પ્રકાશ બુંદીવાલ પોતાની પનવારીમાં ઊભા છે. હૃદયના આકારના (નાગરવેલ) ના આ પાન પાતળી વેલ પર ગીચ હારમાં ઊગે છે; કાળઝાળ ગરમી અને પવનથી તેમનું રક્ષણ કરવા માટે તેમને સિન્થેટિક જાળીથી આવરી લેવામાં આવે છે.
જમ્યા પછી ભારતભરમાં ખવાતા પાન બનાવવા માટે આ નાગરવેલના આ પાન સૌથી મહત્વપૂર્ણ છે. પાનને મિન્ટી સુગંધ અને રસીલો સ્વાદ આપવા માટે ચૂના (ચૂનાની પેસ્ટ) અને કથ્થા (કાથા) સાથે સૌંફ (વરિયાળી), સુપારી (સોપારી) અને ગુલકંદ જેવી વિવિધ વસ્તુઓને લીલા પાનમાં લપેટવામાં આવે છે.
11956 લોકોની વસ્તી ધરાવતું આ ગામ તેના સારી ગુણવત્તાવાળા નાગરવેલનાં પાન માટે જાણીતું છે. અને કુકડેશ્વરના બીજા ઘણા લોકોની જેમ પ્રકાશનો પરિવાર તેમને યાદ છે ત્યારથી - પેઢીઓથી - આ પાનની ખેતી કરે છે. તેઓ મધ્યપ્રદેશમાં ઓબીસી (અધર બેકવર્ડ કલાસ - અન્ય પછાત વર્ગ) તરીકે સૂચિબદ્ધ તંબોળી સમુદાયના છે. હવે ઉંમરના સાઠના દાયકામાં પહોંચેલા પ્રકાશે તેઓ નવ વર્ષના હતા ત્યારથી પનવારીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
પરંતુ બુંદીવાલના 0.2 એકરના ખેતરમાં બધું બરાબર નથી. મે 2023 માં બિપરજોય ચક્રવાતને કારણે આવેલા વાવાઝોડાએ આ નાના ખેડૂત માટે પાયમાલી સર્જી છે. તેઓ કહે છે, "અમને કોઈ વીમો આપવામાં આવતો નથી, અને વાવાઝોડામાં બધું જ બરબાદ થઈ જાય તો પણ સરકાર કોઈ જ સહાય આપતી નથી."
કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય કૃષિ વીમા યોજના (નેશનલ એગ્રિકલચરલ ઇન્શ્યોરન્સ સ્કીમ - એનએઆઇએસ) હેઠળ અનેક કૃષિ ઉત્પાદનોને હવામાન સંબંધિત વીમો પૂરો પાડે છે, જોકે તેમાં નાગરવેલનાં પાનનો સમાવેશ થતો નથી.










