”
સહરિયા લોકોના રોજિંદા જીવનના અન્ય પાસાઓ પણ પ્રભાવિત થયા છે. પોતાની જૂની શાળામાં ધોરણ 8ની વિદ્યાર્થીની દીપીએ નવી વસાહતમાં આવ્યા બાદ અભ્યાસ છોડી દીધો છે. તેઓ કહે છે, “નજીકમાં કોઈ શાળા જ નથી”. સૌથી નજીકની શાળા ખૂબ દૂર છે. જો કે, નાના બાળકો નસીબદાર રહ્યા છે − દરરોજ સવારે એક શિક્ષક તેમને ખુલ્લા આકાશ હેઠળ ભણાવવા આવે છે, પણ ત્યાં કોઈ ઇમારત નથી. મંગીલાલ મારા આશ્ચર્ય પર હસતાં કહે છે, “પણ તેઓ બધા જાય છે.” તેઓ મને યાદ અપાવે છે કે જાન્યુઆરીની શરૂઆતમાં રજા હોય છે અને શિક્ષક આજે આવ્યા નથી.
રહેવાસીઓ માટે પીવાના પાણી માટે બોરવેલ ખોદવામાં આવ્યો છે અને સફેદ પાણીની મોટી ટાંકીઓ આસપાસ પડેલી છે. સ્વચ્છતા સુવિધાઓનો સંપૂર્ણ અભાવ મહિલાઓ માટે ખાસ કરીને મુશ્કેલ છે. ઓમવતી કહે છે, “મને કહો કે અમારે [મહિલાઓએ] શું કરવું જોઈએ? અહીં શૌચાલય જ નથી. અને જમીન એટલી સંપૂર્ણ રીતે સાફ થઈ ગઈ છે કે ત્યાં કોઈ વૃક્ષોય નથી કે જેની પાછળ મહિલાઓ છુપાઈ શકે. અમે ખુલ્લામાં અથવા ઊભા પાકમાં તો ન જઈ શકીએ ને, કે જે ચારે બાજુ ફેલાયેલું છે.”
પરંતુ પાંચ બાળકોની 35 વર્ષીય માતા કહે છે કે તેઓ હવે જે ઘાસ અને તાડપત્રીના તંબુઓમાં રહે છે તેના કરતાં તેમની પાસે અન્ય વધુ ગંભીર સમસ્યાઓ છેઃ “અમારે બળતણનું લાકડું લાવવા માટે ખૂબ દૂર જવું પડે છે. જંગલ હવે દૂર છે. અમે [ભવિષ્યમાં] કેવી રીતે વ્યવસ્થા કરી શકીશું?” અન્ય લોકો કહે છે કે જ્યારે તેઓ આવ્યા ત્યારે તેઓ તેમની સાથે લાવેલા નાના લાકડા અને તેમની જમીનમાંથી તેઓને જે મૂળ મળી રહ્યા છે તેનાથી તેઓ ગુજારો કરે છે, પરંતુ તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે.
વધુમાં, એન.ટી.એફ.પી.નું ભારે નુકસાન કુનોની આસપાસ અનુભવાઈ રહ્યું છે કારણ કે ચિત્તા પરિયોજનાએ નવી વાડ ઊભી કરી છે. તે વિશે વધુ આગામી વાર્તામાં જોઈશું.
ચિત્તા એક્શન પ્લાનમાં નોંધવામાં આવ્યું હતું કે પ્રવાસનમાંથી થતી આવકનો 40 ટકા ભાગ આસપાસના સમુદાયોમાં વહેંચવો જોઈએ, “વિસ્થાપિત લોકો માટે ચિત્તા સંરક્ષણ ફાઉન્ડેશનની રચના કરવી. દરેક ગામમાં ચિત્તા પર નજર રાખનારાઓને પ્રોત્સાહન આપવું, આસપાસના ગામડાઓ માટે રસ્તાઓ, સ્વચ્છતા, શાળાઓ વગેરે જેવા જૈવ-વિકાસ પરિયોજના બનાવવી.” પરંતુ દોઢ વર્ષ પછી આ બધું માત્ર કાગળ પર જ છે.
ઓમવતી આદિવાસી પૂછે છે, “અમે ક્યાં સુધી આ રીતે જીવીશું?”
મુખપૃષ્ઠ છબી: એડ્રિયન ટોર્ડિફ
અનુવાદક: ફૈઝ મોહંમદ