દીવો હોલવાઈ ન જાય તેની ખાતરી કરવા માટે એક યુવાન સ્ક્રીનની પાછળ દોડે છે, અને દીવો હોલવાઈ તેની સહેજ જ પહેલાં ત્યાં પહોંચે છે. એક કલાકના પ્રદર્શન દરમિયાન તેમણે આવું ઘણી વખત કરવું પડે છે, અને એ પણ સાધનસામગ્રી અને તેમના સાથી કામદારોને ખલેલ ન પહોંચે તેનું ધ્યાન રાખીને.
તે બધા તોલ્પાવકૂત કઠપૂતળીના કલાકારો છે, જેઓ તેમના પ્રેક્ષકોની નજરથી છૂપા રહીને પ્રદર્શન કરે છે.
કઠપૂતળીના કલાકારો હાથમાં ચામડાની કઠપૂતળીઓ સાથે આ સફેદ સુતરાઉ પડદાની બીજી બાજુએ સતત ફરતા રહે છે. તેમના પગની નજીક લગભગ 50-60 અન્ય કઠપૂતળીઓ હોય છે, જેઓ જરૂર પડે ઉપયોગમાં આવવા માટે તૈયાર હોય છે. વાર્તાને વક્તાઓ દ્વારા વર્ણવવામાં આવે છે, અને પડછાયાઓ દ્વારા તેની અનુભૂતિ કરાવવામાં આવે છે.
આ કલાની પ્રકૃતિ એવી છે કે વાસ્તવિક પ્રદર્શન પર કોઈનું ધ્યાન જતું નથી. તેથી જ્યારે કઠપૂતળીના કલાકાર રામચંદ્ર પુલાવરને 2021માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા, ત્યારે તે ઉજવણીનું કારણ અને સ્વીકૃતિ માટેનો સમય હતો. તેમના ભાષણમાં, તોલ્પાવકૂતના કલાકારે કહ્યું હતું, “આ માન્યતા... આ કઠપૂતળીની રંગભૂમિના અસ્તિત્વને સુનિશ્ચિત કરવા માટે વર્ષોથી સમગ્ર મંડળી દ્વારા કરવામાં આવેલા સામૂહિક પ્રયાસોને ફાળે જાય છે.”
જો કે, પુલાવર અને તેમની ટુકડીની સફળતા એમને એમ નથી આવી. વિવેચકો અને સમર્થકો બન્નેએ તેમના પર કલાને વ્યવસાયમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. રામચંદ્ર ટીકાને લઈને વધારે ચિંતિત નથી. તેઓ કહે છે, “અમારા માટે પેટનો ખાડો પૂરવા અને અમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે આને વ્યવસાય બનાવવું જરૂરી છે. જો અભિનેતાઓ અને નર્તકો તેઓ જે પ્રસ્તુતિ કરે છે તેના માટે પૈસા વસૂલી શકતા હોય, તો કઠપૂતળી કલાકારો તેવું કેમ ન કરી શકે?”




